નવલકથાપરિચયકોશ/સૂકી ધરતી સૂકા હોઠ

From Ekatra Wiki
Revision as of 14:07, 19 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૧

‘સૂકી ધરતી સૂકા હોઠ’ : દિલીપ રાણપુરા

– માવજી મહેશ્વરી

નવલકથાકારનો પરિચય દિલીપ રાણપુરા જન્મ : ૧૪/૧૧/૧૯૩૨ – અવસાન : ૧૬/૩/૨૦૦૩ વતન : ધંધુકા (જિલ્લો અમદાવાદ) અભ્યાસ : વર્નાક્યુલર ફાઈનલ, જુનિયર પીટીસી એવૉર્ડ : ગુજરાતસાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઇનામો અને ધનજી કાનજી પારિતોષિક, કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, સરોજ પાઠક પારિતોષિક, ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે અપાતો ‘સ્ટેટ્‌સ મેન’ એવૉર્ડ (કલકત્તા) હિંદી અને મરાઠી ભાષામાં અનુવાદો થયા છે. રેડિયો અને ટીવીમાં નાટ્ય રૂપાંતર થયાં છે. સાહિત્ય સર્જન : ૧૯ નવલકથા, ૬ વાર્તા સંગ્રહો, ૨ નિબંધ સંગ્રહો, ૨ ચરિત્રકથા, ૨ જીવનપ્રેરક વાતો, આવૃત્તિ : સૂકી ધરતી સૂકા હોઠ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં પ્રકાશિત થઈ હતી. બીજી આવૃત્તિ ૧૯૮૦માં અને બીજી આવૃત્તિનું પુનઃમુદ્રણ ૧૯૯૪, ૨૦૦૫ અને ૨૦૨૧માં થયેલું છે. આ નવલકથા પરથી ફારૂક દેસાઈ નામના યુવાને ફિલ્મ બનાવવાનું વિચારેલું. કાનન કૌશલ જેવા કલાકારોને લઈને બનાવવામાં આવતી ફિલ્મ નાણાંના અભાવે અટકી પડેલી. નવલકથાનું કથાનક : આ નવલકથાનો નાયક જયંતી ઠાકર, જેણે લોકભારતી સણોસરામાં શિક્ષકની તાલીમ લીધી છે. તેને પોતાના કાર્ય અને ખંત ઉપર વિશ્વાસ છે. તેને ઝાલાવાડના શેખડોદ નામના અંતરિયાળ ગામમાં નિમણૂક મળે છે. તે હાજર થાય છે ત્યારે ત્યાં રહેતા શિક્ષક સૂતા હોય છે. બીજા દિવસે તે વિદ્યાર્થીઓને બોલાવે છે. દસેક છોકરા આવે છે. તેણે પોતાની તાલીમમાં શીખવેલી યુક્તિઓ અજમાવે છે, પણ કોઈ કશું બોલતું નથી. એક દિવસ એ યુવાન છોકરાઓ સાથે દડો રમે છે. અને આ વાતની જાણ ગામના ખેપાની ગણાતા લોકોને થાય છે. આખરે નિરાશ થઈને તે ભણાવવાનું છોડી દે છે. જયંતી એક આદર્શવાદી શિક્ષકત્વ દ્વારા ગામમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા મથે છે. પણ જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ તે બધાથી વિમુખ થતો જાય છે. શરૂઆતમાં તેની પાસે આવતા આપા મેરામ, આપા સોમલો, સૂરો રબારી, બાવાજી વગેરે સાથે ભળતો નહીં. બધા તેને એકલસૂડો કહેતા. જયંતીના ઘેર કામ કરવા આવતી પાંત્રીસેક વર્ષની સમુ સાથે તેનો મૃદુ પરિચય થાય છે. જયંતી ક્યારેક સમુની દેહયષ્ટિને એક પુરુષની નજરે નિહાળે છે. વેકેશનમાં તે પોતાના ઘેર આવે છે. તેની મા અને બહેન જયંતીની સગાઈનું વિચારે છે પણ દરેક જગ્યાએથી ના આવે છે. ગામડામાં નોકરી કરતા શિક્ષકને કોઈ છોકરી દેવા રાજી નથી. આ દરમિયાન તેની માનું મૃત્યુ થાય છે. શેખડોદ આવી ગયેલો જયંતી જુએ છે કે તેની નિશાળમાં ચોરી થઈ ગઈ છે. આપો મેરામ જ તેને સમાચાર આપે છે. તે પોલીસને ખબર આપવાનું વિચારે છે પણ આપો મેરામ તેને ગર્ભિત ધમકી આપે છે. જયંતી ડરીને બેસી જાય છે. કોઈ જ પ્રવૃત્તિ વિનાના ગામમાં ૧૨૦ રૂપિયાનો પગાર તેને બાંધી રાખે છે. પણ તેને ખ્યાલ આવતો નથી કે તે એક પછી એક પગથિયું નીચે ઊતરતો જાય છે. શરૂઆતમાં તે કસુંબો પીએ છે. બદલી માટે નિરીક્ષકને મળે છે. પણ બદલી માટે ત્રણસો રૂપિયા આપતાં તેનો જીવ કોચવાય છે. નિરીક્ષક તેને મોઢા ઉપર ચોપડી દે છે. ઋતુઓ ઉપર ઋતુઓ વહેતી જાય છે. ભાદરનું પાણી સુકાય છે. બોડા ડુંગરા લીલા થાય છે અને ફરી બોડા થઈ જાય છે. ચોરીની બીકને કારણે વેકેશનમાં પોતાના હસ્તકનો ચાર્જ સાથે લઈને ઘેર જાય છે. પાછો આવે છે ત્યારે તેને સાંભળવા મળે છે કે આપા વેગડે સમુ ઉપર બળાત્કારની કોશિશ કરી છે અને સમુ અને તેનો પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો છે. હવે તેને ઘેર કોઈ પાણી ભરી દેવા તૈયાર નથી, અરે! તેને કોઈ પાણી પણ દેતું નથી. એકલતા, પ્રવૃત્તિહીન જીવન, શરીરની જરૂરિયાતોની ઊઠતી દાહ તેને સૂવા દેતી નથી. એક મધરાતે આપો વેગડ અને તેના સાથીદારો તેને ચોરીનો માલ આપી જાય છે અને ધમકી પણ આપતા જાય છે. ડરી ગયેલો જયંતી કોઈને કશું કહી શકતો નથી. અરે! બીજા દિવસે આવેલી પોલીસને પણ તે કશું કહેતો નથી. જયંતી માટે હવે તેનું કોઈ નથી એવું માની જીવવા માંડે છે. એવામાં બહેનના ઘેરથી પત્ર આવે છે કે તેના ભાણેજની જનોઈનો પ્રસંગ છે. તે બહેનના ઘેર પહોંચે છે. તેના કામાતુર મન ઉપર ફરી એકલતાનો હુમલો થાય છે. એ પોતાની સગી બહેન ઉપર કુદૃષ્ટિ કરે છે અને પસ્તાય છે. ત્યાંથી ભાગી છૂટે છે. એને એવું નક્કી થઈ જાય છે કે, હવે પોતાના માટે શેખડોદ સિવાય બધી જગ્યાઓ નકામી છે. એક દિવસ તેને છૂટો કરવા એક શિક્ષક હાજર થાય છે. જયંતી છૂટો થતો નથી. તે શિક્ષકને લખીને આપી દે છે કે પોતે પોતાની મરજીથી છૂટો થયો નથી. જયંતી જુએ છે કે પોતાની બાજુમાં એક પુસ્તક પડ્યું છે. તેના શેર ઉપર નજર જાય છે. તુઝે લિપટકર ક્યોં ન સોઉં અય કબ્ર આખિર જાન દેકર તુજકો પાયા હૈ! નવલકથા લેખનની ભાષા પદ્ધતિ : નવલકથાની ભાષાપદ્ધતિ સરળ અને પ્રવાહી છે. લેખકે નવલકથામાં ક્યાંય કોઈ જાતનો પ્રયોગ કરેલ નથી. કુદરતી દૃશ્યો, નયનરમ્ય વાતાવરણ, શહેરમાંથી આવેલો જયંતી, આપો મેરામ અને તેની મંડળીની દ્વિઅર્થી વાતચીત, સમુ સાથેના સંવાદો, બકરી સાથેના ગામના યુવાનના સંભોગનું દૃશ્ય જોઈને જયંતીને આવેલા વિચારો. બધું જ સરળ અને તત્કાલીન સમાજની ગ્રામ્ય ભાષામાં લખાયેલ છે. લેખકે પોતાની વિચારશીલતા અને બૌદ્ધિક પ્રતિભાનો ભાર સમગ્ર નવલકથા ઉપર કશે લાદ્યો નથી. લેખકે સંવાદોમાં ઝાલાવાડની ગ્રામ્ય ભાષાનો પ્રયોગ કરેલ છે, જે એક કોળી, કાઠી કે રબારીની ભાષા છે. નવલકથાનો પ્રકાર : આ નવલકથાને શિક્ષણની અધોગતિની કથા કહી શકાય. જોકે આને સામાજિક નવલકથા કેમ ન કહેવી તે એક પ્રશ્ન છે. નવલકથા વિશે : દિલીપ રાણપુરાની સૂકી ધરતી સૂકા હોઠ નવલકથા શૈક્ષણિક સંસ્થા સાથે સંઘર્ષ કરતા પ્રાથમિક શિક્ષક જયંતી ઠાકર દ્વારા મૂર્ત કરે છે. આ નવલકથાની વિશેષતા એ છે કે તેમાં દર્શાવેલો સંઘર્ષ આજે પણ શિક્ષકો કરી રહ્યા છે. તે સંઘર્ષમાં વધારો થયો છે પણ સંઘર્ષ ઘટ્યો નથી. વસ્તુતઃ એમ કહી શકાય કે નવલકથાનો નાયક દેશકાળના તત્ત્વને પ્રસ્તુત કરે છે. પોતાનો સંઘર્ષ આબેહૂબ છે. શાળાનું કાર્ય જાતે કરવું, એના સંસ્કાર, એની ભાવના, એકલતા, ઉજ્જડતા, કુત્સિત વિકૃતિ સાથે ઝૂકી ઝૂકીને ડગમગે છે અને અંતે ઝૂકી પડે છે. શૈક્ષણિક કાર્ય થતું ન હોવાથી જયંતી બદલી માગે છે. પરંતુ વર્ષો વીત્યા છતાં તેની બદલી થતી નથી. પછી જ્યારે બદલી થાય છે ત્યારે તે નકારે છે. કારણ કે સૂકી ધરતી અને સૂકા હોઠ હવે તેને કોઠે પડી ગયા છે. આમ પાત્રનું વાસ્તવિક ચિત્ર હૃદયસ્પર્શી બની રહે છે. કથા વિશે અન્ય સર્જકનું નિવેદન : નિઃશંકપણે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામે તેવી નવલકથા છે. અનેક આદર્શ, અરમાન અને ઉચ્ચ ધ્યેય લઈને સૌરાષ્ટ્રનું નાકું કહી શકાય એવા સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડના ગામડે ગયેલો એક નવયુવાન શિક્ષકનું જે રીતે ધીરે ધીરે પતન થાય છે તેની કરુણ કથની છે. એક સડી ચૂકેલો સમાજ આ યુવાનના મન અને જીવનમાં કેવો સડો પેદા કરે છે તેની આ કથા વિશ્વ પ્રસિદ્ધ સર્જકોએ રચેલ નૈતિક અધઃપતનની કૃતિઓની યાદ અપાવે છે. અદ્‌ભુત સર્જનશીલતા અને આદર્શવાદની આ કથા ૧૯૬૭માં પહેલી વાર પ્રગટ થઈ ત્યારે એની દિગ્ગજ સાહિત્યકારોએ નોંધ લીધી હતી. (યશવંત મહેતા)

માવજી મહેશ્વરી
નિવૃત્ત શિક્ષક
વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, કૉલમિસ્ટ
મો. ૯૦૫૪૦૧૨૯૫૭
Email: mavji018@gmail.com