ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ભૃગુ-પુલોમાકથા

From Ekatra Wiki
Revision as of 16:40, 23 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભૃગુ-પુલોમાકથા

મહર્ષિ ભૃગુની પત્ની અતિ પ્રિય દયિતા અને વિખ્યાત પુલોમા હતી, ભૃગુ ઋષિના વીર્યથી પુલોમાના ઉદરમાં ગર્ભ સ્થિર થયો. તે યશસ્વી ભૃગુથી સમાન શીલવાળી ધર્મપત્ની પુલોમામાં યથા સમયે ગર્ભ સ્થિર થયો, પરમ ધાર્મિક ભૃગુ એક દિવસ સ્નાન માટે ગયા, ત્યારે પુલોમા નામનો એક રાક્ષસ તેમના આશ્રમમાં આવ્યો. અંદર પ્રવેશીને તેણે અનિન્દિતા (અતિ સુંદર) ભૃગુપત્નીને જોઈને તેના હૃદયમાં કામ વ્યાપ્યો અને અચેતન બની ગયો. ચારુદર્શના પુલોમાએ અતિથિ તરીકે આવેલા એ રાક્ષસને વનના ફળમૂળનો સ્વીકાર કરવા આમંત્રણ આપ્યું. હૃદયમાં પ્રગટેલા કામથી પીડિત થઈને તે રાક્ષસ અનિન્દિતા સ્ત્રીને નિહાળીને પ્રસન્ન થયો. તેની ઇચ્છા તે સ્ત્રીનું હરણ કરવાની હતી. પછી તે રાક્ષસે અગ્નિગૃહમાં જાતવેદા અગ્નિને જોયો અને તે પ્રજ્વલિત અગ્નિને તેણે પૂછ્યું, ‘હે અગ્નિ, તમે સત્યવક્તા છે, હું તમને સત્ય પૂછું છું, આ સ્ત્રી કોની છે? મને સાચું કહો, મેં અગાઉ આ સુંદર સ્ત્રીને પત્ની રૂપે પસંદ કરી હતી, પછી તેના પિતાએ આ સ્ત્રીને અસત્યવાદી ભૃગુને સોંપી દીધી, આ સુંદર સ્ત્રી ભૃગુની ભાર્યા છે કે નહીં તે વાત સાચેસાચ કહો, હું આશ્રમમાંથી તેનું હરણ કરી જવા માગંુ છું, આ સુમધ્યમા કાયાવાળી સુંદરી મારી પત્ની હતી. તે ભૃગુની થઈ ગઈ. આજ સુધી મારો ક્રોધ મારા હૃદયમાં ને હૃદયમાં જ જીવંત રહ્યો છે.’

આ ભૃગુની પત્ની છે એવી શંકા કરીને તે રાક્ષસ પ્રજ્વલિત જાતવેદાને વારંવાર પૂછવા લાગ્યો.

‘હે અગ્નિ, તમે તો નિત્ય બધાં પ્રાણીઓનાં અંતરમાં વિચરો છો, પાપપુણ્યના સાક્ષી બનો છો, હે કવિ, તમે સત્ય બોલો. મેં એક સમયે વરેલી ભાર્યા અસત્યવાદી ભૃગુએ છિનવી લીધી છે, આ એ જ સ્ત્રી છે કે નહીં, હે અગ્નિ, તમે સાચી વાત મને કહો, તમારા મોંએ સાચી વાત સાંભળીને તમારા દેખતાં જ આ આશ્રમમાંથી હું એનું હરણ કરી જઈશ. એટલે સાચું બોલો.’

તે રાક્ષસની આવી વાત સાંભળીને અગ્નિ એક બાજુ અસત્ય ભાષણથી ભય પામ્યો અને બીજી બાજુ ભૃગુના શાપની પણ ભીતિ થઈ. ધીમેથી તે બોલ્યો, ‘હા, આ પુલોમા ભૃગુની પત્ની છે.’

અગ્નિનું એ વચન સાંભળીને વરાહનું રૂપ લઈને મન અને પવનના વેગે તે રાક્ષસ તેને (પુલોમાને) હરી ગયો. તે સમયે પુલોમાના ઉદરમાં રહેલો ગર્ભ ક્રોધને કારણે માતાના શરીરમાંથી સરી પડ્યો. નીચે પડી ગયો, એટલે તેનું નામ ચ્યવન પડ્યું. માતાના ઉદરમાંથી ચ્યુત થનારા એ આદિત્ય (સૂર્ય) સમાન તેજસ્વી બાળકને જોતાંવેંત તે રાક્ષસ ભસ્મ થઈને નીચે પડી ગયો. દુઃખથી મૂચ્છિર્ત થયેલી, સુંદર સાથળોવાળી પુલોમા ભૃગુનંદન ચ્યવનને લઈને ભાર્ગવ પાસે જઈ પહોંચી. સર્વ લોકના પિતામહ બ્રહ્માએ રડતીકકળતી, અનંિદિતા અને આંસુ સારતી ભૃગુભાર્યાને જોઈ, પિતામહ બ્રહ્માએ પોતાની પુત્રવધૂને સાંત્વન આપ્યું. પુલોમાનાં આંસુમાંથી ત્યાં મહા નદી વહેવા લાગી, અને તે યશસ્વિની ભૃગુપત્નીની પાછળ પાછળ વહેવા લાગી. આંસુમાંથી પ્રગટેલી એ નદીને પુલોમાની પાછળ પાછળ ભગવાન ચ્યવનના આશ્રમ તરફ વહેતી જોઈને સર્વલોકના પિતામહ બ્રહ્માએ તેનું નામ ‘વધૂસરા’ પાડ્યું.

તો આમ ભૃગુના પ્રતાપી પુત્ર ચ્યવન પ્રગટ્યા હતા. તે સમયે ભૃગુએ પોતાના પુત્ર ચ્યવનને અને ભામિની (પત્ની)ને જોઈ. ક્રોધે ભરાયેલા ભૃગુએ પોતાની પત્ની પુલોમાને પૂછ્યું, ‘તારું હરણ કરવાની ઇચ્છા ધરાવતા એ રાક્ષસને કોણે તારો પરિચય આપ્યો, કારણ તે મારી ચારુહાસિની (સુંદર હાસ્યવાળા) ભાર્યાને તે રાક્ષસ ઓળખતો ન હતો. તું સાચું કહે, હું ક્રોધે ભરાયો છું, તેને શાપ આપવા માગું છું. કોણે આ વ્યતિક્રમ (અવળું કાર્ય) કર્યો, મારા શાપથી કોણ ભય પામતું નથી?’

એટલે પુલોમાએ કહ્યું, ‘હે ભગવન્, અગ્નિએ તે રાક્ષસને મારો પરિચય આપ્યો, એટલે તે રાક્ષસ કુરરી(ટિટોડી?)ની જેમ રોતીકકળતી મને લઈ ગયો. તમારા આ પુત્રના તેજના પ્રભાવે હું મુક્ત થઈ અને તે રાક્ષસ મને મુક્ત કરીને ભસ્મ થઈને ભૂમિ પર પડી ગયો.’

પુલોમાની આ વાત સાંભળીને ભૃગુ બહુ ક્રોધે ભરાયા અને તેમણે અગ્નિને શાપ આપ્યો કે તું હવેથી સર્વભક્ષી બની જઈશ.

ભૃગુએ શાપ આપ્યો એટલે અગ્નિએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘હે બ્રહ્મન્, અત્યારે આ કેવું સાહસ આદર્યું? હું ધર્મનું આચરણ કરું છું, સત્ય બોલું છું, પક્ષપાત કરતો નથી, પૂછ્યું એટલે સત્ય કહ્યું, આમાં મારો વાંક ક્યો? જે સાક્ષી કોઈ પૂછે અને જાણતો હોવા છતાં જૂઠું બોલે તે પોતાની આગલી અને ભવિષ્યની સાત પેઢીઓનો નાશ કરે છે. જે વ્યક્તિ સત્ય જાણવા છતાં પણ બોલતા નથી તે પણ આ પાપથી ખરડાય છે એેમાં કશો સંશય નથી. હું પણ તમને શાપ આપી શકું છું પરંતુ તમે બ્રાહ્મણ છો એટલે માનને પાત્ર છો. તમે બધું જાણો છો છતાં બધું વ્યક્ત કરવા કહું છું. હું યોગપ્રભાવે મારી જાતને બહુમાં વહેંચું છું, મૂર્તિઓમાં, અગ્નિહોત્રોમાં, સત્રોમાં, બધી ક્રિયાઓમાં ઉપસ્થિત રહું છું. વેદોક્ત વિધિઓથી જેઓ મને હવિ ચઢાવે છે, તેનાથી દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થાય છે. જળ જ દેવતા છે, સર્વ જળ પણ પિતૃઓ છે. દેવતાઓ અને પિતૃઓના નિમિત્તે દર્શ અને પૌર્ણમાસ યજ્ઞ હોય છે. એટલે દેવતાઓ પિતૃ છે અને પિતૃઓ દેવતા છે. પર્વોમાં ક્યારેક એક રૂપે ક્યારેક પૃથક્રૂપે તેઓ પૂજાય છે. દેવતાઓ અને પિતૃઓ મારામાં હવિ નિત્ય નાખે છે, એટલે જ મને દેવતાઓનું તથા પિતૃઓનું મુખ માનવામાં આવે છે. અમાવાસ્યાએ પિતૃઓ તથા પૂણિર્માએ દેવતાઓ હવિ મેળવે છે. મારા મુખમાં જ હોમાયેલાં હવિ આરોગે છે, તેમનું મુખ હોવાથી હું સર્વભક્ષી કેવી રીતે થઈશ?’

આમ વિચારીને અગ્નિએ બ્રાહ્મણોના અગ્નિહોત્ર, યજ્ઞ-સત્રની ક્રિયાઓમાંથી પોતાને અલગ કરી લીધા. એટલે બધી પ્રજાઓ ઓંકાર, વષટ્કાર, સ્વાધા, સ્વાહા વગેરેથી વર્જિત થઈ ગઈ અને અતિ દુઃખી થઈ. એટલે ઋષિઓ ઉદ્વિગ્ન થઈને દેવતાઓ પાસે જઈને બોલ્યા, ‘અગ્નિનાશ થવાને કારણે ત્રણે લોક ક્રિયાઓ (વિધિઓ) વિના ભ્રાન્ત થઈ ગયા છે. કાળ વ્યતીત ન થાય એટલે યોગ્ય લાગે તે કરો.’ દેવતાઓ અને ઋષિઓ બ્રહ્મા પાસે ગયા અને અગ્નિને અપાયેલા શાપની તથા યજ્ઞક્રિયાઓ બંધ થઈ ગઈ તેની વાત કરી.

‘હે મહાભાગ, કોઈક કારણે ભૃગુએ અગ્નિને શાપ આપ્યો છે. અગ્નિ તો યજ્ઞમાં અપાતા હવિનું સૌ પ્રથમ ભોજન કરે છે, ત્રણે લોકમાં અપાયેલી આહુતિનું ભક્ષણ કરનાર સર્વભક્ષી કેવી રીતે હોઈ શકે?’

તેમની વાત સાંભળીને ત્રણે લોકના કર્તા બ્રહ્માએ અવિનાશી અને ભૂતભાવન(બધાં પ્રાણીઓને સર્જનાર) અગ્નિને બોલાવીને કહ્યું,

‘તું બધા લોકનો કર્તા છે, હર્તા પણ છે, તું ત્રણે લોકને ધારણ કરે છે, બધા ક્રિયાકાંડ તું કરાવે છે, એટલે તું લોકેશ છે, એવું કર જેથી બધા ક્રિયાકાંડ બંધ ન થઈ જાય. તું બધી આહુતિઓનું ભક્ષણ કરનાર, તું લોકપાલ અને છતાં શા માટે વિમૂઢ બની ગયો છે? આ લોકમાં તું પવિત્ર છે, બધા લોકોની ગતિ છે. તું બધાના શરીરનો ભક્ષક નહીં થાય. તારી શિખાઓ — જ્વાળાઓ સર્વભક્ષી બનશે. જેવી રીતે સૂર્યના સ્પર્શથી બધું જ પવિત્ર થાય છે તેમ તારી જ્વાળાથી દગ્ધ થઈને બધું પવિત્ર થશે. હે અગ્નિ, તું તેજસ્વી છે, એટલે ઋષિના શાપને તું તારા તેજ વડે સત્ય કરી બતાવ. તારા મુખમાં અપાયેલા દેવો માટેના અને તારા માટેના હવિનો તું સ્વીકાર કર.’

અગ્નિએ પિતા બ્રહ્માને કહ્યું, ‘ભલે, એમ થશે.’ અને પરમશ્રેષ્ઠી દેવની આજ્ઞાનું પાલન કરવા ગયા. દેવતાઓ અને! ઋષિઓ જેવી રીતે આવ્યા હતા તેવી રીતે ગયા અને પહેલાંની જેમ બધા ક્રિયાકાંડ કરવા લાગ્યા.

દેવલોકમાં દેવતાઓ અને પૃથ્વી પરનાં પ્રાણીઓ આનંદિત થયાં. અગ્નિ પણ શાપથી મુક્ત થઈને અતિ પ્રસન્ન થયા.

અને આમ અગ્નિના શાપનો, પુલોમા રાક્ષસના નાશની તથા ચ્યવનના જન્મની કથા અહીં કહી.

(આદિ પર્વ, પ-૬-૭)