નીરખ ને/બુદ્ધ અને ધ્યાન
...એટલે કલા મનોવિશ્લેષણની જેમ અચેતનને સચેત બનાવવાની રીત હોય એમ દેખાય. ફ્રોઇડ અનેક વાર પોતાની મનોવિશ્લેષણાત્મક શોધોના સમર્થનમાં કલાકારોને ટાંકે છે. એમના સિત્તેરમા જન્મદિન પ્રસંગે એમણે અચેતનના શોધક તરીકેનો દાવો નામંજૂર કર્યો હતો અને કહ્યું હતું કે ‘કવિઓ અને તત્ત્વજ્ઞાનીઓએ મારી પહેલાં અચેતન શોધ્યું છે; મેં વૈજ્ઞાનિક પદ્ધતિ શોધી છે જે વડે અચેતનનું અધ્યયન થઈ શકે.’ પણ મનોવિશ્લેષણ જ્યારે ચેતનાનો વિસ્તાર સાધી અચેતનને આંબવાનો પ્રયત્ન કરે છે ત્યારે કલા અચેતનનું ચેતનક્ષેત્રે થતા સ્ફોટનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લાને વાસ્તવસિદ્ધાંત અને વાસ્તવસિદ્ધાંતના દાસ તર્કના વિરોધમાં પોતાને પ્રતિપાદિત કરવાનું રહે છે. એટલે ફ્રોઇડના શબ્દોમાં કલાની નેમ ગહનતર સત્યને આવરણ-ઢાંકણરૂપમાં રજૂ કરવાની છે. અને એટલે એ મહોરું પહેરે છે, વૈષાંતર કરે છે અને આપણા તર્કને ‘ગૂંચવે છે, મુગ્ધ કરે છે.’ મહોરું જે આપણને લુભાવે છે એ મૂળ પ્રક્રિયા અચેતન પ્રક્રિયાની લીલામાંથી વ્યુત્પન્ન થયું છે. કલાની નેમ જો દમનને મિટાવવાની હોય અને સંસ્કૃતિ જો અનિવાર્યપણે દમનકારી હોય તો એ અર્થમાં કલા સંસ્કૃતિની વિધ્વંસક છે.
નોર્મન બ્રાઉન
ફ્રોઇડનાં કલાવિષયક મંતવ્યો : નોર્મન બ્રાઉનનું વિશ્લેષણ
નોર્મન બ્રાઉનના પુસ્તક ‘Life Against Death’માંના પ્રકરણ ‘Art and Eros’માં મનોવિશ્લેષણ અને કલાના સંદર્ભે ફ્રોઇડનો આપણને સાંગોપાંગ પરિચય થાય છે. લેખકનો વિશિષ્ટ દૃષ્ટિકોણ ફ્રોઇડની પ્રતિભા, એમના Vacillations, મથામણો, વિસંગતિઓ, પ્રશ્નની બંને બાજુ જોવાની એમની શક્તિને આપણી સમક્ષ જીવંત રૂપમાં ખડાં કરી દે છે. આથી સમજની જે દિશા ખૂલતી લાગે છે એ એક અનુભવ બની રહે છે. એમાંથી કેટલુંક અહીં રજૂ કરવાની ઇચ્છા છે. મનોવિશ્લેષણે પૂર્ણપણે કલાનો સદ્ધાંત વિકસાવ્યો નથી. છતાં મનોવિશ્લેષણે કલાના અધ્યયનમાં પાયાનું પ્રદાન કર્યું છે એ વાત નકારી શકાય એમ નથી. કલાનો વિષય કોઈ ને કોઈ અર્થમાં માનવ રહ્યો છે. મનોવિશ્લેષણનું મોટું પ્રદાન માનવપ્રકૃતિ સમજવામાં રહ્યું છે. મનોવિશ્લેષણે એટલા જ મહત્ત્વના વિચારો કલાની ટેક્નિક અંગે કર્યા છે, પણ એ એટલા જાણીતા નથી થયા. ફ્રોઇડની ટેક્નિક વિજ્ઞાનની ટેક્નિકથી એટલી તો મૂલગામી રીતે જુદી છે, એનાં મૂળ ફ્રોઇડ જેને Primary Process – અચેતન પ્રક્રિયાઓ કહે છે એમાં છે. આ અચેતન પ્રક્રિયાઓ સચેત પદ્ધતિની તર્કસંગત પ્રક્રિયાઓથી અલબત્ત મૂળભૂત રીતે જુદી છે છતાં પોતાની રીતે એ અર્થપૂર્ણ અને સહેતુક છે. આ રીતે ફ્રોઇડે કલાના વિષયવસ્તુ અને ટેક્નિકના વિશ્લેષણની નવી સંભાવનાઓ જગાડી. પણ મનોવિશ્લેષણાત્મક સામાન્ય સિદ્ધાંત ન હોવાને કારણે આ નવી સંભાવનાઓનો પૂરેપૂરો લાભ ન મળ્યો. ટ્રિલિંગ કહે છે ફ્રોઇડનાં વિધાનો કલા માટેનો તિરસ્કાર છતો કરે છે. કલા ફ્રોઇડના મતે Substitute gratification છે; વાસ્તવના મુકાબલામાં ભ્રમણા છે; લોકો માટે અફીણની ગરજ સારે છે; ફેન્ટસીની અવાસ્તવિક દુનિયામાં એસ્કેપ છે; ચિત્તભ્રમ(ન્યૂરોસિસ)થી કલાને જુદી પાડી ન શકાય, કારણ કે ચિત્તભ્રમ અને કલા બંને વાસ્તવમાંથી પલાયન – flight from reality છે. આમાં તથ્ય નથી એમ નહીં, પણ આ જ કંઈ આખી વાત નથી અને ફ્રોઇડ એ બરાબર જાણે છે અને એટલે જ ફ્રોઇડ કલાને લગતાં વિધાનોમાં જે અવઢવ અનુભવે છે એ જોઈ શકાય છે. ક્યારેક એ કલાનો સામાન્ય સિદ્ધાંત આપે છે તો ક્યારેક કલાનું રહસ્ય મનોવિશ્લેષણાત્મક તપાસની શક્તિ બહારનું છે એમ વિધાન કરે છે. ક્યારેક કલાને સ્વપ્ન અને ગાંડપણની સાથે ભેળવે છે, તો ક્યારેક કલાને સ્વપ્ન અને ગાંડપણથી અલગ પાડી આપતા સામાજિક હેતુ અને સચેત મનના નિયંત્રણનો પૂરો સ્વીકાર કરે છે. ફ્રોઇડની આ અવઢવ મનોદશા ખરેખર તો મનોવિશ્લેષણના સિદ્ધાંતના હાર્દમાં રહેલી ઘેરી સંદિગ્ધતાનું પ્રતિબિંબ છે. માનવીની અંતિમ વફાદારી – allegiance વાસ્તવ-સિદ્ધાંત (Reality- principle)ને હોવી જોઈએ કે આનંદ-સિદ્ધાંત (Pleasure-principle)ને હોવી જોઈએ? આ વાસ્તવ-સિદ્ધાંત અને આનંદ-સિદ્ધાંત ફ્રોઇડની વિચારધારાના કેન્દ્રમાં છે. માનવ-પરિવારમાં બાળક લાંબા કાળ સુધી માતાપિતાની સતત નિગાહ નીચે ઊછરે છે. પરિણામે ત્યારે બાળક વાસ્તવની કઠોરતાના સંપર્કમાં નથી આવતું. બાળકની ઈરોટિક સુષુપ્ત શક્તિઓ પૂરબહારમાં ખીલી ઊઠે છે. એની ઇચ્છાઓ, કામનાઓ સંતોષવાની મોકળાશ છે. પણ જ્યારે વાસ્તવ સાથે કામ પાડવાનું આવે છે ત્યારે વાસ્તવ માનવીને એના આનંદોનો ત્યાગ કરવાની ફરજ પાડે છે. એના પૂરબહારમાં ખીલી ઊઠેલા જીવનને દમનને શરણે જવું પડે છે. વાસ્તવ-સિદ્ધાંત અને આનંદ-સિદ્ધાંત વચ્ચે સંઘર્ષ થાય છે. આ સંઘર્ષ દમન (Repression)નું કારણ બને છે. આપણી મૂળ પ્રકૃતિ - the essence of ourselves – અચેતનમાં રહે છે. અચેતનમાં આનંદ-સિદ્ધાંત સર્વોપરી સત્તા ભોગવે છે. સ્વપ્નો અને ચિત્તભ્રમનાં ચિહ્નો બતાવે છે કે વાસ્તવ આપણી ઇચ્છાઓનો નાશ નથી કરી શકતું. માણસે પોતાને બચાવવા માટે શું કરવું જોઈએ? વાસ્તવ-સિદ્ધાંતને સ્વીકારવો જોઈએ? કે આનંદ-સિદ્ધાંતને? ફ્રોઇડનાં લખાણો આ બન્ને અંતિમો વચ્ચે ઝોલાં ખાય છે. ક્યારેક એવી સલાહ આપે છે કે શૈશવકાળના આનંદનાં સ્વપ્નો ત્યજો અને વાસ્તવ જેવું છે એવું સ્વીકારો, તો ક્યારેક સહજવૃત્તિ સ્વીકારી મુક્ત થવાની સલાહ અપાય છે. આ કઠોર વાસ્તવિકતાને બદલી નાખો જેથી તમે ગુમાવી દીધેલા આનંદના સ્રોત પ્રાપ્ત થાય. ફ્રોઇડમાં જે મૂળ સંધર્ષ છે તે એક બાજુ માનવજાતને સહાય કરવાની ઊંડી માનવતાભરી ઝંખના છે તો બીજી બાજુ બૌદ્ધિક યથાર્થવાદ છે જે સસ્તા ઉકેલો સ્વીકારી શકતો નથી. ફ્રોઇડનાં બધાં લખાણો સિદ્ધ કરે છે કે the allegiance of the human psyche to the pleasure-principle is indestructible and that the path of instinctual renunciation is the path of sickness and self-destruction. When, therefore in his later writings he counsels instinctual renunciation, it is a counsel of despair. પણ કલા તો આનંદ-સિદ્ધાંતને વરેલી છે. ‘A thing of beauty is joy for ever.’ જો માણસનું હિત આનંદ-સિદ્ધાંતનો ત્યાગ કરીને વાસ્તવને સ્વીકારવામાં રહ્યું હોય તો ફ્રોઇડ કલા માટેના તિરસ્કારની વાત કરે તો એ સુસંગત છે. પણ જો માણસની નિયતિ વાસ્તવ બદલવામાં અને આનંદ-સિદ્ધાંત સ્થાપિત કરવામાં, સહજ-વૃત્તીય મુક્તિ પ્રાપ્ત કરવામાં હોય તો કલા અંતિમ ધ્યેય બની જાય છે. ફ્રોઇડ સૂચવે છે કે કલાનું આનંદ-સિદ્ધાંત તરફ પાછા ફરવું અને શૈશવકાળ તરફ પાછા ફરવું એ મૂળમાં લીલા પ્રવૃત્તિ છે. ફ્રોઇડ લીલા (play) શબ્દ કલાની ટેક્નિક અને primary processની, અચેતનની અને બાલ્યાવસ્થાની ટેક્નિક વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે વાપરે છે. પણ ફ્રોઇડ જેમ કલાને અચેતન અને બાલ્યાવસ્થા સાથે જોડે છે એમ કલાને અચેતનનાં બીજાં પ્રગટીકરણો જેવાં કે સ્વપ્નો અને ચિત્તભ્રમથી અલગ પણ તારવી આપે છે. He distinguishes art form dreams by insisting that art has a social reference and an element of conscious control. જ્યારે dream is a perfectly asocial psyche product. સ્વપ્નનો અર્થ બુદ્ધિગ્રાહ્ય નથી હોતો, અને બીજા માટે એ રસનો વિષય નથી હોતો, પણ કલા એ રીતે સામાજિક છે. એની સૌથી મોટી શરત બીજાને સમજાય એની છે. અહીં ફ્રોઇડ ચાર્લ્સ લેમ્બ જેવી જ પોઝિશન લે છે. ‘The poet dreams being awake. He is possessed by his subject, but he has dominion over it.’ ફ્રોઇડ જ્યારે કલાના સંદર્ભમાં ત્રીજી વ્યક્તિની (ભાવકની) વાત કરે છે ત્યારે પ્રત્યાયનની વાત આવે છે, એનો ગર્ભિતાર્થ એ થાય કે કલાનું કાર્ય અચેતન વસ્તુને જાહેર કરવાનું છે. આ ત્રીજી વ્યક્તિ must be suffering from the same repressions which the creative artist has overcome by finding a way of expressing the repressed unconscious. સ્વપ્ન અને ચિત્તભ્રમ અચેતનને અભિવ્યક્ત કરે છે, પણ એને મુક્ત નથી કરતું, Perhaps we should say that neurosis and dreams are the determinate outcome of the unconscious, while art is its conscious articulation. For liberation in art is connected with the element of consciousness in it. સ્વપ્નો ઇચ્છાપૂર્તિ – ફેન્ટસી છે. ચિત્તભ્રમનાં ચિહ્નો મના કરેલા આનંદોની અવેજીમાં છે. પણ આવાં સમાધાનો ક્યારેય સંતર્પક નીવડે નહીં, જ્યારે કલા અચેતન સાથેનું સમાધાન નથી. એમાંથી વિધાયક તૃપ્તિ સાંપડે છે. ફ્રોઇડે પાછળનાં વર્ષોમાં કહ્યું એમ ક્લાનું substitution-gratification તરીકે સ્વપ્નો અને ચિત્તભ્રમ સાથે વર્ગીકરણ થઈ શકે એમ નથી. ફ્રોઇડે અનેકવાર પોતાની મનોવિશ્લેષણાત્મક શોધોના સમર્થનમાં ક્લાકાર્યને ટાંક્યા છે. એમના સિત્તેરમા જન્મદિવસના પ્રસંગે પોતાને અચેતનના શોધક તરીકે ગણાવવાનો ઇન્કાર કર્યો. ‘The poets and philosophers before me discovered unconscious; what I discovered was the scientific method by which the unconscious can be studied.’ નોર્મન બ્રાઉન અંતમાં કહે છે કે મનોવિશ્લેષકોએ ફ્રોઇડની જેમ કવિઓની શક્તિઓની ઈર્ષા કરવી જોઈએ. ‘With hardly an effort to salve from the whirlpool of their own emotions the deepest truths, to which we others have to force our way, ceaselessly groping amid torturing uncertainties.’ છતાં ફ્રોઇડની અચેતનની શોધ એ કેવી મોટી ક્રાન્તિકારી ઘટના બની રહી એ માનવજાત કદી વીસરી શકશે નહીં.
[ઑગસ્ટ, ૧૯૮૧