જનપદ/જળકૂકડીના ચકરવા
Jump to navigation
Jump to search
જળકૂકડીના ચકરવા
હે કરોડ-રજ્જુ,
આ નવાણ આઘાં ચાલ્યાં.
કોઈ પાણીગર
અંજલિમાં ઉતારો જળ.
કોડીલી વાણીએ માંડ્યો આવરોજાવરો.
દિવસરાતના કીધા વાંસ.
ભેગાં જોતર્યા હાથ પગ ને પાંખ
એટલે તો
રોજ દેશ
વળી નિત પરદેશ.
જોયા દેશ ધકેલે
ધારેલા પરદેશમાં.
માટીથી મૂર્તિ
એ ભાંગીને પાછી માટી
માટી ફોડી આણવાનું આકાશ.
ભુલાયેલા ઊંડા કંદ હજુ સૂરજ પીએ
ને કોઢમાં ચઢાવે તીર કામઠા પર
કમાન પાર ઝગતગે અદીઠ, મનઘડ કસ્તૂરસોનાં.
તળાવ ઢાંકવા
તે નાખેલી
ઝીણી જાળ પર
સાંજે જળકૂકડીના ચકરવા.