જનપદ/વચલી આડી લીટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વચલી આડી લીટી

આઘે ને આઘે
ફંગોળાય છે ફાટી ધૂળ થતું કમઠાણ
એમાં ક્યાં નજર ?
કેવા અંતર ?
સુખ, પીડાનાં શા મૂલ ?
કેવી વાત બરાબર બોલતા, ન બોલતા
બોબડાતા જીવોની ?
થોથરભર્યા પગ
અબજો કિરણો ખર્વ નિખર્વ દિશાઓ
કારણની કૂખમાં.
ફરતા ગોળાની બધી બાજુએ
ફળ વધતું ચાલે છે
દરેક નવા પદમા નવી મીંજ
બધી જ બધી મીંજમાં
નવા ફણગાનાં કારણ.

હમણાં પૂરા જીવતા, ઘડીમાં અડધા ઠરતા,
વળી બીજી ઘડીમાં પૂરા ટાઢા જળ
ઊંચા માટીલોઢ
એક ઠામે ગતિ,
બીજે આભ ઊંચો ગતિરોધ.
અંજવાઈ ગયેલાં અંધારા
કબૂતરી અજવાસ
એક અને વળી નોખાય.
એક ટીપામાં સરોવરનો ફેલાવો.
અડધો કાચો ચન્દ્ર સરોવર શિરામાં
સૂર્ય અણોહરો ધમનીમાં.
પહેલી પળમાં હજી તો ખડક.
તંતુઓ થતા ભાગી છૂટતાં પાણી.
ચોમેર સત સંધોકાય
ભેગા અસતના તેજાના.
અહીં મૂળ ઊંડા દાંત ઘાલે
તહીં ઊફરાં મૂળ, ડાળખાં અમર ઊંધાં
ઓ કારણિયા પૂર્વજ,
ઘડીવાર તો જંપ.
કૂખને પારો દે.
વચલી આડી લીટી
ભૂંસી નાખ સદંતર.