કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વડવાયું

From Ekatra Wiki
Revision as of 17:21, 30 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬. વડવાયું

ઘરને ઘેરી વળી વડવાયું.
હોંશે કરીને અમે વૃક્ષને વાવિયું ને,
હોંશે કરીને નીર પાયું;
માની લીધું કે વડ વા ઝડી ઝીલશે ને
દેશે આતપમાં છાંયું.
ઘરને ઘેરી વળી વડવાયું.
સૂરજ મા’રાજને આઘેરા રાખતું;
ડાળીનું માળિયું રચાયું;
એકથી અનેક એવાં મૂળ ફૂટિયાં
જેથી ઘર ધરમૂળથી ખોદાયું.
ઘરને ઘેરી વળી વડવાયું.
બળતા બફારા અમ આતમને મૂંઝવે,
વડલે અટવાયા શીત વાયુ;
ઓછાં હતાં અમારાં આપદનાં ઓઢણાં
કે વડલે લાગી ગઈ છે લ્હાયું!
ઘરને ઘેરી વળી વડવાયું.

(રામરસ, પૃ. ૨૨)