સોનાની દ્વારિકા/બાવીસ

From Ekatra Wiki
Revision as of 04:42, 25 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાવીસ

વિદ્યાલયમાં નવું સત્ર શરૂ થવાને એક અઠવાડિયું બાકી હતું ને ધનસુખભાઈ એક દિવસ સવારે આવી પહોંચ્યા : ‘કાન્તાબહેન! ચાપાણી થઈ ગયાં કે બાકી?’ કાન્તાબહેન અંદર રસોડામાં હતાં. પ્રાયમસ દીવા જેવો ધીમો કરીને દોડતાં બહાર આવ્યાં. ‘આવો આવો મોટાભાઈ!’ ‘ક્યાં ગયા કાનજીભાઈ?’ ‘એ તો ગયા છે સાયલા. ત્યાં એમના એક મિત્ર છે ચિત્રસેનભાઈ શાહ. કદાચ તમે ઓળખતા પણ હશો. કપાસ લોઢવાનાં બે જિન છે એમનાં. આમ તો છે પાકા વાણિયા, પણ ખરા કલારસિક જીવ છે! એમને તો કેટલીય બધી કવિતાઓ મોઢે છે ને સંગીતનાયે જબરા શોખીન! પાર નહીં એટલી રેકોર્ડ હશે એમના ઘરમાં!’ ‘હા, ઓળખું ને! એના બાપા લક્ષ્મીકાંત. દર અઠવાડિયે મુંબઈ જતા, ભાંગવાડીનાં નાટકો જોવા! અત્યારે આપણી જે વિજયા ટોકિઝ છે એ એમની હતી. એનું જૂનું નામ ગોપાલ ઓપેરા હાઉસ હતું. એ વખતે ચિત્રસેન ઘણો નાનો. આમેય થિયેટરનો ધંધો અઘરો. પેટી સમયસર આવી તો આવી. નહિતર છેલ્લી ઘડીએ બધું બદલાય. વારંવાર પાવર જાય-આવે. આખા ગામને ટિકિટ ક્યાંથી અપાય? પબ્લિકને કંટ્રોલમાં રાખવાનું સહેલું નહીં. તે આવો બધો વહીવટ કોણ કરે? એટલે પછી આ કપાસીને વેચાતી આપી દીધેલી. હા, તો એ ચિત્રસેનભાઈનો પત્ર હતો. વાત એવી છે કે ટ્રેક્ટર એક્સિડન્ટમાં સાયલાનું એક આખું હરિજન કુટુંબ ખતમ થઈ ગયું છે. બચ્યા છે માત્ર બે નાના છોકરા. દૂરનાં સગાં છે પણ કોઈ જ રાખવા કે આંસુ લૂછવા તૈયાર નથી. તો એમને ક્યાં મૂકવા? એ બાબતે મળવા ગયા છે... સાંજ સુધીમાં તો આવી જશે. કેમ કંઈ કામ હતું?’ ‘કામ તો ખાસ નહીં, પણ આજે કાનજીભાઈની નિમણૂક કરી દઈએ એવું વિચારીએ છીએ, જેથી એ નવા સત્રથી દોશી વિદ્યાલયમાં આવી જાય!’ કાન્તાબહેન જરા હરખાયાં. હળવેથી કહે, ‘સારું, સાંજે આવશે ત્યારે મોકલીશ તમારી પાસે!’ એટલી વારમાં તો ખૂણામાં બેઠેલો પ્રભુ અંદર જઈને પાણીનો ગ્લાસ ભરી આવ્યો અને ધનસુખભાઈને આપ્યો. ધનસુખભાઈ એની સામે જોઈ રહ્યા એટલે કાંતાબહેને એનો પરિચય આપ્યો : ‘આ પ્રભુ અમને રેલવે સ્ટેશનેથી મળ્યો છે. બોલી નથી શક્તો. જરા મનમોજી છે. કરવું હોય એટલું જ કરે. પણ સમજદાર બહુ છે. હવે તો અમારા ઘરના સભ્ય જેવો થઈ ગયો છે.’ મોટાભાઈના ચહેરા ઉપર હાસ્ય આવી ગયું. હક્કપૂર્વક કાનજીભાઈની મજાક કરતા હોય એમ બોલ્યા, ‘આ કાનજીભાઈ પણ માથાના ફરેલા છે, નહીં કાન્તાબહેન?’ ‘એ માથાના ફરેલા ન હોત તો હું એમની સાથે ક્યાંથી હોત?’ કાન્તાબહેનનો જવાબ સાંભળીને મોટાભાઈ મનોમન ખુશ થયા. ‘હંઅઅ..’ કહેતા ઊભા થયા. ‘અરે પણ એમ કંઈ ચા પીધા વિના જવાય? એ બહારગામ ગયા છે, કંઈ ઘર થોડા સાથે લઈ ગયા છે?’ ‘મેલો ત્યારે! પણ અડધો કપ જ કરજો...’ કાન્તાબહેન ચા બનાવીને આવે ત્યાં સુધી ધનસુખભાઈ પ્રભુ સામે જોઈ રહ્યા. પ્રભુ ઉભડક પગે બેઠો હતો તે અચાનક ઊભો થઈને બહાર ઓટલે દોડી ગયો. લીમડા ઉપરથી પોપટનું એક બચ્ચું નીચે પડ્યું હતું. એણે બચ્ચાને ઉઠાવ્યું અને અંદર ઓશરીમાં લઈ આવ્યો. એક નાનકડી વાટકીમાં પાણી મૂક્યું. પણ ગભરાયેલું બચ્ચું તો ન હાલે ન ચાલે! એટલે એણે બચ્ચાને જાળવીને પોતાના હાથમાં પકડયું. એક હાથમાં વાટકી અને બીજા હાથમાં બચ્ચું! પાણી પીવડાવવાનો પ્રયત્ન કરતો હતો. એટલી વારમાં કાન્તાબહેન ચા લઈને આવ્યાં. ધનસુખભાઈએ પ્રભુને પૂછ્યું- ‘અલ્યા! આ શું કરે છે?’ બચ્ચું કેવી રીતે પડી ગયું હતું એ પ્રભુએ ઈશારાથી સમજાવ્યું. કાન્તાબહેન કહે એ બહુ નાનું છે. એને થોડું જ પાણી પીતાં આવડે?’ ‘એને તો રૂથી ટોવું પડશે.’ ધનસુખભાઈ બોલ્યા. કાંતાબહેને ઊભાં થઈને પૂણીમાંથી થોડું રૂ આપ્યું. પ્રભુ સમજી ગયો. પાણીમાં બોળીને જેવું રૂ ચાંચ પાસે લઈ ગયો કે તરત બચ્ચાએ ચાંચ ખોલી. એકબે ટીંપાં અંદર ગયાં ને પ્રભુ ખુશ થઈ ગયો. રસોડામાંથી એક થાળી અને ચાળણી લઈ આવ્યો. બચ્ચાને થાળીમાં મૂક્યું, એના ઉપર ચાળણી ઊંધી વાળી દીધી અને ધીમે ધીમે પાટ નીચે સરકાવી દીધી. ધનસુખભાઈ આ પ્રભુ નામનું આશ્ચર્ય લઈને ગયા. બપોરે જમીને કાન્તાબહેન જરા આડાં પડ્યાં ને વિચારે ચડ્યાં : હું આચાર્યા છું અને હવે કાનજીભાઈ મદદનીશ શિક્ષક થશે. એક તો આ શહેરમાં વાતાવરણ જ એવું છે કે - પુરુષ આચાર્ય હોય ને એની પત્ની એ જ શાળામાં શિક્ષિકા હોય તો લોકોને કંઈ વાંધો નથી હોતો. પણ એથી ઊલટું હોય તો ચર્ચાનો વિષય બને. સ્ટાફથી માંડીને બધાંને ઝીણું ઝીણું જોવાની ટેવ. એક આચાર્યા તરીકે બધા નિર્ણયો હું લઉં એ જ યોગ્ય ગણાય, એવું તો કાનજીભાઈ પણ સમજે અને સ્વીકારે. બીજી બાજુ કાનજીભાઈ એટલા સમજદાર તો છે કે મારા કામમાં માથું ન જ મારે. સમયે સમયે અભિપ્રાય આપે, પણ એમનો અભિપ્રાય માનવો જ એવો આગ્રહ ક્યારેય ન હોય. પણ, મારેય વિશેષ ધ્યાન આપવું પડશે કે ક્યાંય એમનું મન દુભાય નહીં! કેમકે એ બધાં કામ એમની મૌલિક અને સ્વતંત્ર રીતે કરવા ટેવાયેલા છે. ક્યાંક એવું તો ન બને કે ભાવનગરની જેમ, એમની ક્ષમતા અને આવડત જેટલું કામ વિદ્યામંદિરમાં ન મળે! એમને વ્યાપ નાનો પડે એ શક્યતા ઘણી મોટી છે. કાંતાબહેને પડખું બદલ્યું. વળી વિચારનો દોર આગળ ચાલ્યો : ‘પહેલાં તો બે જ હતાં તે બધું ચાલી જતું. હવે તો પ્રભુનું રોજનું બે ટાઈમ જમવાનું અને બીજા સામાન્ય ખરચા એટલે આર્થિક રીતેય વિચારવું પડે. જો કે જરૂરિયાતો જ ઓછી છે અને સંપૂર્ણ સમજ અને પ્રતિબદ્ધતા સાથે સાદગીવાળું જીવન સ્વીકાર્યું છે એટલે નાના મોટા સંઘર્ષ તો રહેવાના જ. પણ, એ સંઘર્ષોય સામાજિક કામ માટેના હશે. બેમાંથી એકેયને કંઈ જોઈતું જ ન હોય પછી શું? બધાં દુઃખનું મૂળ કારણ તો અપેક્ષા જ છે ને? જરૂર, અમારી અપેક્ષાઓ છે પણ એ સામાજિક અને વ્યાપક પ્રકારની છે. કાનજીભાઈની તો એક મીઠી જિદ છે કે કશુંક કરી છૂટવું! એક દિવસ એવું બનશે કે એમને આ તો શું? કોઈ પણ ઘર નાનું જ પડશે!’ છાપરા ઉપર મોર ચાલતો હતો એનો થપાક થપાક અવાજ આવ્યો અને કાંતાબહેનને પોપટનું બચ્ચું યાદ આવી ગયું. થયું કે ભૂખ્યું થયું હશે. ઊભાં થયાં અને એક નાની વાટકીમાં સવારની બાફેલી દાળ જુદી રાખેલી એનો ચોળો અડવાળ્યો. રૂનો પોલ બનાવ્યો. પાટ નીચે રહેલી ચાળણી બહારની બાજુ સરકાવી. બચ્ચું એકદમ ફડફડવા માંડ્યું. ધીમે રહીને એની બંને પાંખો ભેગી કરી ને ખોળામાં લીધું. હળવે હળવે મિશ્રણ પીવડાવવાનું શરુ કર્યું. એમને લાગ્યું કે આ બચી તો જશે જ. પણ ઊડશે નહીં તો? પંખીનો તો સ્વભાવ જ ઊડવાનો. આકાશ એનું ઘર. એક વાર કાનજીભાઈને સપનું આવેલું કે જાણે પોતે ઊડી રહ્યા છે ક્યાંય સુધી આભમાં ઊડતા રહેલા! એમણે જ્યારે સ્વપ્નની વાત કાન્તાબહેનને કરી ત્યારે પોતે શું કહ્યું હતું? એ યાદ કરવા લાગ્યાં. ‘ભલે તમે ગમે એટલું ઊડો… પણ તમારી પાંખો તો હું છું! એટલું યાદ રાખજો...’ અને એમને યાદ આવી ગયું કાનજીભાઈ સાથેનું પહેલું મિલન. ડોકાકાની કર્મભૂમિ અલિયાબાડામાં સેવાદળની શિબિર હતી. શરૂઆતમાં પરિચયવિધિ પછી, રાષ્ટ્રીય પ્રશ્નો વિશે દરેકે ટૂંકમાં કંઈક કહેવાનું હતું. એક પછી એક આવે ને પાંચ સાત મિનિટમાં પોતાની વાત મૂકે. દરેકનાં મનમાં ભાવના સાચી હતી કશુંક કરવાની, પણ એમ લાગે કે જાણે દિશા અને સમજ સ્પષ્ટ નથી. ઉત્સાહના એકલા ધોધને શું કરવાનો? આયોજન થવું જોઈએ એવું કાંતાબહેનને લાગ્યું. પણ જાહેરમાં બોલવાની ટેવ નહોતી એટલે બાજુમાં બેઠેલી એકબે બહેનો પાસે ગણગણીને રહી ગયાં. બધું એકદમ ચીલાચાલુ ને કંટાળાજનક લાગતું હતું ત્યાં કાનજીભાઈનો વારો આવ્યો. એકદમ ચમકતો ને ભીનો વાન. ખાદીનો લેંઘો અને એની ઉપર લાંબી ચાળનું પહેરણ. મોટી, ઉપસેલી સહેજ ભેજવાળી આંખો. ઉંદરડા કાતરી ગયાં હોય એવા ટૂંકા ટૂંકા વાળ. એકદમ દૂબળા, છતાં અવાજ ઘેરો અને રણકતો. જોખી જોખીને બોલે. એ ઊભા થયા ને નમસ્કાર કર્યાં. બધાં જ જાણે આ અજાણ્યા યુવકને સાંભળવા ઉત્સુક થઈ ગયાં. એમણે કહ્યું કે— ‘સમાજમાંથી ગુનાખોરી ઘટાડવી હોય તો અનાથ બાળકોને યોગ્ય રક્ષણ અને શિક્ષણ મળે તે જરૂરી છે. શિક્ષણ ન હોય અને પેટ ભરવાના પૈસા પણ ન હોય તો એ બાળકો, કિશોરો અને યુવાનો કોની સામે હાથ લંબાવે? ને હાથ લંબાવે તોય કોણ એમને આપવાનું? આવા સંજોગોમાં એ ખોટાં કામો ન કરે તો કરે શું? આપણે બધા જ પ્રશ્નોને એક સાથે હાથ પર લઈ ન શકીએ. એક પછી એક, એમ કદમ માંડતાં જઈએ તો સમાજમાં વિશ્વાસ પણ ઊભો કરી શકીએ. મારી સમજ મુજબ સરકાર ઉપરાંત દેશમાં મદદ કરનારાઓ અને દાનવીરોનો તોટો નથી. જરૂર છે તે નિષ્ઠાપૂર્વકના આયોજનની અને સમર્પણની. એ માટે જ મારો જન્મ થયો હોય એવું જ મને તો લાગે છે. આ રીતે પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ દિશાનાં કાર્યો ઉપાડી લેશે ત્યારે લાંબા ગાળે કંઈક પરિણામ જોવા મળશે.’ અચાનક જ એક ભાઈએ ઊભા થઈને વચ્ચે જ પ્રશ્ન કર્યો  : ‘શું તમે અનાથાશ્રમોને પ્રોત્સાહન આપવા માગો છો?’ કાનજીભાઈ પળ વાર માટે એમ જ અદબ વાળીને ઊભા રહ્યા. પછી સહેજ અવાજ બદલીને કહે- ‘હું અનાથાશ્રમને પ્રોત્સાહન આપવાનું નથી કહેતો. અનાથોને રક્ષણ અને શિક્ષણ આપવાની સાથે કોઈ ને કોઈ હુન્નર શીખવાડીને પગભર કરવાની વાત કરું છું. સમાજમાં તેઓ પણ માનસન્માનથી જીવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની વાત કરું છું. અને એ માટે અનાથાશ્રમની જરૂર પડે તો એમ પણ કરવું જોઈએ!’ ‘હું તો માનું છું કે અનાથાશ્રમો એ આપણા સમાજનું કલંક છે...’ ‘તો પ્રબોધભાઈ તમે અનાથાશ્રમોને નાબૂદ કરવાની પ્રવૃત્તિઓ કરજો અને હું અનાથોને માન, સ્થાન અને કામ મળે એ માટે મથતો રહીશ. છેવટે કોઈ એક જગ્યાએ આપણે ભેગા તો થઈશું ને?’ સભામાં સોંપો પડી ગયો. પ્રબોધભાઈ શાંતિથી બેસી ગયા. બાજુવાળાને કહ્યું : ‘આમને તો મારા નામનીય ખબર છે ને કાંઈ!’ કાનજીભાઈએ વક્તવ્ય પૂરું કરતી વખતે છેલ્લે પ્રબોધભાઈને જવાબેય આપી વળ્યા : ‘મારા પર કુદરતના એવા આશીર્વાદ છે કે, એક વાર એક નામ કાને પડે પછી ભુલાય નહીં! અને શરૂઆતમાં પરિચયપ્રસંગે તમે તમારું નામ તો બોલ્યા જ હતા...!’ આ સાંભળીને કાન્તાબહેન રોમાંચિત થઈ ગયાં. થયું કે મારા જેવા જ વિચારો કરવાવાળું કોઈ બીજું પણ છે. સભા પૂરી થયા પછી પોતે સામે ચાલીને કાનજીભાઈ પાસે ગયાં અને અભિનંદન આપ્યાં. પરિચય પણ કેળવ્યો : ‘તમારી સ્મરણશક્તિ એવી છે કે મારે મારું નામ બોલવું નહીં જ પડે. છતાં કહું છું કે મારું નામ કાન્તા. મુંબઈથી આવી છું. તમારા વિચારો મને ગમ્યા. ખાસ તો તમારામાં સ્પષ્ટતા ઘણી છે તે અને મક્કમતા. ક્યાં રહો છો અને શું પ્રવૃત્તિઓ કરો છો?’ ‘અત્યારે તો હું જ અનાથ જેવો છું! પણ મનમાં એક નિશ્ચય લઈને બેઠો છું. જોઈએ આગળ ઉપર શું થાય છે તે!’ ‘તમે ક્યાંના?’ ‘રાણકપુરમાં જન્મ. બુનિયાદી નિશાળમાં ભણ્યો. ભણવા માટે ઘેરથી ભાગી નીકળેલો! રખડતો કુટાતો અત્યારે વિદ્યાપીઠમાં ‘શિક્ષણ વિશારદ’ કરું છું.’ કાન્તાબહેન આગળ કંઈ પણ વાત કરે એ પહેલાં એમની બહેનપણીઓ આવી ગઈ. ‘ચાલો કાન્તાબહેન રસોડે! પીરસવાનું આપણને સોંપાયું છે!’ ‘હા, ચાલો!’ કહેતાં કાંતાબહેને પગ ઉપાડ્યા, પરંતુ પાછું વળીને જોયા વિના રહી ન શક્યાં. એમ લાગ્યું કે જાણે વાત અધૂરી રહી ગઈ! કાનજીભાઈ ડગ માંડવાને બદલે ઊભા જ રહી ગયા. પળ વાર એમને થયું કે એક તેજલિસોટો આવીને ચાલી ગયો. પહેલી વાર એમણે કોઈ સ્ત્રીને ધારીને જોઈ હતી. થયું કે આટલી બધી ઋજુતા! ખાદીની સાડી એમના ઉપર, હોય એ કરતાંય વધારે ખરબચડી લાગે! પેલી બહેનો થોડી મોડી આવી હોત તો કાન્તાબહેનનો વિગતે પરિચય થાત. પીરસવાવાળી સાત બહેનો સિવાય, લાંબી પરસાળમાં સામસામે બે હારમાં બધાં જમવા માટે ગોઠવાયાં. ભોજનમાં બેપડી રોટલી, રીંગણ-બટેટાનું શાક, છુટ્ટા મગ, કાઢી-ભાત, તળેલાં મરચાં અને સ્વાગતની મીઠાઈમાં મોહનથાળ. કાંતાબહેને મોહનથાળની થાળી લીધી હતી. કાનજીભાઈનો વારો આવ્યો ત્યારે એમણે મોહનથાળનું બટકું થાળીમાં મુકાય એ પહેલાં જ ખોબો ધરી દીધો! કાન્તાબહેન હસી પડ્યાં. કહે કે- ‘હું કંઈ ખોબો ભરીને નથી આપવાની!’ ‘અરે! અરે! તમે જે આપો એને તો હાથોહાથ જ લેવાય...’ ‘તો હવેની વાર હું મરચાં લઈને જ આવીશ. પછી ધરજો ખોબો!’ આટલો સંવાદ થયો ન થયો ને કાન્તાબહેન હસતાં હસતાં આગળ ચાલી ગયાં. કાનજીભાઈના હાથમાં મોહનથાળનું બટકું સ્થિર રહી ગયું! ભોજન પછીની બીજી બેઠક શરૂ થવાને વાર હતી. કેમકે વક્તા ઝીણાભાઈ રસ્તામાં હતા. એ આવે ત્યાં સુધી બધાં પોતપોતાના મિત્રો જોડે હળવાશની પળો માણતાં હતાં. પીપળાના ઝાડ નીચે ઓટલા પર પલાંઠી મારીને કાનજીભાઈ સ્થિરમુદ્રામાં એકલા બેઠા હતા. એમની આંખો બંધ હતી. બંધ આંખે પણ અચાનક ખ્યાલ આવ્યો કે કોઈ એમને જોઈ રહ્યું છે. એમણે ધીમે રહીને પોપચાં ખોલ્યાં તો સામે સદેહે આશ્ચર્ય ઊભું હતું. કાન્તાબહેનના મરકતા ચહેરાએ મન ભરી દીધું! કશું જ બોલ્યા વિના બંને એકબીજાંને જોઈ રહ્યાં. કંઈ ન સમજાય એવું આકર્ષણ બંનેએ અનુભવ્યું. એટલી વારમાં તો ઝીણાભાઈની મોટર આવી. બે પાંચ જણ એમના સ્વાગત માટે દોડી ગયા. કાન્તાબહેન ઈરાદાપૂર્વક ખસી ગયાં. પાંચદસ મિનિટમાં તો સભા ગોઠવાઈ ગઈ. એમના ભાષણનો મુખ્ય સૂર એવો હતો કે દેશ હજી તો હમણાં જ આઝાદ થયો છે. સરકાર પાસે પણ ઓછાં સાધનો ને મોટા પડકારો છે. અત્યારે તો આપણે ખેતી આધારિત જ છીએ. અધૂરામાં પૂરું વરસાદનાં ઠેકાણાં નહીં. ધીમે ધીમે ઉદ્યોગો અને આધુનિક ખેતી તરફ જવું પડશે. પગભર થવામાં ઘણો વખત જશે. એટલે આપણે બધાંએ એક નરવા સમાજની રચના કરવાનું કામ, કોઈ પણ હોદ્દા કે એવા અંગત લાભાલાભનો વિચાર કર્યા વિના ઉપાડી લેવું જોઈએ. બોલતાં બોલતાં જ એમની નજર કાન્તાબહેન ઉપર પડી. એકદમ ખુશ થઈ ગયા. સીધો એમનો જ દાખલો આપ્યો : ‘જુઓ આ કાન્તા! તમને ખબર છે એના પિતા કોણ છે? ચીમનલાલ ચંદુભાઈ! સી. સી.! એમને કોણ ન ઓળખે? મુંબઈના જૈન અગ્રણી અને મોટા ઉદ્યોગપતિ! આ એમની દીકરી! આખી જિંદગી કાર્પેટ અને મોટરની નીચે પગ ન મૂકે તોય ચાલે. પણ, સી. સી. નો ઉછેર જ એવો કે છોકરાંઓને સમાજનો વાસ્તવિક પરિચય કરાવવો અને સ્વતંત્ર રીતે વિકસવા દેવાં! દેશપ્રીતિ અને દેશસેવા તો એમનાં લોહીનો ગુણ!’ આખી સભાની નજરો બહુ ઉત્સુકતા અને આદરથી કાન્તાબહેન તરફ મંડાઈ. કાન્તાબહેન નીચી નજરે સંકોચથી બેઠાં રહ્યાં. સભા પૂરી થઈ અને ઝીણાભાઈ સીધા જ એમની પાસે આવ્યા અને ખભે હાથ મૂકીને કહે કે- ‘બેટા! તું અહીં આવી એ મને બહુ ગમ્યું!’ ‘તમેય ખરા છો ઝીણાકાકા! આટલું બધું મહત્વ આપવાની શી જરૂર હતી? અહીં બધાંની સાથે તો બધાંની જેમ જ રહેવાનું હોય ને? અને મને ક્યાં કોઈએ કંકોતરી લખીને બોલાવી હતી? હું તો મારી મેળે આવી છું. તમે તો હમણાં જતા રહેશો! પણ મને તમે જુદી તારવી દીધી એનું શું? બધાં શિબિરાર્થીઓ સરખાં એ ભૂલીને મને આ લોકો હવે કામ કરતાં રોકશે અને વધારામાં કારણ વિનાનું માન આપ્યા કરશે!’ ‘પણ, બેટા હું તને ઓળખું ને? તું બધું જ ઓગાળીને ભળી જાય એવી છે. અને સ્વભાવે તો ચીમનભાઈ જેવી જ ને? સામાજિક કામમાં તું ન જોડાય તો જ મને નવાઈ લાગે!’ જોયું તો કાનજીભાઈ દૂર એકલા એકલા ચાલતા હતા. પાંખો ફફડાવતો મોર નીચે ઊતર્યો અને એમની વિચારતંદ્રા તૂટી.

***