આંગણે ટહુકે કોયલ/આસોપાલવનાં રૂડાં ઝાડવાં
૨૭. આસોપાલવનાં રૂડાં ઝાડવાં
આસોપાલવનાં રૂડાં ઝાડવાં રે લોલ,
છાંયે બેઠાં છે સીતા નાર રે,
સીતાને રાવણ રિઝવે રે લોલ.
કયો’તો ઘડાવું સીતા ચૂડલો રે લોલ,
મેલી દ્યો રામનું નામ રે,
સીતાને રાવણ રિઝવે રે લોલ.
આસોપાલવનાં રૂડાં ઝાડવાં...
પથ્થરે પછાડું તારો ચૂડલો રે લોલ,
ભાવોભવ રામ ભરથાર રે,
નહિ રે વિસારું મારા રામને રે લોલ,
આસોપાલવનાં રૂડાં ઝાડવાં...
કયો’તો ઘડાવું સીતા હારલો રે લોલ,
મેલી દ્યો રામનું નામ રે ,
સીતાને રાવણ રિઝવે રે લોલ.
આસોપાલવનાં રૂડાં ઝાડવાં...
પથ્થરે પછાડું તારો હારલો રે લોલ,
ભવોભવ રામ ભરથાર રે,
નહિ રે વિસારું મારા રામને રે લોલ,
આસોપાલવનાં રૂડાં ઝાડવાં...
મેલોને સીતા રઢું રામની રે લોલ,
લંકામાં કરો લીલાંલે’ર રે,
સીતાને રાવણ રિઝવે રે લોલ.
આસોપાલવનાં રૂડાં ઝાડવાં...
વા’લું છે નામ મને રામનું રે લોલ,
લંકામાં મેલું હું તો આગ રે,
સીતાને રાવણ રિઝવે રે લોલ.
આસોપાલવનાં રૂડાં ઝાડવાં...
‘રામાયણ’માં સીતાહરણ, રામ-રાવણ યુદ્ધ, રાવણનો વધ અને રામની સેનાનો વિજય-આ બધું રાવણની ભવાટવિમાંથી મુક્તિહેતુ નિયતિએ નક્કી કરેલો ઉપક્રમ હતો એવું અધ્યાત્મનું તત્વચિંતન કહે છે પણ લોકગીતો રચનારો લોક તો આખા ઘટનાક્રમ માટે રાવણને જ દોષિત માની એના પ્રત્યે ક્રૂરભાવ ધરાવે છે. લોક તો જે નજરે જુએ છે એને સર્વાંગ સત્ય માનીને ચાલે છે, ધરતી જેવી સદા અવિચળ માતાનાં પુત્રી, રામ જેવા અવતારી પુરુષનાં પત્ની, લક્ષ્મણ જેવા શેષાવતારનાં માતાતુલ્ય ભાભીનું હરણ કરી જવું સહેલું છે? રાવણ નહિ, ત્રણેય લોકમાંથી કોઈ પુરુષની તાકાત નથી કે જાનકી સામે કુડી નજરે જોઈ શકે પણ લોકને એ કંઈ ખબર નથી. ‘આસોપાલવનાં રૂડાં ઝાડવાં રે લોલ...’ લંકાની અશોકવાટિકામાં રખાયેલાં સીતા અને રાવણ વચ્ચેના લોકે માનેલા સંવાદરૂપે રચાયેલું લોકગીત છે. માનુનીઓને કાયમ ઘરેણાંનું ઘેલું લાગેલું હોય છે એટલે અહિ રાવણ સીતાને રિઝવવા ચૂડલો, હારલો વગેરે ઘડાવી દેવાની લાલચ આપતો હોય એવું બતાવ્યું છે પણ સીતાનો એક જ જવાબ છે કે તારા દાગીનાને હું પથ્થર પર પછાડીને તોડી નાખું, મને એની જરા પણ લાલસા નથી. મને તો મારા રામનું નામ વ્હાલું છે, એના સિવાય કોઈ વિચાર મારા મનમાં નથી. રાવણ લંકામાં લીલાંલ્હેર કરવા કહે છે ત્યારે સીતાએ લંકાની સંભવિત આપત્તિનો ઉલ્લેખ કરી દીધો કે તારી લંકામાં હું આગ ચાંપી દઈશ...! ભલે અભણ કે અર્ધશિક્ષિત લોકે રચ્યાં હોય પણ લોકગીતમાં એકએક શબ્દ બહુ સમજીને ગવાયો હોય છે. અહિ ‘સીતાને રાવણ વિનવે રે લોલ...’ આમ પણ ગાઈ શકાયું હોત પણ ‘વિનવવું’ અને ‘રિઝવવું’માં પૂર્વ-પશ્ચિમનો તફાવત છે. રાવણ વિનવે તો તો એની નમ્રતા, કોમળતા પ્રતિપાદિત થાય પણ લોક તો એને નઠારો ચિતરે છે એટેલે ‘રિઝવે’ એમ ગાયું . વાસ્તવમાં વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાંત રાવણે સીતાજીને અશોકવાટિકામાં એટલા માટે જ રાખ્યાં હતાં કે અ-શોક નામનાં વૃક્ષો નીચે બેસવાથી સીતાનો શોક દૂર થાય અને વૈદેહીને રામનાં વિરહમાં હતાશા ન આવે એટલે કે લંકેશ સીતાજીનું માનસિકરીતે પણ સતત રક્ષણ કરતો હતો પણ લોકને એની સાથે કોઈ નિસ્બત નથી! આવું જ બીજું લોકગીત પણ મળે છે, ‘રામે તે સરોવર ખોદિયાં, લક્ષ્મણ બાંધે છે પાળ, તું તો મારે મન લક્ષ્મણ જતી, મને ઘડીયેય ન વિસરે રામ...’