આંગણે ટહુકે કોયલ/મા મારી તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૬. મા મારી તે

મા મારી તે સાસુ એવી ભૂંડી
દશ શેર દળણું આપે, લાલ સુંબીલો.
મા મારી તે ટેવ એવી ખોટી
દળતાં લોટ બૂકું, લાલ સુંબીલો.
મા મારી તે સાસુ એવી ભૂંડી
લોટ જોખી જોયો, લાલ સુંબીલો.
પાશેર ઓછો થયો, લાલ સુંબીલો.
મા મારી તે સાસુ એવી ભૂંડી
જઈ સસરાને કહ્યું, લાલ સુંબીલો.
મા મારો તે સસરો એવો ભૂંડો
ચોરે બેસી વાત કરી, લાલ સુંબીલો.
ચોરાના લોક એવા ભૂંડા,
ગામમાંથી વહુઓ કાઢી, લાલ સુંબીલો.
અચકો લીધો બચકો લીધો
ઝાલી મહિયરિયાંની વાટ, લાલ સુંબીલો.
કૂવે ગયા ત્યાં પાણિયારી ભડકી,
ઘડાની ફોડનારી આવી, લાલ સુંબીલો.
ઓરડે ગયાં ત્યાં માતા ભડક્યાં,
દખનાં દીકરી આવ્યાં, લાલ સુંબીલો.

ગુજરાતી લોકગીતોના શબ્દો અને ઢાળ ખૂબ જ સહેલા છે એવી માન્યતા છે ને એ મહદઅંશે સાચી છે પણ આ તો લોકનું સર્જન છે એટલે લોકોના વ્યક્તિત્વની જેમ જ ક્યારેક બાહ્યાર્થ અલગ હોય ને ગૂઢાર્થ અલગ! લોક કોઈકવાર એક નિશાન તાકીને બીજું લક્ષ્ય પાર પાડે એવું પણ બને. ઘણીવાર મોઘમ વાત કરીને બીજી અંદરની વાત ઉજાગર કરવાનો પ્રયાસ હોય, કેટલીકવાર કોઈ મોટી ગોપનીય વાતને સાવ નાની અમથી વાતના રેપરમાં વીંટીને પ્રસ્તુત કરવાની મનસા પણ લોકગીતોમાં છૂપાયેલી હોય છે. બધા લોકો જેમ સરળ ન હોય એવું જ છે લોકગીતોનું...! ‘મા મારી તે સાસુ એવી ભૂંડી...’ લોકગીત એક વહુવારુ પોતાની માતાને સંબોધીને ગાય છે. તે કહે છે કે મારી સાસુ મારી પાસે ખૂબ કામ કરાવે છે, એ રોજ રોજ મને દશ શેર અનાજનું દળણું દળવા બેસાડે છે. જે તે સમયે પથ્થરની હાથઘંટીથી દળવું પડતું એટલે ખૂબ પરિશ્રમ થતો. આ વહુને એક બુરી આદત છે એની કબૂલાત કરતાં કહે છે કે હું દળતાં દળતાં લોટ ફાકું છું! ક્યારેક ટેવવશ તો ક્યારેક ભૂખ્યા રહેવાને લીધે વહુઓ લોટ ફાકીને બે-ચાર કલાક ખેંચી કાઢતી કેમકે આજની જેમ ત્યારે પડિકાં કે ઈન્સ્ટન્ટ ફૂડનો જમાનો ન્હોતો. વહુ જયારે દળણું દળીને સાસુને લોટ આપે ત્યારે સાસુ તરત જ ત્રાજવે ચડાવીને તોળે. વહુ પાશેર લોટ ખાઈ ગઈ એટલે સાસુએ સસરાની કાનભંભેરણી કરી. સસરાએ ગામના ચોરે જઈ પોતાના મિત્રમંડળમાં વાત વહેતી મુકી ત્યારે જાહેર થયું કે આ તો ઘર-ઘરની ફરિયાદ છે એટલે ચોરે ચોવટ કરવા બેઠેલા એ બુઝુર્ગોએ સામૂહિક નિર્ણય કર્યો કે ‘આવી’ વહુઓને ગામમાંથી કાઢી મુકો! સાસરિયાં રજા આપી દે એવી વહુવારુ ક્યાં જાય? લોકગીતની નાયિકા બચકાં બાંધીને પિયર પહોંચી. કૂવે પાણી ભરવા ગઈ તો પનિહારીઓએ અપમાન કરી નાખ્યું. ઘરે ગઈ તો માતાએ પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે દુઃખ દેનારી દીકરી આવી! જુઓ, વાત સાવ નગણ્ય છે કે દળણું દળતી વહુ થોડો લોટ ફાકી લે એની આટલી મોટી સજા થાય. નાનકડી સમસ્યા કે શિસ્તભંગનું આવું ગંભીર પરિણામ કે ગામના બધા જ લોકો ભેગા થઈને આવી ભૂલ કરતી વહુઓને કાઢી મુકે? ના, એવું ન હોય, અહીં લોટ ફાકવાની ભૂલ તો પ્રતીકાત્મક છે પણ વહુને કોઈને કોઈ કારણસર ઘરમાંથી તગેડી મુકવી હોય, ચાહે દહેજના પ્રશ્નો હોય, ચાહે ગરીબ માવતરની દીકરી હોય, કાળી, ઉંચી-નીચી, વઢકણી હોય, વરસ, બે વરસના લગ્નજીવનમાં ઘેર પારણું ન બંધાયું હોય, ટૂંકમાં સાચું કારણ આપ્યા વિના ‘લોટ ફાકવા’ જેવી વાત આગળ કરીને એના ઓઠાં તળે પિયર મોકલી દેવાની સજા સંભળાવી દેવામાં આવી હોય એવું બની શકે. આ તો અભણ લોકોનું સાહિત્ય છે ભાઈ, ગણતરવાળા લોકો બધું ખુલ્લું ન કહે, અબરખમાં પોટાશ ભરીને ફોડે! એટલે જ ગ્રામજીવનમાં કજિયા-કંકાસ થતા તો તરત જ સમાધાન થઇ જતું, શહેરોમાં પારિવારિક પ્રશ્નો થાય તો લાંબું ચાલે કારણ કે ગામડાંમાં લોકો સમજ્યા વિના આખડી પડતા...!