આંગણે ટહુકે કોયલ/સુરત શે’રના સાયબા
૪૪. સુરત શે’રના સાયબા
સુરત શે’રના સાયબા, નણદલબાના વીરા,
લાવોને મારી ઈંઢોણી.
ઈંઢોણીને કારણ મેં તો છોડ્યાં નાનાં બાળ રે,
લાવોને મારી ઈંઢોણી.
ઈંઢોણીને કારણ મેં તો છોડ્યા મા ને બાપ રે,
લાવોને મારી ઈંઢોણી.
ઈંઢોણીને કારણ મેં તો છોડ્યા ભાઈ ભોજાઈ રે,
લાવોને મારી ઈંઢોણી.
ઈંઢોણીને કારણ મેં તો છોડ્યા કાકા કુટુંબ રે,
લાવોને મારી ઈંઢોણી.
ઈંઢોણીને કારણ મેં તો છોડ્યા મામા મોસાળ રે,
લાવોને મારી ઈંઢોણી.
સર્જન ચાહે સાહિત્ય, લોકસાહિત્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, નૃત્ય કે અન્ય વિષયક હોય, એની પશ્ચાદભૂમાં સંવેદના, સંદેશ, સમસ્યા કે આનંદ છૂપાયેલા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે કોઈ કવિતા, વાર્તા, લોકગીત, લોકવાર્તા, ચિત્ર કે શિલ્પસ્થાપત્યમાં અતિરેક છલકાતો હોય એવું લાગે પણ એ સ્વાભાવિક હોઈ શકે. માનવની રોજિંદી ઘટમાળ કરતાં કંઇક વિશેષ બતાવાય, સંભળાવાય તો રોમાંચ આવે અને એ માટે સર્જકે પોતાના સર્જનને સવાયું કરવું પડે, સવાયું કરવા માટેનું એક ઈંધણ છે અતિરેક! ભલે હાસ્યાસ્પદ અતિરેક વર્જ્ય છે પણ આજુબાજુમાં બનતી ઘટનાઓ કરતાં સવિશેષ ચિત્રણ કરવાથી, વિવેકપૂર્ણ અતિરેકથી સર્જન લડાક્વાયું બની જતું હોય છે ને સાહિત્ય-કલામાં આવો અતિરેક સ્વીકાર્ય પણ હોય છે. ‘સુરત શે’રના સાયબા, નણદલબાના વીરા...’ બહુ ઓછું સાંભળવા મળતું દુર્લભ લોકગીત છે. એક પરિણીતા કૂવા, વાવ, તળાવ કે નદીએ પાણી ભરવા ગઈ છે, જ્યાં એનો પતિ પહોંચ્યો અને પત્ની પાસેથી ઈંઢોણી આંચકી લીધી. પત્ની વિનવે છે કે મારી ઈંઢોણી જલદી પાછી આપીદો, ઈંઢોણી માટે મેં નાનાં બાળકો, માતાપિતા, ભાઈ, ભાભી, કાકા કુટુંબ, મામા મોસાળ વગેરે છોડી દીધાં છે. વનિતા આવું કેમ બોલે છે? ઈંઢોણી સોનાની હશે? હીરાજડિત હશે? સોને-હીરે મઢેલી ઈંઢોણી કોઈ પાસે હોય? હોય તો કોઈ નારી પાણીની હેલ ઉંચકવા આવી અણમોલ ઈંઢોણીનો ઉપયોગ કરે? વળી ઈંઢોણી માટે બધાને છોડી દીધાં એટલે શું? અર્થ સ્પષ્ટ થતો નથી. લોકગીતના રચયિતા સિવાય આનો અર્થ બીજું કોણ સ્પષ્ટ કરી શકે? આપણે તો અનુભવથી અનુમાન કરી શકીએ કે લોકગીત શું કહેવા માગે છે. એક સંભાવના અનુસાર સ્ત્રી જળસ્ત્રોત પર ગઈ એટલે એનો પતિ પાછળ ગયો કેમકે એને પત્ની સાથે કંઇક વાત કરવી છે. સંયુક્ત પરિવારમાં રહેતા પતિ-પત્ની ઘરમાં બધાની વચ્ચે અંગત વાત ન કરી શકતા. વળી લાજનો રિવાજ અને મર્યાદાના ઓઢણાં તો ખરાં જ! ઘરમાં માણસો ઝાઝા અને ઓરડા ઓછા હોય એવા સંજોગોમાં કોઈ મહેમાન આવી જાય ને બે-ચાર દિવસ રોકાય તો પતિ-પત્નીએ અલગ ઓરડે સૂવું પડતું. એક છત તળે રહેવા છતાં દિવસો સુધી બન્ને ન મળતા હોય એવા સંજોગો સર્જાતાં-આવી સ્થિતિમાં કૂવા-વાવના કાંઠે જ બન્નેને વધુ એકાંત મળતું જ્યાં ‘મનની વાત’ કરી શકાય એટલે આવાં વખાના માર્યાં પતિ-પત્નીના મનોભાવો ઉભરાવતું આ લોકગીત છે. ઈંઢોણી માટે સૌને છોડી દીધાં એ વાતમાં અતિરેક છે. અહિ એવો અર્થ લેવો જોઈએ કે મોટો પરિવાર અને જળસ્ત્રોત દૂર હોય એથી બહેનોને આખો દિવસ માથે હેલ લઈને પાણી ભરતાં રહેવું પડે ને પોતે ઘરથી જાણે દૂર થઇ ગઈ છે એવો એને અહેસાસ થાય છે. નાયિકાએ . ‘સુરત શે’રના સાયબા’ એવું સંબોધન કેમ કર્યું? આ તો કોઈ ગામડાની નારીનું કથાનક લાગે છે. વળી ગીતના શબ્દો પણ સૌરાષ્ટ્રની બોલીના છે એટલે સૌરાષ્ટ્રનું લોકગીત છે. માત્ર વર્ણાનુપ્રાસ માટે ‘સ’નો મેળ કરવા ‘સુરત શે’રના સાયબા’ પ્રયોજ્યું હોય એવી શક્યતા છે. બીજી સંભાવના એ પણ છે કે સ્ત્રી પોતાના પતિને વધુ સન્માન આપવા સુરત જેવા મોટા શહેરનો મોટો માણસ છે એવું પણ બતાવવા માગતી હોય...!