આંગણે ટહુકે કોયલ/હું રે ગઈ’તી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪૩. હું રે ગઈ’તી

હું રે ગઈ’તી ગાયું ને ગોતવા હો રાજ,
કપટી કાને ઉઘાડ્યાં કમાડ રે હો,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.
જાતાં જાણી ગાયુંને ગોંદરે હો રાજ,
મેલી કાને મારા ઘરમાં દોટ રે હો,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.
ઢોળ્યાં દહીડાં ને પીધાં દૂધડાં હો રાજ,
શિકેથી કાને મહીંના છોડ્યાં માટ રે,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.
ડુંગરે ડુંગરે ગાયું હું ગોત’તી હો રાજ,
સાંભર્યા શિકે મહીનાં રેઢાં માટ રે હો,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.
ખાધાં થોડાં વાટે કાને મેલિયાં હો રાજ,
કરી મેલી કાને ઘરમાં રેલમછેલ રે હો,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.
આવી ઉતાવળી સામા ઓરડે હો રાજ,
જઈ જોયું ત્યાં જમિયો જાદવરાય રે હો,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.
ચાલો સખી કૈં જશોદા માતને હો રાજ,
માડી મને કવરાવે નિત કાન રે હો,
મહીડાં ઢોળ્યાં છે મોંઘાં મૂલનાં હો રાજ.

આપણે એન્ટિક ચીજો મેળવવાના, ખરીદી લાવવાના પ્રયાસો કરતાં હોઈએ છીએ. જૂના સિક્કા, ચિત્રો, વાસણો, ચાકડા, ચંદરવા, ભરતકામ કે મોતીકામ, તાવડીવાજાં ને એવું ઘણું બધું. એન્ટિક આપણને પ્રિય લાગે છે એનું કારણ એ છે કે એ બધું આપણા વારસા કે મૂળ સાથે અતૂટ બંધને બંધાયેલું છે. આપણા દાદા-દાદી કે નાના-નાનીને ગમતું, એમના વખતનું આજે આપણે માટે અલભ્ય બની ગયું છે. લોકગીત, લોકવાર્તા, દુહા-છંદ, ધોળ, લગ્નગીત, ઉખાણાં, ટૂચકા-આ બધું આપણી કેટલીય પેઢીને ગમતું આવ્યું છે એટલે એ આપણા ‘રૂટ’માં કે લોહીમાં અર્થાત્ ડીએનએમાં છે માટે આપણે માટે એન્ટિક છે ને જાણતાં અજાણતાં પણ આપણને એ ગમે છે. ગુજરાતી લોકગીતોમાં કૃષ્ણ અત્રતત્ર, સર્વત્ર ડોકિયાં કરે છે કેમકે શ્રીકૃષ્ણ ગુજરાતમાં આવી વસ્યા હતા. પૂર્ણ પુરૂષોત્તમને ગુજરાતમાં આવવું પડ્યું હોય તો પછી ગુજરાતી લોકગીતો એમની ચરણરજના સ્પર્શ વગરનાં હોય એવું કેમ બને? ગુજરાતીઓએ લોકગીતોમાં કૃષ્ણને ખૂબ લડાવ્યા છે. કૃષ્ણ કેન્દ્રમાં હોય એવાં ગુજરાતી લોકગીતો ખૂબ જ લોકપ્રિય બન્યાં છે એટલે જ હવે એ ગીતો બહુ જ જાણીતાં-પોતિકાં લાગે છે પણ જો તમારે કૃષ્ણનાં ઓછાં જાણીતાં કે અજાણ્યાં લોકગીતો સાંભળવાં –શીખવાં હોય તોય કેટલાંક ગીતો મળશે, આ રહ્યું એવું એક લોકગીત ... ‘હું રે ગઈ’તી ગાયુંને ગોતવા હો રાજ...’ ઓછું ગવાતું, એટલે જ ઓછું સંભળાતું, એટલે જ ઓછું જાણીતું લોકગીત છે. એક ગોપી પોતાની ગાયોને શોધવા ગઈ એની જાણ બાલકૃષ્ણને થતાં જ ગોપીના ઘરમાં ઘૂસી ગયા, મહી ઢોળી નાખ્યું ને રેલમછેલ કરી મુકી. બાળકૃષ્ણનું આ રોજિંદું તોફાન છે, એમાં કાંઈ નવું નથી પણ અહીં ગોપીને આટલી નુકસાની સહ્યા પછી પણ એ વાતનો સંતોષ છે કે મારે ઘેર જાદવરાય જમ્યા! આ લોકગીતની મજા કાનુડાનાં તોફાન કે ગોપીની ફરિયાદમાં નહીં પણ ગોપીને ત્યાં કૃષ્ણ ‘પેટપૂજા’ કરે છે એના યજમાન બન્યાના સંતોષમાં છે! ગુજરાત પાસે લોકગીતના ભંડાર ભર્યાં છે. આપણા ખજાનામાં હજુ આવાં અનેક અપ્રચલિત લોકગીતો છે પણ ડાબા હાથે ક્યાંક મુકાઇ ગયાં છે જેને ઝીણી નજરે શોધી, રજ ખંખેરી, ઘર ઘર ને જન જન સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે. જાહેર કાર્યક્રમો આપતા ગાયકોએ આવાં ઓછાં જાણીતાં અને અજાણ્યાં લોકગીતો મેળવીને ગાતાં રહેવાં પડશે તો જ એ ફ્રેશ રહેશે, નહીંતર આ બધો ‘ડેડસ્ટોક’ થઈ જશે!