આંગણે ટહુકે કોયલ/પાણી ગ્યાં’તાં રે
૪૯. પાણી ગ્યાં’તાં રે
પાણી ગ્યાં’તાં રે બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ બેડાં મારાં નંદવાણાં રે.
ચોરે બેઠા રે બેની મારા સસરા રે,
કેમ કરી ઘરમાં જાઉં કે બેડાં મારાં નંદવાણાં રે,
લાંબા તાણીશ રે બેની મારા ઘૂંઘટા રે,
હળવે હળવે જાઉં કે બેડાં મારાં નંદવાણાં રે,
પાણી ગ્યાં’તાં રે...
શેરીએ ઉભા રે બેની મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જાઉં કે બેડાં મારાં નંદવાણાં રે,
લાંબા તાણીશ રે બેની મારા ઘૂંઘટા રે,
હળવે હળવે જાઉં કે બેડાં મારાં નંદવાણાં રે,
પાણી ગ્યાં’તાં રે...
ડેલીએ બેઠાં રે બેની મારાં સાસુજી રે,
કેમ કરી ઘરમાં જાઉં કે બેડાં મારાં નંદવાણાં રે,
લાંબા તાણીશ રે બેની મારા ઘૂંઘટા રે,
રૂમઝુમ કરતી જાઉં કે બેડાં મારાં નંદવાણાં રે,
પાણી ગ્યાં’તાં રે...
આજે આપણી પાસે મનોરંજન માટે ઘણાં ઉપકરણો છે; સિનેમા, ટી.વી., મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ-જેના થકી અહર્નિશ અઢળક મનોરંજન મેળવી શકીએ, છતાં આપણે પ્રસન્ન છીએ? એ સવાલ આપણી જાતને જ પૂછીએ. જયારે વીજળી ન્હોતી, રેડિયોથી માંડી કોઈ જ ઉપકરણો ન્હોતાં ત્યારે આપણા વડવાઓ કેમ વધુ ખુશમિજાજ રહેતા? હા, તેમને શારીરિક શ્રમ વધુ હતો પણ આપણી જેમ મેન્ટલ સ્ટ્રેસ નહીંવત હતો કારણ એ જ કે એમની પાસે ભવાઈ, લોકગીત, લોકવાર્તા, દુહા-છંદ, ઉખાણાં, ટૂચકા, ઓઠાં-જેવાં લોકમાધ્યમો હાથવગાં હતાં. ઈલેક્ટ્રોનિક માધ્યમો માનસિક દબાણ ઉભું કરે છે પણ લોકમાધ્યમો તણાવમુક્ત કરે છે. ઈલેક્ટ્રોનિક માધ્યમો આપણને એકલવાયા કરી મુકે છે પણ લોકમાધ્યમો સમૂહ સાથે જોડી રાખે છે! ‘પાણી ગ્યાં’તાં રે બેની અમે તળાવનાં રે...’ લોકપ્રિય અને કર્ણપ્રિય લોકગીત છે. કથાવસ્તુ એવી છે કે એક વહુવારુ તળાવે જળ ભરવા ગઈ, તળાવની પાળે એનો પગ લપસ્યો ને બેડું પડ્યું એટલે ફૂટી ગયું પણ હવે સમસ્યા એ થઇ કે ફૂટેલું બેડું લઈ ઘરે કેમ જવું? એટલે નાયિકાએ વિચારી લીધું કે કાંઈક તરકીબ કરવી પડશે કેમકે ગામના ચોરે સસરા બેઠા છે, શેરીને નાકે જેઠ ઉભા છે, ડેલીએ સાસુ બેઠાં છે- ત્રણેયથી બેડું છુપાવવું કેમ? સૌથી પહેલા તો લાંબો ઘૂંઘટ તાણવાનો નિર્ધાર કર્યો એટલે એ જમાનાની સંસ્કારી વહુને છાજે એવો લૂક બની જાય! બીજું, સસરા અને જેઠની સામેથી હળવે હળવે તો સાસુની સામેથી રૂમઝૂમ કરતાં નીકળવાનો અભિનય કરે એટલે કોઈને શંકા ન પડે એવું એને લાગ્યું. આમ જુઓ તો લોકગીતની કથાવસ્તુ સાવ સામાન્ય છે પણ એનું માનસશાસ્ત્રીય વિશ્લેષણ કરીએ તો ઘણાં પાસાં ઉપસી આવે છે. તળાવે પાણી ભરવા ગયેલી નાયિકાનો પગ કેમ લપસ્યો હશે? સંભવ છે કે ભીની-ચીકણી જગ્યા પર પગ મુકાઈ ગયો હોય, શક્ય છે કે દુઃખિયારી વહુઓ સાસરિયામાં બહુ ત્રાસ ભોગવતી એટલે મન પર બોજ લઈને પાણી ભરવા ગઈ હોય ને થોડી બેધ્યાન થઈ હોય તો લપસી જવાયું હોય. લપસ્યા પછી બેડું નંદવાયું એથી વહુને ખબર પડી ગઈ કે હવે ઘરમાં કજિયો થવાનો છે કારણકે વહુને કારણે નુકસાન થયું છે ને! હવે કોઈને ખબર ન પડે એમ ફૂટેલું બેડું પાણિયારે મુકીને પોતે કાંઈ જાણતી નથી એવો ભાવ ધારણ કરવા નાયિકાને કેવી કેવી યુક્તિ-પ્રયુક્તિ અજમાવવી પડે છે એ પણ મનોવિજ્ઞાનનો વિષય છે. ‘પાળેથી પગ લપસવો’ એને માત્ર ‘પગભ્રષ્ટ’ થવાની વાત ન સમજીએ પણ ‘ચારિત્ર્યભ્રષ્ટ’ થવા સાથે પણ સંબંધ હોઈ શકે. નાયિકાનું મન લપસ્યું હોય એવું પણ બને ને પછી ‘ચારિત્ર્ય’ નામનું બેડું નંદવાઈ ગયું હોય તો ઘરમાં સંઘરવું જ પડે, મોં છૂપાવવા લાંબો ઘૂંઘટ કાઢવો પડે, હળવે હળવે જવું પડે-આ બધું જ થાય! એક લોકગીતમાં અનેક પ્રકારના અર્થો ઉઘાડ પામતા હોય છે, વાસ્તવિકતા શું હશે એ માત્ર નાયિકા જ જાણે છે-આપણે તો એનાં અનુમાનો કરીએ છીએ. આ લોકગીત મૂળભૂતરીતે ઉલાળિયાંમાં ગવાતું હતું પણ સમય જતાં ગાનારાઓએ પોતાની અનુકૂળતા મુજબ હિંચમાં તબદિલ કરી નાખ્યું, જો કે એમ પણ સરસ જ લાગે છે.