આંગણે ટહુકે કોયલ/હરિ હરિ તે
૫૧. હરિ હરિ તે
હરિ હરિ તે વનનો મોરલો ગિરધારી રે,
રાણી રાધા ઢૂંગે રમે ઢેલ, જીવણ વારી રે.
મોટા મોટા માધવપુર ગામડાં ગિરધારી રે,
તિયાં મોટા માધવરાયના ધામ જીવણ વારી રે.
હરિ હરિ તે...
મોટા મોટા તે ડાકોર ગામડાં ગિરધારી રે,
તિયાં મોટા રણછોડરાયના ધામ જીવણ વારી રે.
હરિ હરિ તે...
મોટા મોટા તે દ્વારકા ગામડાં ગિરધારી રે,
તિયાં મોટા દ્વારકાધીશના ધામ જીવણ વારી રે.
હરિ હરિ તે...
આજે એન્ટિક અને રેર વસ્તુઓનું મૂલ્ય વધવા લાગ્યું છે. આરસપહાણના બંગલાવાળા ગીર વિસ્તારનાં ફાર્મહાઉસમાં કે પોળોના જંગલના ટેન્ટમાં રોકાવા-રજા ગાળવા જાય છે. ઘરનાં છપ્પનભોગ ત્યજીને લોકો ઢાબા પર રીંગણાંનો ઓળો, બાજરાના રોટલા, લસણની ચટણી, ગીર ગાયની છાશ, ગોળ, ઘી કે માખણ ખાવા જાય છે. એનો સીધો અર્થ એ થાય કે આપણે આપણા ડીએનએના સંસ્કારો તરફ જાણતાં અજાણતાં આકર્ષાઈએ છીએ જ સિધ્ધાંત મુજબ દુનિયાભરનું સંગીત સહજ પ્રાપ્ય હોવા છતાં આપણને લોકગીત, ભજન, ધોળ, દુહા, છંદ, લોકવાર્તા ઓઠાં, દેશી ટૂચકા એટલે કે આપણું પોતિકું સંગીત સાંભળવું ગમે છે. ‘હરિ હરિ તે વનનો મોરલો...’રાસડા લેતી બહેનોની પસંદગીનું લોકગીત છે. અગાઉ વાર-તહેવારે રાસ લેવાતા ને એમાં આ ગીત ન ગવાય એવું બને જ નહિ કારણકે રાધા અને કાનને નાયક-નાયિકા તરીકે પ્રસ્તુત કરતું લોકગીત છે. કૃષ્ણને અહિ મોરની તો રાધાને ઢેલની ઉપમાથી નવાજ્યાં છે. મોર એટલે સુંદરતા અને ઢેલ એટલે મોરનો પડછાયો! કાન-રાધાનું પણ આવું જ હતું ને! કૃષ્ણએ પોતાના શિર પર મોરપિચ્છ ધારણ કર્યું હતું. લોકગીતના રચયિતાએ રાધાને ઢૂંગે રમતી ઢેલ દર્શાવ્યાં છે. હવે સવાલ એ ઉઠે છે કે ‘ઢૂંગો’ એટલે શું? આવો શબ્દ તો અનેક લોકોએ સાંભળ્યો પણ નહિ હોય. કારણ કે ઘણા શબ્દો આપણાથી અવળે હાથે મુકાઇ ગયા છે એમાં આ ‘ઢૂંગો’ પણ છે. ‘ઢૂંગો’ એટલે ઘાસનો ઢગલો, રાધા ઢૂંગા પર શોભી રહ્યાં છે. જે લોકો ‘ઢૂંગે રમે ઢેલ’માં કંઇ સમજતા નથી એણે ‘રાણી રાધા ઢળકતી ઢેલ’ એમ ગાઈ નાખ્યું. કંઈ વાંધો નહિ લોકગીતમાં આવું સંભવ છે. લોકગીતમાં પૂર્ણપુરૂષોત્તમનાં ત્રણ મોટાં ધામોનો મહિમા ગવાયો છે. માધવપુર, દ્વારકા અને ડાકોરની એમાં વાત છે. આ ત્રણેય ધામોનું પોતાનું મહાત્મ્ય છે. માધવપુરમાં કૃષ્ણ-રૂક્ષ્મણીનાં લગ્ન થયાં હતાં, દ્વારકામાં ભગવાને શાસન કર્યું તો ડાકોર ભક્ત બોડાણાની ભક્તિ અને કૃષ્ણના પરચાને લીધે પ્રસિદ્ધ છે. ભાવિકો માટે ગુજરાતનાં આ ત્રણેય ધામો ખરેખર આસ્થાનાં કેન્દ્ર સમાં છે. ગુજરાતી લોકગીતોમાં શબ્દો તો બદલાઈ જાય છે, આખા આખા અંતરા પણ નવા આવી જાય છે. . આ લોકગીતમાં ‘મોટા મોટા ચોટીલા ગામડાં ગિરધારી રે...’ એવું પણ ઘણા લોકો ગાય છે એટલે કે શક્તિપીઠનું પણ મહિમાગાન કરાયું છે. આ તો લોકગીત છે, આમ જ હોય અને તેમ ન હોય એવી જડતા ન ચાલે પણ મનફાવતાં ઉમેરણ કે બદબાકી પણ અયોગ્ય ગણાય.