આંગણે ટહુકે કોયલ/એવી વે’તી ગોઝારણ
૫૬. એવી વે’તી ગોઝારણ
એવી વે’તી ગોઝારણ આવી રે
નીંદરા શેની આવે!
આવી ભાદ્રોડને ઝાંપે ભરાણી રે
નીંદરા શેની આવે!
ઓલ્યા ભાટિયાનાં બકાલાં તણાણાં રે
નીંદરા શેની આવે!
ઓલ્યા ધોતા ધોબીડા તણાણા રે
નીંદરા શેની આવે!
એનાં છોકરાં ચીસું નાખે રે
નીંદરા શેની આવે!
આવી ખારને દરવાજે ભરાણી રે
નીંદરા શેની આવે!
ઓલ્યા ભૂલાભાઈનો ઘાણો તણાણો રે
નીંદરા શેની આવે!
એના ડબા તળાવમાં બૂડ્યા રે
નીંદરા શેની આવે!
ઓલ્યા ખરકનાં ખોરડાં તણાણાં રે
નીંદરા શેની આવે!
એનાં છોકરાં હાયું નાખે રે
નીંદરા શેની આવે!
ઓલ્યા ગુલાભાઈનાં વા’ણો તણાણાં રે
નીંદરા શેની આવે!
એનો માલ તે વામી નાખ્યો રે
નીંદરા શેની આવે!
એનો માલ તે સોંથે નાખ્યો રે
નીંદરા શેની આવે!
લોકગીત એટલે લોકનું સત્ય. લોકસમૂહને જે લાગ્યું તે એણે ગાઈ નાખ્યું. લોકને કોઈપ્રકારે લાભ થયો હોય કે આફત આવી હોય તો એનું લોકગીત બની જાય. લોકગીતમાં કાલ્પનિક કે તરંગી ભાવનિરૂપણ નહિ પણ કોઈ સત્ય ઘટનાનું તાદૃશ વર્ણન હોય છે એટલે જ લોકગીત સોળ વલા સોના જેવું હોય છે. કોઈ બિના બને એને લોક પોતાની બાનીમાં યથાતથ ગાઈ નાખે તોય સંભાળવું ગમે એ લોકગીતની ખૂબી છે. ગુજરાતમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, હોનારત જેવી કુદરતી આપત્તિ આવતી રહેતી હોય છે ને એની ભયાનકતા છતી કરતાં લોકગીતો આપણી પાસે હોય એ સહજ છે. આપણા રાજ્યમાં લગભગ દરવર્ષે અમુક વિસ્તારમાં તો બારેય મેઘ ખાંગા થાય છે. સૌરાષ્ટ્રમાં નવલખી, ઓખા-દ્વારકાથી લઈ પોરબંદર, માધવપુર, માંગરોળ, વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના, રાજુલા, જાફરાબાદ, મહુવાની દરિયાઈ પટ્ટી, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરતની પટ્ટી ઉપરાંત ડાંગ અને ઉત્તર ગુજરાતમાં પાટણ, પાલનપુર, ડીસા પંથકમાં ચોમાસુ બહુ લોઠું હોય છે. ચોમાસે ભાદર, ઓજત, હીરણ, સાબરમતી, પૂર્ણા, તાપી, મહી અને નર્મદાને રૌદ્રરૂપ ધારણ કરતી આપણે જોઈ છે. ‘એવી વે’તી ગોઝારણ આવી રે...’ ભાવનગર જિલ્લાના મહુવા પાસે વહેતી માલણ નદીનું લોકગીત છે. સવા-દોઢ સદી પહેલા માલણે જે વિનાશ વેર્યો એનું તાદ્રશ વર્ણન આ લોકગીતમાં છે. નદી કિનારે વસતાં ગામોના લોકોની દશા અતિવૃષ્ટિ પછી થતી હોનારત વખતે શી થાય એ તો વીતી હોય એ જ જાણે! વર્ષો પહેલ મચ્છુ ડેમ તૂટ્યો ને મોરબીની જે વલે થઇ એ કાળજું કંપાવનારી હતી. એ પછી ઓઝાતે વંથલી અને શાપુરની અવદશા કરી એ પણ ભયાનક હતી. સૌરાષ્ટ્રની મોટી નદી ભાદરે પણ અનેકવાર ઉપલેટા, કુતિયાણા તાલુકાનાં ગામોને તારાજ કર્યાં છે. ગુજરાતમાં પણ પાલનપુર-ડીસા પંથકમાં હોનારતે ભારે આફત સર્જી હતી. નદી બેકાબૂ બને ત્યારે કાંઠાળ ગામોના લોકોને જીવન મરણ વચ્ચે બહુ ફાસલો નથી રહેતો. માલણ નદી કિનારા છોડીને ભયાવહરીતે અહીંતહીં વહેવા લાગી, કાંઠાનાં ગામોના લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાણીનો વેગીલો પ્રવાહ ભાદ્રોડ ગામને દરવાજે પહોંચ્યો. શાકભાજીના વાડા તણાઈ ગયા. નદીમાં કપડાં ધોતા ધોબીઓ પણ જળની થપાટે તણાયા! એક વેપારીનો તેલનો ઘાણો તણાઈ ગયો, ખરક પટેલોનાં મકાનો ડૂબ્યાં, કોઈનાં વહાણ તણાવા લાગ્યાં, ધસમસતા પૂરે વહાણમાં ભરેલો માલ-સામાન ફગાવી દીધો અને છેક ક્યાંય સુધી તણાતો ગયો;આવો ભયાનક વિનાશ કર્યો માલણના પુરે. નદી લોકમાતા છે, એમ મેઘ પણ જીવમાત્રનો રક્ષક છે પણ જયારે આકાશી આફત વરસે, જળવર્ષાનો અતિરેક થાય ત્યારે જીવનદાતા પોતે જ ભક્ષક બન્યો હોય એવું લાગે. લોકમાતા માટે અહીં રચયિતાએ ‘ગોઝારણ’ શબ્દનો ઉપયોગ કર્યો છે એ સૂચવે છે કે માલણ કેટલી ક્રૂર બની ગઈ હશે! આ તો લોક છે, એ પોતાની નાનકડી ખુશીથી ઝૂમી ઉઠે ને રજ સરીખા દુઃખથી નારાજ થઇ જાય એટલે જ નદી લાભ આપતી રહે ત્યાં સુધી ‘લોકમાતા’ પણ નુકસાન કરે ત્યારે ‘ગોઝારણ’!