આંગણે ટહુકે કોયલ/લાલ લાલ જોગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૫૫. લાલ લાલ જોગી

લાલ લાલ જોગી રે, ભભૂત લાલ જોગી રે;
ભભૂત ભરેલી તારી આંખ લાલ જોગી રે.
સોનીડાને હાટડે ગ્યાં’તાં લાલ જોગી રે,
કડલાં વોરાવતાં લાગી વાર લાલ જોગી રે.
મણિયારાને હાટડે ગ્યાં’તાં લાલ જોગી રે,
ચૂડલો વોરાવતાં લાગી વાર લાલ જોગી રે.
દોશીડાને હાટડે ગ્યાં’તાં લાલ જોગી રે,
મશરૂ વોરાવતાં લાગી વાર લાલ જોગી રે.
માળીડાને હાટડે ગ્યાં’તાં લાલ જોગી રે,
ગજરા વોરાવતાં લાગી વાર લાલ જોગી રે.

કોઈ પૂછે કે ગુજરાતનાં લોકગીતોની ‘હાઈટ’ કેટલી? તો એનો જવાબ છે, ગિરનાર અને અરવલ્લીના ડુંગરા કરતાંય વધુ! શબ્દોમાં સાદગી અને ઢાળથી રાજવી એવું આ પરંપરાગત સંગીત કંઠથી નહીં પણ હૈયાના ઉંડાણમાંથી ઉદભવ્યું છે એટલે જ યુગોથી અસ્ખલિત વહે છે; ઔપચારિકરીતે ગીતસંગીત ભલે કંઠ અને કાનનો વિષય ગણાય પણ લોકસંગીત તો હૃદયનો વિષય છે. જે લોકો એમાં રસ લે છે એમને માટે આ સંગીત દિલખુશ સાબિત થયું છે. ‘લાલ લાલ જોગી રે...’ સીધુંસાદું લોકગીત નથી. મુખડામાં અસ્પષ્ટતા લાગે છે એટલે લોકગીતના અભ્યાસની વાવમાં થોડાં પગથિયાં ઉંડે ઉતરવું પડે. નાયિકા કોને લાલ લાલ જોગી કહે છે? ભભૂત ભરેલી આંખ એટલે શું? કોઈ સાધુ, સંન્યાસીની વાત છે? ના, એવું તો હોઈ શકે નહીં કેમકે સાધુ-જોગી તો કામિની અને કંચનથી દૂર વસનારા હોય છે એ તો સ્ત્રીની નજીક આવે જ નહીં. અહીં તો નાયિકા માટે કડલાં, ચૂડલો, ગજરો સહિતની કિંમતી વસ્તુ ખરીદવાની વાત છે એટલે સંસારનો ત્યાગ કરનાર કોઈ પુરૂષ તો લોકગીતનો નાયક નથી લાગતો. નાયિકા પોતાના પિયુને ‘લાલ જોગી’ તરીકે સંબોધે છે. પત્ની સમક્ષ પોતાની જાતને ‘અનાસક્ત જોગી’ ગણાવતા પિયુને ‘ક્યાંક’ ઉજાગરો થયો છે જેના પર કટાક્ષ કરવા ‘ભભૂત ભરેલી તારી આંખ’ જેવું ચાલાક વિધાન કર્યું છે. એ સીધું નથી પૂછી લેતી કે રાતના ક્યાં અને કેમ જાગવાનું થયું? આંખો કેમ લાલ છે? બીજા એક લોકગીતમાં એક સન્નારીએ મોઢામોઢ પૂછી લીધું હતું કે, ‘હો રંગરસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો, આ આંખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કીધો?’ અહીં વાત તો એ જ છે પણ પ્રશ્ન પૂછનાર નાયિકા બદલાઈ ગઈ છે. તમારી આંખો કેમ લાલ છે? એમ જ પૂછવું છે પણ પ્રિયતમને ‘જોગી’ કહ્યો હોય તો આંખ લાલ કરવા ‘ભભૂત’ છાંટવું પડેને! જગતના બહુધા પુરૂષો સ્વરક્ષણ માટે ‘ચાલાકી’ નામનું શસ્ત્ર ખપમાં લે પણ સ્ત્રીઓની આંખોમાં કુદરતે ગોઠવેલાં માઈક્રોસ્કોપ અને ‘કોથળામાં પાંચશેરી’ મારવાની આવડત પર ચોક્કસ તાળીઓ પાડવી જોઈએ! હે વ્હાલા! તારી આંખોમાં ભભૂત પડ્યું હોય એવી લાલાશ કાં? એવો અચાનક જ સવાલ ઉઠ્યો હોય ત્યારે ક્ષણાર્ધમાં જવાબ શું આપવો? પુરૂષે વળતી ચાલાકીથી કહ્યું કે હું સોનીની દુકાને ગયો હતો, તારા માટે કડલાં લેવા ગયો હતો એટલે વાર લાગી ને એમ ઉજાગરો થયો; એવી જ રીતે મણિયારા, દોશી અને માળીને હાટ પણ ગયો હતો, જુદી જુદી વસ્તુની ખરીદી કરી એટલે મારી આંખો રાતી થઈ ગઈ. આ બધી જ ચીજો મારે તને ભેટ આપવાની છે. પુરૂષ ભલેને સિફતપૂર્વકની ચોખવટ કરીને બચી ગયાની લાગણી અનુભવે પણ સ્ત્રીએ મનમાં બધું જ આકલન કરી જ લીધું હોય છે. પુરૂષોની ભ્રમરવૃત્તિ વિશે પોતાના જ ઉપવનનું ફૂલ અજાણ્યું કેવી રીતે હોઈ શકે? પુરૂષોએ આ વાત કાયમ માટે સમજી લેવાની જરૂર છે.