આંગણે ટહુકે કોયલ/લીલી લેંબડી રે
૬૫. લીલી લેંબડી રે
લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ.
પરભુ પરોણલા રે, મારે ઘેર ઉતારા કરતા જાવ,
ઉતારા નૈં કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.
લીલી લેંબડી રે...
પરભુ પરોણલા રે, મારે ઘેર દાતણ કરતા જાવ,
દાતણ નૈં કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.
લીલી લેંબડી રે...
પરભુ પરોણલા રે, મારે ઘેર નાવણ કરતા જાવ,
નાવણ નૈં કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.
લીલી લેંબડી રે...
પરભુ પરોણલા રે, મારે ઘેર ભોજન કરતા જાવ,
ભોજન નૈં કરું રે, મારે ઘેર સીતા જુવે વાટ
સીતા એકલાં રે, જુવે રામ લખમણની વાટ.
લીલી લેંબડી રે...
વિશ્વવિખ્યાત સંગીતજ્ઞાતાઓએ વાત નિર્દંભપણે સ્વીકારી છે કે લોકસંગીત બધા જ સંગીત પ્રકારોનું મૂળ છે. લોકસંગીતમાંથી જ વિવિધ સંગીતધારાઓ વહી નીકળી છે એટલે કે લોકસંગીત આદિસંગીત છે, એ ગંગોત્રી છે. એનો ઉદ્ભવ માનવજાતના ઉ્દભવ જેટલો પ્રાચીન છે ને આયુષ્ય ધરતી, સૂરજ, ચંદ્ર જેટલું છે! ગુજરાત એ અર્થમાં નસીબદાર છે કે એની પાસે ગીરનું જંગલ, ડાલામથ્થા કેસરીની જેમ અતુલ્ય લોકસંગીત પણ છે. ‘લીલી લેંબડી રે લીલો નાગરવેલનો છોડ...’ મૂળભૂત ઉત્તર ગુજરાતમાં ગવાઇને પછી ગુજરાતના અન્ય વિસ્તારોમાં પ્રચલિત થયું હોય એમ લાગે છે કેમકે લીમડા માટે ‘લેંબડો’ કે ‘લેંબડી’ શબ્દનો પ્રયોગ ઉત્તર ગુજરાતમાં થાય છે ત્યાંની બોલીમાં ‘ઈ’કારાંતને બદલે ‘એ’કારાંત શબ્દપ્રયોગ વધુ થાય છે. ભગવાન શ્રીરામ મહેમાન થઈને કોઈ ભક્તના ઘેર ગયા છે પણ એને પોતાના ઘેર જવાની ઘણી જ ઉતાવળ છે. ભક્ત ઉતારા, દાતણ, નાવણ, ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ કરે છે પણ પ્રભુજી કહે છે કે મારે ઝડપથી ઘેર પહોંચવું જરૂરી છે કેમકે સીતાજી એકલાં છે, અમારી રાહ જુએ છે. આ લોકગીતનો મર્મ સરળ છે કે યજમાન તો પોતાની ફરજ બજાવે, આગ્રહ કરે, આશરાધર્મ નિભાવે પણ મહેમાને સમજવું જોઈએ કે ક્યાં કેટલું રોકાણ કરવું? અહીં દશરથનંદન શ્રી રામચંદ્રને લોકગીતના નાયક બનાવીને લોકગીતના રચયિતાએ આપણને મહેમાન કેમ બનવું એની સાચી રીત શીખવી દીધી છે. બીજો અર્થ એ પણ તારવવો રહ્યો કે બહાર ગયેલા પતિને એ યાદ હોવું જોઈએ કે ઘેર પત્ની વાટ જુએ છે-એ વાત અહીં રામ-સીતાનાં પાત્રો દ્વારા સમજાવવામાં આવી છે. અન્ય લોકમાધ્યમોની જેમ જ લોકગીતોનો પહેલો ઉદ્દેશ્ય સંદેશો આપવાનો છે, આડકતરો બોધ આપવાનો છે ને પછી એ મનોરંજન પીરસે છે. એનો અર્થ એ થાય કે લોકગીતો અર્થસભર, ઉપદેશક, તેજીને ટકોરો કરનારાં હોય છે. ગેય સ્વરૂપમાં હોવાથી લોકહૈયે વસનારાં ગીતો બની રહ્યાં છે એ સતત સાબિત થતું રહે છે. આ લોકગીત તો વર્ષોથી ગૂર્જરભૂમિ પર ગવાય છે. એની લોકપ્રિયતા પર ગુજરાતીઓને ખૂબ જ ગૌરવ છે કેમકે બોલીવૂડને પણ પોતાની ફિલ્મો સફળ કરવા આ અને આવાં કેટલાંય ગુજરાતી લોકગીતો લેવાં પડે છે. થોડા શબ્દોમાં ફેરફાર જરૂર કરે છે પણ એ બહાને આપણું લોકસંગીત દુનિયાભરમાં પ્રસાર તો પામે છે!