zoom in zoom out toggle zoom 

< આંગણે ટહુકે કોયલ

આંગણે ટહુકે કોયલ/સામા મંદિરિયામાં નાગજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૬૬. સામા મંદિરિયામાં નાગજી

સામા મંદિરિયામાં નાગજી પોઢ્યા,
નાગણી ઢોળે વાય, મારા વાલા!
હાથ ઝંઝેડીને નાગ જગાડ્યા,
મેલો તો રમવા જાયેં, મારા વાલા!
આપણા મંદિરિયામાં સોળસેં સાહેલી,
પારકે મંદિર શીદ જાયેં, મારા વાલા!
નવા તે નગરનો માળી તેડાવું,
ફૂલની વાડિયું રચાવું, મારા વાલા!
આસોપાલવનાં ઝાડ રોપાવું,
તિયાં તારા હીંચકા બંધાવું, મારા વાલા!
હું રે હીંચોળું મારી સૈયરું હીંચોળે,
હીંચતાં ત્રૂટ્યો હાર, મારા વાલા!
હું રે વીણું ને મારી સૈયરું વીણે,
હીરલો ના’વ્યો હાથ, મારા વાલા!
નખે વીણું ને હાથે તે સાંતરું,
હૈડે પરોવીશ હાર, મારા વાલા!

છપ્પન ભોગ આરોગવાની તમન્ના આપણામાંથી મોટાભાગનાને હોય પણ એવાં ભોજન કેટલાં ટાણાં ભાવે? શૂટબૂટમાં સજ્જ થઇ તમે કેટલા કલાક, કેટલા દિવસ રહી શકો? ગાડીમાં કે વિમાનમાં તમે કેટલો સમય ફરી-ઉડી શકો? હાય, હલ્લો જેવા ઔપચારિક શબ્દો તમે કેટલીકવાર બોલી શકો? તમને તમારા રોજિંદા ભોજન, સહજ વસ્ત્રપરિધાન, થોડું પગપાળા જવાનું ને અનૌપચારિક વાતચીત વગર ન ચાલે એનો સીધો જ અર્થ એ થાય કે આપણે ઢોળ ચડાવેલી જિંદગીથી થાકીને અસલ જીવનશૈલી જીવવા મજબૂર બનીએ છીએ, એટલે જ હજારો સૂરિલાં, સંગીતમઢ્યાં ફિલ્મ અને આલ્બમનાં ગીતો સાંભળ્યા પછી પણ આપણું લોકસંગીત સાંભળવા ઉત્સુક બનીએ છીએ કેમકે લોકસંગીત આપણા માટે હિમોગ્લોબીન છે, એની માત્રા થોડી આમતેમ હોય તો ચાલે પણ એની ગેરહાજરી ન જ હોવી જોઈએ.

‘સામા મંદિરિયામાં નાગજી પોઢ્યા...’ કલ્પન થકી આરંભાયેલું લોકગીત છે. ‘પોઢેલો નાગ’ જેવું પ્રતીક પુરૂષ માટે વપરાયું છે. નાગણી જેવી તેજીલી પત્ની સૂતેલા પતિને વીંઝણાથી પવન નાખે છે પણ ગામના ચોકમાં સહિયરો રાસ લેવા ભેગી થઈ એટલે આ સ્ત્રીએ પતિને જગાડીને વિનવણી કરી કે તમે રજા આપો તો મારે રાસ રમવા જવું છે.

પરંપરાગતરીતે પુરૂષો પઝેસીવ હોય છે એટલે અહિ પત્ની પર પુરૂષે માલિકીભાવ છતો કરતાં કહ્યું કે આપણા ઘરે બધી સખીઓને બોલાવો, બીજાના ઘરે, દૂર શા માટે જવું? જો તમે અહીં જ રહો તો તમારા માટે હું માળી તેડાવીને ફૂલવાડી તૈયાર કરવું, આસોપાલવ રોપવીને હીંચકા બંધાવી દઉં. ટૂંકમાં તમામ સુવિધા કરાવી આપું અર્થાત્ તમે અહીં જ રહો, મારી નજરથી દૂર ન થાવ એમ આડકતરો આગ્રહ કે દુરાગ્રહ કર્યો.

નાયિકા જાણે દીવાસ્વપ્નમાં સરી પડી કે નાયકે કહ્યા મુજબ બધી જ સગવડ અપાવી દીધી. હીંચકે હીંચતાં હૈયાનો હાર તૂટી ગયો એનો અર્થ એ કે સ્ત્રીને પોતાની સહિયારો સાથે ચોકમાં રાસ રમવા જવું હતું પણ ન જવાયું એનો ખટકો રહી ગયો. હાર તૂટ્યો એનો અર્થ તીવ્ર ઈચ્છા તૂટી પડી!

પુરૂષોનાં મનમાં ખરેખર શું ચાલતું હોય છે તે જાણવા સ્ત્રીઓ પ્રયાસ કરે છે પણ દરેક વખતે જાણી શકાતું નથી છતાં આખી જિંદગી બન્ને સંગાથે જીવી જાય છે, એ જ તો ભારતીય દામ્પત્યજીવનની બલિહારી છે. લોકગીતમાં પતિ-પત્ની માટે નાગ અને નાગણી જેવું પ્રતીક અપાયું છે. એક લોકવાયકા મુજબ નાગ અને નાગણીનું જોડલું ગમ્મતે ચડ્યું હોય ત્યારે એને કોઈ ખલેલ પહોંચાડે તો એ બદલો લે છે.