આંગણે ટહુકે કોયલ/સર્જક-પરિચય
લેખક પરિચય
પત્રકાર,લેખક,લોકગાયક, મુલાકાતી અધ્યાપક નીલેશ પંડ્યાનો જન્મ તા.૧ જાન્યુઆરી, ૧૯૬૫ ના રોજ ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામે થયો.અંગ્રેજી, ગુજરાતી અને પત્રકારત્વમાં સ્નાતક અને ગુજરાતી તથા પત્રકારત્વમાં અનુસ્નાતક થઇ,સને ૧૯૯૦ માં રાજકોટમાં ઇન્ડિયન એક્ષપ્રેસ જૂથના અખબાર ‘જનસત્તા’માં પત્રકાર તરીકે કારકિર્દી આરંભી.
કિશોરાવસ્થામાં કવિતા, લઘુકથાનું લેખન કરતા અને લોકગીત, ભજન ગાતા નીલેશ પંડ્યાએ રાજકોટમાં સ્થાયી થઈને લોકસંગીતના વ્યવસાયી ગાયન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં મુલાકાતી અધ્યાપક તરીકે ફરજ બજાવવાનું શરુ કર્યું અર્થાત્ તેઓ ચાર ક્ષેત્રમાં સક્રિય છે. લોકગીતો સમજાવીને ગાવાની ઢબ અખત્યાર કરી ગુજરાતની કોલેજો-યુનિવર્સિટીઓના ચારેક લખ યુવા ભાઈ-બહેનો સમક્ષ લોકસંગીત પ્રસ્તુત કરી યુવાધનને લોકસંગીતથી અભિમુખ કરવા નમ્ર પ્રયાસ કરી રહ્યા છે.
સને ૨૦૧૫ માં લોકગીતોના આસ્વાદની કોલમ ‘સોના વાટકડી રે...’ ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં છ વર્ષ સુધી ચલાવી પછી આજપર્યંત ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં ‘મેંદી રંગ લાગ્યો’ કોલમમાં લોકગીતોનું રસદર્શન કરાવે છે.ગુજરાત સરકારના માહિતી ખાતાએ સને ૨૦૧૯ માં ૯૦ લોકગીતો સાથે રસદર્શનનું તેમનું પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ પ્રકાશિત કર્યું જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું લોકસાહિત્યનાં શ્રેષ્ઠ પુસ્તકોની શ્રેણીમાં દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું. એ પછી ધોળ અને અસ્વાદનું ‘છેલડા હો છેલડા’. લોકગીત અને આસ્વાદનું ‘સોના વાટકડી રે...’, લોકગીત અને ધોળના તુલનાત્મક અભ્યાસનું ‘લોકસરિતાનાં બે વહેણ-લોકગીત અને ધોળ’ તથા પુન: લોકગીતો અને રસદર્શનનું ‘આંગણે ટહુકે કોયલ’ પ્રગટ કર્યું.
તેમને લોકસંગીતના ગાયન, લેખન માટે પૂ.મોરારિબાપુ પ્રેરિત કવિ દુલા ભાયા કાગ એવોર્ડ, કુમાર ફાઉન્ડેશન ગોધરા દ્વારા એનાયત થતો પુષ્કર ચંદરવાકર એવોર્ડ,અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ, દીપચંદભાઈ ગાર્ડી એવોર્ડ, પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ એનાયત થયા છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તેમનાં ત્રણ પુસ્તકો ચાંદો ઊગ્યો ચોકમાં, છેલડા હો છેલડા અને સોના વાટકડી રે...પ્રથમ વર્ષ બી.એ.ના અભ્યાસક્રમમાં સંદર્ભ પુસ્તક તરીકે સમાવાયાં છે તો રાજકોટની એક વિદ્યાર્થિની નીલેશ પંડ્યા પર પીએચ.ડી કરી રહી છે.
પ્રો.ડૉ.નયના રાવલ
શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટ્સ, કોમર્સ, બી.બી.એ.કોલેજ, રાજકોટ