યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/ટાઢ

From Ekatra Wiki
Revision as of 15:35, 8 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રણ
ટાઢ

મા હવે નથી. જગત આખુંય જાણે સાવ ખાલી થઈ ગયું. ક્યારે બધાં ભેગાં થઈ ગયાં, કોણ જઈને સાજ-સામાન લઈ આવ્યું, કોણે ચૉકો કર્યો, કોણે માને નવડાવી, કોણે નનામી બાંધી... કશીય ખબર નથી. મારું મગજ જાણે કામ જ નહોતું કરતું. ‘છેલ્લી વાર માનું મોં જોવું હોય તો...' કોક બોલેલું. ને મને ઊભો કરી મા પાસે લઈ ગયેલું. છેલ્લી વાર માનું મોં જોતાંય રડાયું નહીં. નાના બાળકની જેમ જો૨જો૨થી મોટેથી રડી પડવાનું ખૂબ મન થયું, પણ રડાયું નહીં. આંખો સુધી આવ્યાં પહેલાં જ આંસુઓ જાણે થીજી ગયેલાં, કંઠમાં અને હૃદયમાં. છેલ્લી વાર માનું મોં જોઈ લીધા પછી મોં ઢાંકી દેવાયું ને ગળા ઉપર થઈને જાડી, બરછટ કાથીના વધુ એક-બે આંટા બાંધ્યા. બોલવાનું મન થઈ આવ્યું – અરે ધીમે, ધીમે; માને ગળા પર વાગશે, છોલાશે... પણ શબ્દો ગળામાં જ થીજી ગયા. નનામી તૈયાર થઈ ગઈ. ‘આટલી ટાઢ સ તે થોડી વાર કેડી કાઢીએ.' કોક બોલ્યું. ‘ના. અવઅ્ વધાર વાર નોં રખાય. જીવ ક્યોંક ફેર પ્રવેશ કરઅ્.’ ‘હા, એ વાતેય હાચી.’ શું કરવું, શું નહીં – મને કશી સૂઝ નહોતી પડતી. મગજ જાણે સાવ બંધ પડ્યું હતું. ‘પોક મૂક' કોઈ મુરબ્બીએ કહ્યું. ‘ઓ મારી મા રે... એમ કહી પોક મૂક.' ફરી કહ્યું. પણ મારા ગળામાંથી અવાજ નીકળ્યો જ નહીં. ભાંગી જ પડાયું, ધ્રુસકે ધ્રુસકે. રડી લીધા પછી કંઈક હળવાશ અનુભવાઈ. પછી નનામી ઊંચકી. દબાયેલ અવાજે પોક મૂકી. ઝડપભેર નનામી ચાલી. વધારે માણસો નહોતાં. બસ, સાત-આઠ. આટલું વહેલું તે કોણ આવે? અને તેય આવી ટાઢમાં? અને પાછું મારા જેવાના ઘરે?! થોડી વાર પછી ખભો દુખવા લાગ્યો. મા જીવતી ત્યારે એનો આટલો ભાર ક્યારેય નહોતો લાગ્યો. હા, એની દવાનો ખર્ચ થતો એનો ભાર લાગતો. ઠંડીથી દાંત જ નહીં, હાડકાંય જાણે કકડતાં હતાં. આટલી ઠંડી તો છેલ્લાં ચાલીસ વર્ષોમાં નહોતી પડી. ઝડપભેર યંત્રવત્ પગ ઊપડતા તો હતા છતાં થતું, આવી ટાઢમાં ગમે ત્યારે ઠરીને ઠીકરું થઈ જવાય. આ તો ઝડપભેર ચાલીએ છીએ ને ખભે માનો બોજ છે એટલે કદાચ શરીરમાં થોડી ગરમી રહે છે. ગરમ કોટ પહેરી લીધો હોત તો સારું થાત. સિત્તેર રૂપિયામાં ખરીદેલો એ કોટ, લારીમાંથી, કોઈકનો ઊતરેલો. પણ આવે પ્રસંગે કોટ પહેરાય?! લોકો શું કહે?! લોકોની તો હમણાં કહું એ... શાલ લઈ લીધી હોત તો સારું થાત. અરે, મફલર બાંધ્યું હોત તોય ખાસ્સી રાહત રહેત. પણ સાલું યાદ આવવું જોઈએ ને? મા હંમેશાં યાદ કરાવતી – મફલર કેમ નથી લીધું? અને કાનમાં રૂનાં પૂમડાં ખોસ્યાં?! માનેય ટાઢ વાતી હશે?! ના, એ તો હવે ટાઢ-તાપથી પરવારી ગઈ. મા કહ્યા કરતી, ‘આ શાલ હાવ ફાટી ગઈ સ. અવઅ્ તો થીગડું દેવાય એવુંય નથી. નવી...' ને પછી પોતે છણકો કરશે એની બીકે બિચારી અટકી જતી. એના માટે નવી શાલ લાવ્યો હોત તો કેવી રાજી થાત! કોઈનાં ઊતરેલાં પેન્ટ, શર્ટ, કોટ તો મળે છે ફૂટપાથો ૫૨. ત્યાં ઊતરેલી શાલ પણ મળતી હોત તો? બીજું કશું તો ક્યાં માગતીય હતી બિચારી?! પણ પૈસા?! બે મહિનાથી મિલ બંધ પડી છે ને છૂટક કામ કરીને તો ક્યાં બે છેડા ભેગા થવાના હતા?! સાત સાંધો ને તેર તૂટે. દેવુંય દા'ડે દા'ડે વધતું જાય છે. મિલ બંધ થયા પછી તો બધા ઉધાર આપતાય બંધ થઈ ગયા. પેલો મગનો શાક-પાંદડું ઉધાર આપતો 'તો એણેય છેલ્લે પરમદા'ડે ઉધારની ચોખ્ખી ના પરખાવી દીધેલી. કોઈ કે' છે, યુનિયન જીતશે ને મિલ શરૂ થશે. તો કોઈ કે' છે, સરકાર મિલ ફરી શરૂ કરવાની છે. જેને જે કરવું હોય એ કરે. આપણે તો મિલ શરૂ થાય એટલે જાણે ભગવાન મળ્યા. મા ગમે એવી માંદી હોય કે ટાઢ હોય, એને મંદિરે ગયા વિના ન ચાલે. એટલે જ એ વધારે માંદી થઈ, ગાભાની ગોદડી ઓઢીને ઘરમાં એક ખૂણે છાનીમાની પડી રહેતી હોય તો? શાલ તો ન જોઈએ... હવે... હવે એ શાલ નહીં માગે... સારું થયું, એટલો ખર્ચ ઓછો. પણ માનું કારજ કરવા તો... ‘હાઉ... હાઉ...’ કરતી, ડોક લંબાવીને સૂતેલી વિયાયેલી કૂતરી ભસી. એ કૂતરી બે-ત્રણ જણાને કરડેલી. સારું થયું, આજે ધસી આવીને કોઈને કરડી નહીં. આટલી ટાઢમાં એનેય કદાચ ઊભા થઈને કરડવા જવા કરતાં પડ્યા રહેવું વધુ ગમ્યું હશે. શહેરમાં સુધરાઈવાળા કૂતરાંને પકડી જાય, પણ પરામાં કોણ ધ્યાન આપે? પરાં એટલે શહેરના ઉકરડા. પણે ફૂટપાથ પર સૂતેલા પેલા ત્રણચાર ભિખારીઓની ઉપર કેવા નવાનક્કોર ધાબળા! કોક કારવાળું રાત્રે, ધાબળા ઓઢાડી ગયું હશે... પણ આ ભિખારીઓ હવે એ ધાબળા વેચી મારશે. બીજા દિવસે રાતે ફરી સૂઈ રહેશે, ટાઢમાં થથરતા; બીજા ધાબળાની આશાએ... પણ વેચી ન મારે તો એ લોકો કરેય શું? ભૂખે મરવા કરતાં કદાચ ટાઢે મરવું વધુ સારું...... આટલી ટાઢ છે તે માને તડકો ચઢ્યા પછી કાઢી હોત તો? પણ કેટલાક માન્યા નહીં. એમને હશે કે જલદી પરવારીએ તો આ... કૉગળો કરીને છૂટા થવાય ને પછી કામધંધે ચડાય... જોકે, એ વાતેય સાચી. મારી મિલ ચાલુ હોય ને કોઈ મરણ થયું હોય તો મનેય થાય, રજા બગાડવી પડે એના કરતાં હેંડો ઝટ ફૂટી બાળીએ. મિલમાં હડતાળ છે ને મા મરી ગઈ છે એ સારું થયું. રજા તો નહીં બગડે. કે' છે કે યુનિયન જીતશે તો હડતાલનોય પગા૨ મળશે. પગાર મળે એટલે પહેલી મા માટે શાલ... ઓહ! મા તો હવે ગઈ! નનામી હજી તો ખભે જ છે. એના ભારથી ખભોય દુઃખે છે તોય સાલું કેમ ભૂલી જવાયું કે મા મરી ગઈ... સાલું મગજ જ બહેર મારી ગયું છે. નનામી નીકળી ત્યારે તો ડાઘુઓ બોલતા હતા – રામં... રામં... પણ પછી આ ઠંડીથી કકડતા દાંતને કારણે ડાઘુઓનો અવાજ બંધ થઈ ગયો. ધ્રૂજતાં શરીર, ઝડપથી જતી નનામી, તીણા પવનના સુસવાટા, સૂમસામ શહેર અને ધુમ્મસ......... નાનો હતો ને ખૂબ ટાઢ વાતી ત્યારે મા અડધી રાતે અવારનવાર ઊઠીને રજાઈ ઓઢાડતી. થોડોક મોટો થયો એ પછીય, પરોઢિયે ખૂ... બ ટાઢ વાતી હોય, ટૂંટિયું વાળીને પડ્યો રહ્યો હોઉં, પણ પગ પાસે પડેલી ગોદડી ખેંચીને ઓઢવાની આળસ થાય... ત્યાં તો મા ઊઠી જ હોય અને એણે મને ગોદડી ઓઢાડી જ હોય... મારી આવી મા માટેય કેવા ખરાબ વિચારો આવતા મને? છેલ્લા બે-ત્રણ મહિનાથી માંદી રહેતી તો થતું, એની દવાનો આટલો ખર્ચ થાય છે એના કરતાં એ મરી જાય તો સારું. માને બાપડીને રાતે ઊધરસ ચઢતી તોય હું છણકો કરતો – રાતે તો ઊંઘવા દે, ક્યારનું ખોં-ખોં કરે છે તે! મોં બંધ કર હવે! માની પૂરતી દવાય ન કરાવી. કદાચ એટલે જ મા... જિંદગી આખો ઢસરડો કર્યો છે બિચારીએ... જિંદગી આખીય દુ:ખ વેઠ્યું... છૂટી બિચારી... ને હુંય છૂટ્યો... હવે એના માટે શાલ નહીં લાવવી પડે... હવે એની દવાનો ખર્ચોય નહીં! અરે, મા મરી ગઈ એ તો સારું, એના કારજના નામે તો ઉધાર પણ મળશે! મારી મા કેવી સારી હતી! હે ભગવાન, માના આત્માને શાંતિ આપજે. આ લગીર તડકો નીકળ્યો તોય ટાઢ ઓછી નથી થતી, તડકોય સાલો બરફ જેટલો ટાઢો લાગે છે! નાનો હતો ત્યારે મા પોતાને કેવો ગોટમોટ વીંટી, ખોળામાં લઈ, છાતીસરસો ચાંપી પાલવ ઓઢાડતી! એ જ મા આજે... ટાઢું ઠીકરું. સ્મશાન આવ્યું. અહીં ખુલ્લામાં તો ટાઢાહેમ પવનના સુસવાટા હાડકેહાડકાને વીંધી નાખે છે! માનેય અડધી રાતે મરવાનું સૂઝું? તડકો નીકળે એ પછી મરી હોત તો? પોતે તો મરી ને બીજાંનેય ટાઢે માર્યા. માના ભારે શરીરમાં પાણી વધારે ને લાકડાંય લીલાં છે તે બળતાં વાર લાગશે. સ્મશાનમાં રહેતા કાળા, બટકા, તગડા માણસે ફટાફટ લાકડાં ગોઠવ્યાં. માને સુવાડી. ‘સાહેબ', સ્મશાનવાળો માણસ બોલ્યો, ‘હાલ્લો કાઢી લઉં? બળી જાહે ઈના કરતાં મારી વઉંનં પૅરવા થાહે. પૈસાવાળું લોક તો ના જ પાડઅ્. મોંઘા નં મોંઘા હાલ્લા બળી જાય. કોઈ બચારું ગરીબ હોય તો દયા જોંણઅ્. હાલ્લોય જાડો હારો સ. મારી વઉંનં આ ટાઢમોં...' ‘શરમ નથી આવતી લાશ પરથી હાલ્લો કાઢવાનું કૅતઅ્?' કોક તાડૂક્યું. પેલો ચૂપ થઈ ગયો. કૂતરાંને લાડુ નાખ્યા. માના શરીરે ઘી ચોપડ્યું. બીજું ઘી લાકડા પર ઢોળ્યું. પેલા કાળા, તગડા માણસને કદાચ થયું હશે – આમાંથી એકાદ તોલી ઘી ભરી લીધું હોય તો... કોરા રોટલા પર ચોપડવા થાય... મારી રોટલી પર તો મા ઘી ચોપડતી પણ પોતે તો કોરી જ રોટલી ખાતી. છેવટે એને બાળવાય ચોખ્ખું ઘી તો ન જ લાવી શકાયું... માની પ્રદક્ષિણા કરી અગ્નિદાહ દીધો. રડી પડાશે એવું થયું તો ખરું પણ ઝળઝળિયાંય ન આવ્યાં. સરસ અગ્નિ પ્રગટ્યો. જોતજોતામાં તો માનું શરીર પંચમહાભૂતમાં ભળવા લાગ્યું. એટલામાં ટાઢી છાંટવા માટે કોક દૂધનો દેગ લઈને આવ્યું. દેગમાં કેટલું દૂધ હશે? દૂધના કેટલા પૈસા દેવાના થશે મારે? પાણીથી જ ટાઢી છાંટી હોય તો ના ચાલે? પેલાં કૂતરાં ને ટાઢથી ધ્રૂજતાં ગલૂડિયાંય પૂંછડી પટપટાવતાં દૂધના દેગની આજુબાજુ વીંટાળાયાં. રોજ મા કૂતરાને રોટલો નાખતી. ટાઢી છાંટવા માટેનું આ દૂધ કૂતરાં-ગલૂડિયાંને પાઈ દીધું હોય તો? તો... મા જરૂર રાજી થાય. કે પછી... આ દૂધમાંથી ચા મૂકીને થોડી ગરમ ગરમ પીધી હોય તો?! આ ટાઢમાં કંઈક રાહત રહે. ત્યાં તો કોકે કૂતરાને હાંકી કાઢ્યાં. કૂતરી વાઉ... વાઉ... કરતી ખૂણામાં દોડી. ત્યાં બે કોથળા પડેલા એમાં લપાઈ ગઈ. ગલૂડિયાંય ભરાઈ ગયાં માની સોડમાં. એ ગલૂડિયાંનીય ઈર્ષ્યા થઈ આવી... કેટલાં સુખી છે માની સોડમાં?! ચિતા હવે ચારે બાજુથી ભડ ભડ સળગવા લાગી. ઊડી ઊડીને છેટે પડતાં લાકડાં પેલો સ્મશાનવાળો માણસ એના લાં... બા વાંસથી પાછાં ચિતામાં નાખતો હતો. ચિતાની રાતી-પીળી જ્વાળા હવે વધુ ઊંચી ઊઠવા લાગી અને મારી તરફ લપકતી જ્વાળાઓના કારણે કંઈક ગરમાવો લાગતો! ચિતાથી આટલો આઘો ના ઊભો હોત તો સારું થાત. થોડો નજીક ઊભો હોત તો કેવી હૂંફ મળત?! ત્યાં ટાઢનો એક જોરદાર સુસવાટો આવ્યો. હાડકેહાડકું કકડી ઊઠ્યું... ને એક ક્ષણ થઈ આવ્યું, આવી ટાઢ છે તે તાપ્યું હોય તો?! ના... ના... આ તે કંઈ તાપણું થોડું છે? આ તો મારી મા... એની ચિતા... તપાય?! અદબ વાળીને મન મક્કમ કરીને ત્યાં જ ઊભો રહ્યો થરથર થથરતો. અચાનક તડકો અદૃશ્ય થઈ ગયો. ઠંડા બરફિલા પવનનું મોજું ફરી વળ્યું. આ તે પવન કે બરફ?! નક્કી ક્યાંક કરા પડતા હશે. આ તે કેવી ટાઢ? જોર જોરથી જાણે કરા પડતા હોય ને એની ઝીણી, તીણી કરચો હાડકેહાડકાં સુધી અંદર વાગતી હોય એવું થતું... મા લગભગ બળી રહેવામાં હતી. ત્યાં ખોપરી ફૂટવાનો અવાજ આવ્યો. ‘હવે વાર નંઈ લાગે.' દાંત કકડતા હોવાથી અસ્પષ્ટ ઉચ્ચારે કોક બોલ્યું. પવન વધારે કાતિલ બન્યો. મારા પગ ચિતાની વધુ નજીક સર્યા. મા બળી રહેવામાં જ હતી. ચિતા હજીય ચારે બાજુથી ભડભડ સળગતી હતી. લાકડાં ઉમેરવાની કોઈ જરૂર નહોતી, છતાં કોકે ચિતામાં લાકડાં ઉમેરાવ્યાં... અચાનક જ મારું ધ્યાન ગયું તો – સ્મશાનવાળો પેલો કાળો તગડો માણસ જ નહીં, એનાં બૈરી-છોકરાંય ઊભાં હતાં ડાઘુઓ સાથે! ચિતાની સાવ નજીક! મારી મા પાસે!