ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/જીભ
જ્યોતીન્દ્ર દવે
◼
ગુજરાતી નિબંધસંપદા • જીભ - જ્યોતીન્દ્ર દવે • ઑડિયો પઠન: ચિરંતના ભટ્ટ
◼
મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે છે ઇન્દ્રિયો ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખ. પણ બોલવાનું ને સ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે.
ઘણીખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રુચતી હોય તોપણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહિ રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઇચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહિ.
બોલવાનું ને ખાવાનું – દુનિયાનાં બે મોટામાં મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવજીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજાં કોઈ કાર્ય નથી, એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતાં સુધી ચાલે છે – અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાંઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે એની પાછળ બારમું, તેરમું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે, ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે, ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ – એ નિર્બળતાની નિશાની છે; પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે, બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ જ સમજવાનું છે.
રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ્ભગવદ્ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. મન ને હૃદય – એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે. મનના વિચારને હૃદયની ઊર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્ત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાંનિધ્યમાં પ્રણયવચનો ઉચ્ચારે છે.
જેમ કેટલીક કુલવધૂઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારનાંને તેનાં દર્શન પણ થઈ શકતાં નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણુંખરું અદૃશ્ય રહે છે.
સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે. ને સુંદર ઘરેણાં-લૂગડાં પહેરી આપણી અભિમાનવૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણાં વખાણ કરી અભિમાનવૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રુઝાવેય છે. तुम्हीने दर्द दिया है तुम्ही दवाई देना એમ આશક માશૂકને કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ, પાછળથી જરૂર પડ્યે તેનાં વખાણ કરી પોતે પાડેલા ઘાને રુઝાવી શકે છે. પુરુષનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદિના રોગોના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ બહાર કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણી વાર ગૃહનાં છિદ્રો બહારનાંને જાણવા મળે છે. તે જ પ્રમાણે દેહના રોગોના નિદાન માટે તજ્જ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે.
ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે. બૂરાશ પડતી જીભ છાતીનાં દરદોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી ને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદરરોગોનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતાં જેની જીભ સ્થિર ન રહી શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. મુખ બહાર કાઢતાં એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. આમ જીભ દેહનાં અનેક દરદો ખુલ્લાં કરે છે.
પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યનાં ગામ, જાતિ આદિની પણ માહિતી, વગર પૂછ્યે આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર – એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી, નહિ જેવા કારણે, ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ; જેની જીભ વેદમંત્રોના ઘન, જટા ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ; જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબાપાણીમાં રાચી રહે તે ક્ષત્રિય; પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય; ને જેની જીભ ઘણુંખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી ‘હા, માબાપ!’ કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ ‘યૂ ગદ્ધા! બેવકૂફ-સૂવર!’ એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં ચારપાંચ વિવિધ ઉત્તમ વાનીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. જેની જીભ ‘માબાપ, સરકાર, પ્રભુ’ એવા પાઠ પઢ્યા કરતી હોય ને બેએક દિવસે એક વાર, અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. ‘રજાબજા નહિ મળે, સમજ્યા? જુઓ, આજે જરા બે-ત્રણ કલાક વધારે બેસજો. ને આવતે મહિને તમારા પગારમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે’ એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. ‘સાહેબ છે-તે-છે-તે-જરા આજે-જરા એમ કે સાહેબ, આજે જરા વહેલો ઘેર જાઉં? ઘેર માંદગી છે. સાહેબ, સાહેબ, બાકીનું કામ ઘેર લઈ જઈશ’ એમ બીતાં બીતાં કરગરતે અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનિયા જીભ.
જીભ આમ માણસનાં જાતિકુલ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે. એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યોને વાગ્યુદ્ધ ખેલતા જોયા હતા તેની નવાઈ નહોતી લાગી – બે માણસો મળે ને લડે નહિ તો નવાઈ લાગે – લડે તેમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. “તું લાલચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઊતરની! બતાવી દઉં!” એકે કહ્યું. “સાલા, તારું મોં ઊજલું છે, પણ કરમ તો કાલાં છે. ધોલામાં ધૂલ પડી તારા!” બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એકમતે ‘ળ’કારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં ‘ળ’ને સ્થાને ‘લ’ વાપરતા સાંભળ્યા હતા. સૂરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે ‘ળ’ બોલાય છે ને ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો છે. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી ‘ળ’કાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે ‘ળ’નો પણ બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને ઝાઝી નિસબત નથી. ‘ળ’કારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે ‘હવાકાનું હેર હાક’ માગનારી સુરતી જીભને ‘સડકું ખોંદીએં સીએં ને રાબું પીએં સીએં’ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે.
જીભની કુતૂહલપ્રિયતા ને છિદ્રાન્વેષીપણું અદ્ભુત છે – દાંતના ખૂણેખૂણામાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય, તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. એ વિષયમાં પણ એ અબળાવર્ગ સાથે હરીફાઈમાં ઊતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રુઝાવવાની શક્તિ છે, ને તેથી તે શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિક્રમમાં આગળ વધતાં વધતાં મનુષ્યની જીભમાંથી ઘા રુઝાવવાની શક્તિ જતી રહી તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘાને ચાટીચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી.
બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યોનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી – બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલા, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો વગેરે બળવાન હોય છે એ જાણીતું છે. તેમ જ બીજા જાનવરોની માફક એને શીંગડાં ને પૂંછડી પણ હોતાં નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં, જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં, અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મંકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. સુખદુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડાં, કૂતરાં આદિ પશુઓને જીભ હોય છે. પણ તે માત્ર અમુક પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારનાં પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે, જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. પશુપંખીઓ તેમ કરી શકતાં નથી. માટે જ મનુષ્ય પશુપંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને ‘કૂતરા, ગદ્ધા, સૂવર, હેવાન’ વગેરે કહી શકે છે. જનાવરો એક-બીજાને ‘માણસ, આદમી, ઇન્સાન’ વગેરે કહીને ગાળ દઈ શકતાં નથી, એટલે એ માણસ કરતાં ઊતરતા દરજ્જાનાં ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે – જીભ વડે; બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે.
સમય ને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઊછરી હોય એમ વર્તવા માંડે છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતાં તરત તેને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વર્ષાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખ્ત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાંનિધ્યમાં એનાં ગુણગાન ગાવા મંડી પડે છે.
એક ગાડીવાળાએ એક નાના છોકરાને, કંઈક વાંકસર તમાચો માર્યો, છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. “કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું! જોઉં તો ખરો, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી?” એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યુંઃ “આણે માર્યો.” છ ફૂટ ઊંચા ને બસો રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી “હા, મેં માર્યો; શું છે?” કહીને બાંય ચડાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યુંઃ “બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? મારવા’તા ને બેચાર! મારા દેખતાં મારો બીજી એક થાપટ!” આ જ પ્રમાણે આપણા બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત, તેટલો એ વધારે પ્રતિષ્ઠાસંપન્ન, સમજુ ને શાણો ગણાય છે.
કામિની પેઠે જીભનાં જાદુ ને કામણ પણ અનેરાં છે. એ મોહિનીનાં મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. નયનબાણ કરતાં પણ જિહ્વાબાણ વધારે કાતિલ નીવડે છે. ઘણી વાર આપણા અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. “એવું એનામાં છે શું? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસો, નથી પ્રતિષ્ઠા. એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું?” એમ સામાન્ય રીતે બધાંને લાગે છે. પણ તન, મન કે ધનના વૈભવ વડે નહિ, એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે એ આપણે જાણતા હોતા નથી. અભિમન્યુ પર નયનોનાં જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભનાં જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. માત્ર મનથી નહિ, પણ જીભ વડે સ્તોત્રો ગાઈ ઈશ્વરપ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ છે. શેષનાગની હજાર જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે ને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે.
જેમ દેશદેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે, તેમ ભિન્નભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડુબાડી દે છે, તો કેટલીક સાંભળનારની ખુશામદમાં જ રચીપચી રહે છે. કેટલીક જીભો સ્ત્રીમુખને જોઈને વાચાળ બને છે, અન્યથા મૂક થઈને પડી રહે છે. કેટલીક જીભો બહુવ્રીહિ સમાસની પેઠે અન્યપદપ્રધાન હોય છે, બીજાના જ મનના વિચારની એ વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે, કેટલીક સોયની ગરજ સારે છે, કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે.
જીભને આપણે ‘લૂલી’નું અભિધાન આપ્યું છે. પણ એ લૂલી હશે તોયે ઈશ્વરકૃપા પામેલા પંગુના જેવી હશે – આખો ગિરિ ઓળંગી શકે એવી. જગતમાં જે કાંઈ થાય છે – સારુંનરસું. આનંદકંકાસ, આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહ ને વરસી, માંદગી ને તંદુરસ્તી તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાન્ત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી રીતે જોતાં જીભની સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના એ તાબામાં રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે. મનુષ્ય એટલે જ જીભ.
મને લાગે છે કે ઈશ્વરે આ માનવયંત્ર ઘડ્યું, પણ ક્યાં તો એણે બહુ ઉતાવળ કરી હશે કે ક્યાં તો યંત્ર ઘડવાનો એને ઝાઝો અનુભવ નહિ હોય. થઈ શકે એવી કેટલીયે સગવડ એણે કરી નથી. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એને એમની એમ જડી દીધી છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના એણે કરી હોત તો કેટલી સગવડ થાત! નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો ને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બામાં મૂક્યા પછી જ સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત, તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલાં વધારે આનંદદાયક લાગત! તેમ જ આખો વખત બોલબોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે એમ ખાતરી કરીને, નિર્ભયપણે આપણે મળવા જઈ શકત. કોઈ પર ગુસ્સે થઈ જઈએ, ત્યારે કલહ અને કંકાસના પ્રસંગે ઉપસ્થિત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારી ને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકત? બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકત. કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાત, પણ તેમાં કંઈ નુકસાન ન થતાં ઊલટો ફાયદો જ થાત. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતાં એ અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસકના મોંમાં જઈને, રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડી રામ, રહીમ ને ગૉડની એકતા આપોઆપ સિદ્ધ કરત. હજીયે ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂઝે તો ખોટું નહિ.
પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ બત્રીસ ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા-ઊના, તીખા-ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું: આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં, જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કર્યે જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો, ને મન ને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે, અને સુખી થવું હોય તો મનુષ્યે સંસારમાં જલકમલવત્ નહિ પણ મુખજીભવત્ રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલ્યે સંભળાવે છે.