ગુજરાતી બાળવાર્તા સંપદા/ખડીંગ ખડીંગ

From Ekatra Wiki
Revision as of 03:15, 13 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખડીંગ ખડીંગ !

એક હતો છોકરો. કોણ જાણે શું નામ હતું એનું. હા, એ ખડખડાટ હસતો એટલે બધા એને ખડખડ કહેતા. ખડખડ એક વાર સાવ નવરો ધૂપ હતો. કરવું શું ? એની પાસે દસ રૂપિયાના સિક્કા હતા. એ ખિસ્સામાં ભરીને ઊપડ્યો ગામની બહાર. ધૂળિયા રસ્તાની પડખે એક ઝાડ હતું. ઝાડ નીચે બેસીને ખડખડે ખિસ્સામાંથી સિક્કા કાઢ્યા. હાથની આંગળીઓ વાળીને તે પર અંગૂઠો રાખીને પછી સિક્કો ગોઠવ્યો. પછી અંગૂઠો ઝટકાવીને ઉછાળ્યો સિક્કો. થયો અવાજ : ખડીંગ ! આ તો ગમતો અવાજ ! એણે ખિસ્સામાંથી એક પછી એક સિક્કા કાઢવા માંડ્યા અને કરવા માંડ્યું : ખડીંગ ! ખડીંગ ! ખિસ્સું થઈ ગયું ખાલીખમ ! ફેંકેલા સિક્કા વીણવા પાછા ઊભું તો થવું પડે ને ! ખડખડને થયું : મારી પાસે ઘણા બધા સિક્કા હોય તો તો કલાકો સુધી ખડીંગ ખડીંગ કર્યા જ કરું ! કેવી મઝા પડે ! ત્યાં તો દૂરથી ધૂળની ડમરી દેખાઈ. એ તો પોતાની તરફ જ આવતી લાગી. ખડખડને બીક લાગી. એણે તો ઝટ સિક્કા વીણીને ઝાડના પાંદડાં વચ્ચે સંતાડી દીધા અને ધસતી આવતી ડમરી બાજુ જોવા લાગ્યો. હવે અવાજ સંભળાયો : ખદડુક... ખદડુક... ખદડુક.. ખડખડે ધ્યાનથી જોયું. પાંચ અસવારો ખચ્ચર પર બેસીને આવતા હતા. એ બધા નજીક આવ્યા એટલે ખડખડ બેઠો થયો. ઝાડ નજીક ગયો. ડાળ હલાવવા માંડી એટલે સિક્કા નીચે પડવા માંડ્યા : ખડીંગ... ખડીંગ... ખડીંગ... ખડીંગ... અસવારો તો ઊભા રહી ગયા. ચકળવકળ ચકળવકળ ઝાડ જોતા રહ્યા અને ખડીંગ ખડીંગ સાંભળતા રહ્યા ! ખડખડે તો સિક્કા વીણીને નાખ્યા ખિસ્સામાં અને બોલ્યો : ‘આજે આટલા બસ, કાઢવો નથી કસ !’ અસવારોનો સરદાર ધનવાન અને લાલચુ હતો. એ કહે : ‘બોલ ભાઈ, આ જાદુઈ ઝાડ વેચવું છે તારે ?’ ખડખડ કહે : ‘ના રે ભૈ, આ તો મારા બાપ-દાદાના વખતનું અમારું ઝાડ છે. એ વેચાય તો નહિ. ઠીક છે, સૂંડલો ભરાય એટલા સિક્કા આપો તો વિચારીએ; બાકી એ વેચાય તો નહિ.’ સરદારે સિક્કાની મોટી કોથળી ખડખડ તરફ ફેંકી : ખનનનન... ખડખડે તો ખડખડાટ હસીને કોથળી ઝીલી લીધી ને ઝડપથી ચાલવા માંડ્યું. ખડખડ જેવો થોડે દૂર ગયો કે લાલચુ સરદાર માંડ્યો ઝાડને ઝંઝેડવા. એને તો આજે ને આજે બધા સિક્કા લઈ લેવા હતા - ઘણા બધા સિક્કા ! ‘કાઢવો મારે કસ, થોડું ના થાય બસ !’ આમ બોલતો ઝાડ ઝંઝેડી ઝંઝેડીને થાક્યો; પણ ખડીંગ ખડીંગ ન થયું તે ન જ થયું ! સરદાર સમજી ગયો : પેલો તો મને મૂરખ બનાવી ગયો ! સરદારે પોતાના અસવારોને હુકમ કર્યો. ‘જાવ, પેલા લુચ્ચાને પકડી પાડો !’ અસવારો તો ઊપડ્યા : ખદડુક... ખદડુક... ખદડુક... રખડી રખડીને થાક્યા. નદીકિનારે આવ્યા. જોયું તો ઝાડ નીચે ભાતાનું પોટલું ને એની પડખે ઘોરતો હતો ખડખડ : ઘર.. ઘર... ઘર... ઘર... અસવારો પાસે એક ખાલી કોથળો હતો. ઝપટ મારીને ઝટપટ ખડખડને ખોસી દીધો કોથળામાં. કોથળાનું મોં બાંધી દીધું. હવે એને નદીમાં ફેંકી દઈએ એટલી જ વાર ! ત્યાં એક અસવારની નજર ભાતા પર પડી. એમાં તો લચપચિયા લાડવા હતા - ચકાચક ! ‘લાવો ત્યારે કટકબટક કરી લઈએ.’ ચારેય અસવારોનું પેટ ઠસાઈ ઠસાઈને ફાંદો થઈ ગયું ! ‘લાવો ત્યારે વાંસો લાંબો કરી લઈએ.’ ચારેય અસવારો સૂતા થાક્યા હતા બિચારા. માંડ્યા એ તો ઘોરવા : ઘર... ઘર... ઘર... ઘર... આ બાજુ ખડખડ જાગી ગયેલો. એણે કોથળામાં કાણું કર્યું. કાણું મોટું કર્યું. એમાંથી હાથ બહાર કાઢ્યા અને પછી જોર કરીને આખ્ખો કોથળા બહાર ! પછી કોથળાનું મોં ખોલીને ખચ્ચર પર જે કપડાં બાધેલાં હતાં તે કોથળામાં ભરી દીધાં અને તેનું મોં જેમ હતું તેમ બંધ કરીને પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો. એટલામાં ખદડુક ખદડુક કરતોકને સરદાર આવી પહોંચ્યો. એ બધાએ ભેગા થઈને કોથળો ફેંકી દીધો નદીમાં ! દાંત કચકચાવતોક ને સરદાર કહે : ‘બેટમજી હવે માછલીઓને મૂરખ બનાવજે !’ ત્યાં તો ઝાડ પાછળથી ખડખડાટ અવાજ આવ્યો : ‘માછલીને નહિ. તમારા જેવા માણસને મૂરખ બનાવાય, સમજ્યા ને ?’ બધાએ જોયું તો : ખડખડ ! આને તો હમણાં નદીમાં ફેંકેલો ને પાછો આવી ગયો ? આ તો જબરો જાદુગર લાગે છે ! ખચ્ચર પર ચડીને બધા જાય ભાગ્યા : ખદડુક... ખદડુક... ખદડુક... ખદડુક... ધૂળની ડમરી દૂર ને દૂર જવા માંડી ! ખડખડે તો ઝાડ પરથી સિક્કાનું પોટલું ઉતાર્યું, પલાંઠી મારી. હાથની આંગળીઓ વાળી ને તે પર અંગૂઠો રાખીને પછી સિક્કો ગોઠવ્યો. અંગૂઠો ઝટકાવીને ઉછાળ્યો સિક્કો. થયો અવાજ : ખડીંગ ! એણે તો કલાકો સુધી કર્યા જ કર્યું : ખડીંગ ! ખડીંગ ! ખડીંગ !