ગુજરાતી અંગત નિબંધો/ભૂખ અને તરસની ઇન્દ્રિયો
ભૂખ અને તરસની ઇન્દ્રિયો -- ચન્દ્રકાન્ત ટોપીવાળા
લોકો દશ ઇન્દ્રિયો ગણાવ્યા કરે છેઃ પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો. મારું ચાલે તો એમાં બીજી બે ઉમેરું. ભૂખની અને તરસની ઇન્દ્રિયો. આંખ જેમ દૃશ્યોને, નાક જેમ ગંધોને, કાન જેમ અવાજોને ગ્રહે છે તેમ ભૂખ અન્નને અને તરસ પ્રવાહીને ગ્રહે છે. આંખ વગર જોવું નકામું, નાક વગર સૂંઘવું નકામું, કાન વગર સાંભળવું નકામું, બરાબર એમ જ ભૂખ વગર ખાવું નકામું અને તરસ વગર પીવું નકામું બની જાય છે. એક અક્કરમી મળ્યો. કહે, ‘મને ભૂખ જ લાગતી નથી.’ મેં કહ્યું, ‘તમે જમતા નથી?’ ‘ના, જમું છું પણ મને ખ્યાલ ન રહે. જમ્યો હોઉં ને કોઈ પૂછે તો ખ્યાલ ન આવે કે હું જમ્યો છું કે નથી જમ્યો.’ આવા મન્દાગ્નિ કે સાવ નિરગ્નિનું મારે મન મોટું આશ્ચર્ય છે! અહીં તો એક એક ઘૂંટડે સો સો બુન્દ છલકે છે અને એક એક કોળિયે શતશત ખંડ ઓગળે છે. કદાચ, મારી તરસની ઇન્દ્રિય ક્યારેક પાછળ રહી જતી હશે, પણ મારી ભૂખની ઇન્દ્રિયનું તો પૂછવું જ નહીં. કોઈના લગ્નની કંકોતરી આવે અને મને સાચે જ પેટમાં ફાળ પડે છે. વાડીઓ ગઈ અને પાર્ટીપ્લોટો આવી ગયા, પાટલાઓ ગયા અને જૂજ ખુરશીઓ આવી ગઈ, થાળીઓ ગઈ અને પ્લેટો આવી ગઈ, પંગતો ગઈ અને લાઈન આવી ગઈ, પ્લેટ લઈ, લાઈનમાં ઊભા રહી વાનગીઓ પ્લેટમાં સમાવવાની. ખુરશી ન મળે, અને ઝાઝે ભાગે ન જ મળે, તો ઊભા રહેવાનું. આમતેમ ફરવાનું. એક હાથે પ્લેટ ઝાલી બીજા હાથે ખાવાનું. ચમચી છટકે નહીં, કપડાં બગડે નહીં, પગ લથડે નહીં એમ બધું જાળવવાનું, ભૂખની સાથે તલ્લીન તો થવાનું જ કેવું? સાથેનો કોઈ વાતોડિયો વાતોએ વળગ્યો હોય એની જોડે મોં ખોલતાં જઈ બોલતાં જવાનું અને ખાતાં જવાનું. ભલા ભાઈ, આ તે કોઈ જમવાનું છે! મારે મન ભીમની ભૂખનું પણ માહાત્મ્ય છે અને વિદૂરની ભાજીનું પણ માહાત્મ્ય છે. ભૂખ સુ-ગ્રાહી તો જોઈએ પણ સાથેસાથે સૂક્ષ્મગ્રાહી પણ જોઈએ. પેલી ટૂંકી વાર્તામાં આવે છે તેમ ઓરડાને ઘાસભૂસાથી નહીં, અજવાળાથી ભરવાનો છે. કોઠાને ભરવાનો નથી, કોઠો અજવાળવાનો છે. ફાસ્ટ ફૂડે અને જન્ક ફૂડે તો કોઠામાં અંધારાં ઠલવાય છે! કેટલાક શેખી મારે છે. પણ એમણે ખોટો કોઠો જ સ્વીકાર્યો છે અને પોતાનો કક્કો ખરો કરે છે. કહે છે : ‘મને તો ચા બનાવતાં પણ આવડતું નથી. જિંદગીમાં મેં ક્યારેય ચા બનાવી નથી.’ અલ્યાઓ, ગરમ પાણીમાં ઊકળતી ચા, પછી રેડાતા દૂધ પછીનો બે પળે આવતો ઊભરો અને પછી સૉડમ કડક મીઠી... આનો તમને કોઈ અનુભવ છે ખરો? ક્યારેક સાણસી પકડી છે? ક્યારેક તવેથો હલાવ્યો છે? ક્યારેક ઝારો ઝાલ્યો છે? માફકસરનું પાણી નાખતા જઈ રોટલી, પૂરી કે ભાખરીનો લોટ બાંધ્યો છે? શાક સમાર્યું છે? આમાંનું કંઈ કર્યું છે? નથી કર્યું ને? તો તમે ભૂખની ઇન્દ્રિયની બીજી બાજુને જોઈ નથી. ભૂખ જઠરથી શરૂ થતી નથી. રસોડાથી શરૂ થાય છે. શુદ્રકના ‘મૃચ્છકટિકમ્’ નાટકના ચોથા અંકમાં ચારુદત્તે મોકલેલો હાર લઈને વિદૂષક મૈત્રેય, વસન્તસેનાના પ્રાસાદે પહોંચે છે, તે પ્રસંગ યાદ કરો. વસન્તસેનાની ચેટી ખંડો વટાવતી વટાવતી વિદૂષકને પાંચમા ખંડમાં લાવતાં, વિદૂષક મૈત્રેય પોકારી ઊઠે છેઃ કહે છેઃ ‘આ પાંચમા ખંડમાં ભૂખને ઉત્તેજિત કરી મૂકતો તેલહિંગનો જબરદસ્ત વઘાર પ્રસરેલો છે. રસોડું આખો દિવસ ધગતું રહે છે. રસોડાનું બારણું જાણે કે મોં હોય એમ એમાંથી ભાતભાતની સોડમ સાથે વરાળ ઉચ્છ્વાસની જેમ બહાર નીકળતી રહે છે. જાતજાતની બનતી વાનગીઓનો મઘમઘાટ મારી ભૂખને ઉશ્કેરી રહ્યો છે.’ - હું તો કહીશ કે જે કેવળ જમે છે તે અધૂરું જમે છે. સર્વેન્દ્રિયથી જમે છે તે જમે છે. જે બનાવે છે, બનાવતાં બનાવતાં વાનગીઓના ઉચ્છ્વાસને શ્વાસમાં લે છે, તે જમે છે. પૂરું જમે છે. એમ જે જમ્યો નથી તે ક્યારેય જમ્યો નથી. આથી જ મારું યુનિવર્સિટી શિક્ષણનું હંમેશાં એક સ્વપ્ન રહ્યું છે. પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં આહારવિદ્યા અને રાંધણકલાના ફરજિયાત પાઠ દાખલ કરો. વ્યક્તિ સ્વયંપાકી બને એનું શિક્ષણ આપો. વ્યક્તિ પોતાની રસોઈ પોતે કરે, પૂરું જમે અને અંતે મુક્તિ હાંસલ કરે... આહાર જેવું કોઈ સૌખ્ય નથી. સા વિદ્યા યા મુક્તયે.
[‘મારો આતમરામ’,૨૦૦૯]