ગુજરાતી અંગત નિબંધો/સ્પર્શ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦
સ્પર્શ -- લાભશંકર ઠાકર



ગુજરાતી અંગત નિબંધો • સ્પર્શ – લાભશંકર ઠાકર • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


સ્પર્શ વિશે લખવાની તત્પરતા છે. ‘સ્પર્શ’ એ વિષય છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય છે. જ્ઞાનેન્દ્રિયોના વિષય માટે પ્રાચીનો ‘અર્થ’ શબ્દ પણ વાપરે છે. જગતનું, વિશ્વનું આકલન આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરીએ છીએ. જગત (જગતના પદાર્થો) ઉષ્ણ અને શીત છે તેનું જ્ઞાન આપણને સ્પર્શની ઇન્દ્રિય દ્વારા થાય છે. પદાર્થો લીસા છે કે ખરબચડા, સ્નિગ્ધ છે કે રુદ્ર તેની જાણ પણ સ્પર્શની જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે. સ્પર્શની ઈન્દ્રિયનું આશ્રયસ્થાન છે ત્વચા. લીસા, મુલાયમ, સુંવાળા, સ્નિગ્ધ પદાર્થોનો સ્પર્શ અનુભવ કરાવે છે. શિયાળામાં કોકરવરણો તડકો કેવી મીઠી હૂંફ આપે છે! ન્હાવાનું પાણી પણ હૂંફાળું હોય તો ગમે છે. આ સ્પર્શ ‘સુખોષ્ણ’ હોવો જોઈએ. સુખ થાય એવો ઉષ્ણ હોવો જોઈએ. ઉનાળામાં શીતલ સ્પર્શની અભિલાષા થાય છે. સહશયન કરતા પ્રિયજનનો ઉષ્ણ સ્પર્શ શીતકાલમાં ગમે છે. તો ગ્રીષ્મમાં પ્રિયજનનાં ગાત્રો શીતલ હોય તો વહાલાં લાગે છે. શકુન્તલા દુષ્યંતને પ્રેમપત્ર લખે છે. એ સમયે કાગળ અને લેખિની શોધાયાં ન હતાં. ‘લિખ’ ધાતુ પરથી ‘લેખન’ શબ્દ આવ્યો છે. એ ધાતુનો અર્થ થાય ‘ખોતરવું.’ શકુન્તલા કમળના પાંદડા પર ખોતરીને લખે છે. કમલપત્રના સ્પર્શનું કાલિદાસે વર્ણન કર્યું છે. કેવો છે એ સ્પર્શ? સુકુમાર સ્પર્શ છે. કોના જેવો સુકુમાર? ‘શુકોદર–સુકુમાર નલિનીપત્રમ્‌.’ શુક (પોપટ)ના ઉદર જેવું સુકુમાર છે નલિની (કમલિની) પત્રમ્‌!

સ્પર્શની કવિતાઓ તો અપરંપાર છે. યાદ કરવા બેસું તો આ ક્ષણે બધી કંઈ યાદ ન આવે. એમ જ અનાયાસ મનમાં ઊપસી આવે છે સર્વપ્રથમ તે બળવંતરાયના એક સૉનેટની પંક્તિ :

"ગોરું, ચૂસે અખૂટ રસથી
અંગૂઠો પદ્મ જેવો."

કવિ સુન્દરમ્‌નું ‘પુષ્પ થૈ આવીશ’ કાવ્ય યાદ આવી જાય છે. કવિ કહે છે :

હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં.
વૃક્ષ નીચે તું નાનું બાળ રમતું હશે ત્યારે —
હું ટપ દઈ તારા શિરે ટપકીશ —

માથા પર ખરતા ફૂલનો મૂદુ સ્પર્શ અહીં અનુભવાય છે. [...] પ્રિયકાન્ત મણિયારનું ‘અશ્વ’ નામનું સુંદર કાવ્ય છે. સ્ટૅન્ડ પર ઊભી રહેલી ઘોડાગાડી પર પડતા અષાઢના ધોધમાર વરસાદના વર્ણનમાં સ્પર્શથી અનુભવાય એવાં અનુપમ વર્ણનો છે. બ્રશ સમી કાપેલ ઘોડાની કેશવાળીમાં તો જળ કેટલું રોકાય? લિસ્સી રુવાંટી પરથી વહેલા અને અશ્વની કાંધ પરના ભારમાં, સામાનમાં ભરાયેલા જળનું વર્ણન સ્પર્શાનુભૂતિ કરાવે છે. ઍક્વૅરિયમમાં પુરાયેલી માછલીની સૃષ્ટિનું નિરંજન ભગત સ્પર્શશમ ચિત્ર આપે છે :

"અહીં કઠોર, કાંકરેટ કાચની
નઠોર, જૂઠ સૃષ્ટિ, આ ન સાચની."

‘ઠકાર’ અને ‘ટકાર’ અહીં શ્રવણીય કઠોર સ્પર્શનો અનુભવ કરાવે છે. સત્યજિતની સર્વપ્રથમ ફિલ્મ ‘પથેરપાંચાલી’માં અષાઢના પ્રથમ વરસાદના પ્રથમ ફોરાનો સ્પર્શ, સત્યજિતના ટિપિકલ હ્યુમર સાથે ચાક્ષુષ થયો છે. તળાવકાંઠે કળશિયો માંજવા બેઠેલા એક ટાલિયાના મસ્તક પર પ્રથમ ફોરું ઝિલાય છે અને સત્યજિત કૅમેરાની આંખથી એ ફોરાને જોઈ રહે છે. સ્પૅનિશ ભાષાના પ્રસિદ્ધ તત્ત્વચિંતક ઑર્તેગાનું પુસ્તક ‘મૅન ઍન્ડ પીપલ’ આજકાલ વાંચી રહ્યો છું. ઑર્તેગા એક જગ્યાએ કહે છે કે દૃષ્ટિને સહુથી વધાર મહત્ત્વની ઈન્દ્રિય માનવામાં ગંભીર ભૂલ છે. ‘સ્પર્શ’ જ, મનોદૈહિક દૃષ્ટિબિંદુથી, પ્રથમ, આદ્ય જ્ઞાનેન્દ્રિય હોવાનો વધારે સંભવ છે. જગતના અન્ય પદાર્થોની અલગતા, ભિન્નતા ધીમે ધીમે સ્પર્શથી પમાય છે. બીજા પદાર્થો સાથેના સંયોગનું નિર્ણાયક સ્વરૂપ ખરું જોતાં સ્પર્શ છે. જગતમાં બંધારણનું અનિવાર્યપણે સહુથી વધારે નિર્ણયાત્મક કારણ સ્પર્શ, સ્પર્શથી થતો સંપર્ક છે. [...] ગર્ભાશયમાં વિકસિત બાળકના સર્વપ્રથમ ઈન્દ્રિયાનુભવો હશે તે સ્પર્શના જ હશે ને? જનનમાર્ગમાંથી અવતરતા અને બહારના હાથોમાં ઝિલાતા અને વ્યવસ્થા પામતા નવજાત શિશુના આદ્ય અનુભવો પણ સ્પર્શના હશે ને? માતા-પિતા-વડીલોના દર્શન કે શબ્દથી બાળક સલામતી (સિક્યુરિટી)નો ભાવ અનુભવે છે, પણ વિશેષ સલામતી, રક્ષણ તો સ્પર્શથી જ અનુભવે છે. અસલામતીની ક્ષણોમાં બાળક માબાપને વળગી પડે છે, ચોંટી જાય છે. ઈન્જેક્શન લેવા માંડ માંડ તૈયાર થતું બાળક માતા કે પિતાને કહેતું હોય છે : ‘તમે મને પકડી રાખો.’ અત્યંત દુઃખથી ક્ષણોમાં માણસના માથે-ખભે-બરડા પર હાથ મૂકવાથી અને પંપાળવાથી જે આશ્વાસન મળે છે તે શબ્દથી મળતું નથી. રતિ-કામના સાદ્યન્ત અનુભવમાં બીજી ઈન્દ્રિયોનો ફાળો તો ખરો જ, પણ સ્પર્શ એમાં પરાકોટિનો અનુભવ કરાવે છે. મનોદૈહિક ચેતનાને તીવ્રતમ જાગ્રત કરવામાં સ્પર્શની ઈન્દ્રિય નખ-શિખ, સર્વવ્યાપ્ત છે. આમ સ્પર્શની ઈન્દ્રિય વ્યાપક છે. આયુર્વેદમાં ‘સ્પર્શ’ શબ્દ મન તથા જ્ઞાનેન્દ્રિય માત્રના પોતપોતાના વિષય સાથેના સંસર્ગમાં વ્યાપક અર્થમાં પણ પ્રયોજાયો છે. આ વ્યાપક અર્થમાં જ્ઞાનેન્દ્રિય એક જ છે, અને તે સ્પર્શનેન્દ્રિય. કવિ નિરંજન ભગત કહે છે : લાવો તમારો હાથ, મેળવીએ. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો છે. બે મનુષ્ય હાથ મેળવે છે ત્યારે એમાં પરસ્પારના હૃદયના ભાવ ભળે છે. સ્પર્શમાં હૃદયનો થડકાર અને ઉષ્મા છે.

[સંપાદિત]
[‘ક્ષણ-તત્ક્ષણ’,૧૯૮૯]