પન્ના નાયકની કવિતા/૧૮ હાઈકુ
Jump to navigation
Jump to search
૪૦. હાઈકુ (૧૮)
પતંગિયાને
પુષ્પોનો મખમલી
ગમે ગાલીચો
બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર
અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો?
છાબડીમાંનાં
પારિજાત, વીણેલાં
પરોઢ-ગીતો
દરિયો આખો
માછલીનાં આંસુથી
થૈ ગયો ખારો
ઊપડે ટ્રેન—
ફરફરી ના શકે
ભીનો રૂમાલ
સૂર્યનીડેથી
કિરણ તણખલાં
આંગણે સર્યાં
ખાબોચિયામાં
છબછબિયાં કરે
ઊનો તડકો
વાતાનુકૂલ
ઇમારતો, અંદર
હવા કણસે
ઉકેલું છું હું
એના ચૂમ્યા હોઠની
મરોડલિપિ
ઉંબરો ઊંચો—
ના ઓળંગી શકતો
શિશુતડકો!
સૂના ઘરમાં
બા-બાપુ સ્મૃતિ-ઠેસે
હીંચકો ઝૂલે
ગાગર ભરી
શકું એટલાં, મળે
ઝાકળટીપાં?
નીરવ નીરે
નાવ સમ તરતું
પ્રિયનું નામ
તડકો કૂદે
ઘાસઘાસમાં, જાણે
પીળું સસલું!
નર્તન કરે
સાગરમોજાં, પ્હેરી
ફીણ-ઝાંઝર
ફૂલની નૌકા—
પતંગિયાની પાંખો
મારે હલેસાં!
પવન કરે
વાતો, બેવડ વળી
ડાળીઓ હસે