રાજેન્દ્ર પટેલની કવિતા/શિકારીઓ જ શિકારીઓ

From Ekatra Wiki
Revision as of 03:03, 25 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૯. શિકારીઓ જ શિકારીઓ...

આંખ ખોલીને જોઉં છું,
તો, ચારેબાજુ શિકારીઓ જ શિકારીઓ.

પહેલાં જંગલમાં જવું પડતું
શિકાર ને શિકારી જોવા.
હવે તો બારણું ખોલતાં જ, સામે શિકારી!
વહેમ થાય, શું આપણે તો શિકારી કે શિકાર નથી ને?

– કે પછી આપણે
મારણ તો નથી બન્યા ને કોઈના
આપણી જાણ બહાર?
દર્પણમાં દરરોજ આપણે જ
શિકાર ને શિકારી હોઈએ છીએ,
પણ મારણ ક્યાં?

ડગલે ને પગલે પીછો કરતો
પેલો પડછાયોય હવે સારો લાગે છે,
ત્યારે આંખ આગળ વસ્ત્ર ખેંચનાર સામે
તોય કેમ નતમસ્તક છીએ આપણે?

તારણ તો એ છે
મારણ છે આ ક્ષણ જ શ્વાસના દીર્ઘ પટ પર.
આપણી સાવ લગોલગ
એકદમ વચ્ચોવચ
એક ફેણ વગરનો સુંદર સાપ કેમ સર્યા કરતો લાગે છે?

દૂધ પિવડાવી પિવડાવી તીવ્ર કર્યાં છે
તેનાં રંગબેરંગી ઝેર.
નહોર હોય તો વાગે તેની તીક્ષ્ણતા
આ તો હળવે હળવે હળાહળ મહાવિષ
લોહીને બદલે ફરતું થયું છે
તેનીય નથી કરી કોઈ તમા!

શિકારી ઘણી વાર પોતે જ પોતાનો શિકાર કરી નાખે છે
તે વાત હવે સામાન્ય છે
આ ઘનઘોર સ્કાયસ્કેપરોનાં જંગલોમાં.

જંગલ હોય તો ઝટ નીકળી જવાય બહાર
આ વન વિનાના વનની
આંટીઘૂટીમાં
અજવાળામાંય ભૂલા પડેલા
ભૂધારીઓ જ છે માત્ર છેડો
આ કેડીનો.
ત્રાડ પાડતો ખૂનખાર સાવજ સારો,
લપલપતી જીભવાળાં હિંસક વરુઓનું ટોળુંય ઠીક છે ભાઈ,
પણ અંદરની ગહન ગુફામાં
છુપાયેલા અંધકારનું શું?

આપણી ત્વચાને અડીને ઊભેલાં
ધીરે ધીરે હાડમાંસમાં સરી જતાં
એ જળ સ્વરૂપો,
બાવડું ઝાલી ડુબાડે
કોઈ ગોઝારી વાવના અવાવરુ પાણીમાં...

એ અંધકારના પાશનું છે કોઈ કારણ?
કે પછી આપણે જ આપણને
ભીંસીએ છીએ કોઈ કારણ વગર?

વનના શિકારી પરિશ્રમ અને પરંપરાને પગલે પાગલ છે
ક્ષણોના સસલાઓ પાછળ,
આ વન વિનાના શિકારીઓએ
ઉજ્જડ કરી નાખ્યું છે જીવતું જે કંઈ છે
તે સઘળું.
સબ સલામતની ઘોષણા કરતા
કાળા ધોળા અવાજો
પોતે બની ગયા છે કાળનો કોળિયો
અને સતત બનાવી રહ્યા છે
જે સાથે છે તે તમામનો ધીરે ધીરે કરે છે શિકાર
અથવા તેમને પણ બનાવી દે છે શિકારી!

જનાવર હોઈએ તો કોઈ જનાવર
તરાપ મારે.
ઉદર અર્થે કોઈ છલાંગ વાગે.
આજના શિકારીઓ ગમે તેટલું આરોગે
તોય ભૂખ્યાડાંસ.
નિતનવાં ભક્ષણ કરવાનો
અને જેમ વધુ જમે તેમ વધુ જાગતી ભૂખને
શરણ જઈ પોતાનોય શિકાર કરવાનો બેકાબૂ બનેલો શોખ
માણસ વગર વેરાન કરી દીધી છે આ ભૂમિને.

કોઈ સાધન વગર, કોઈ મારણ વિના
માત્ર રેતઘડીની સરતી રેતકણની
પૂતળીઓ બની
ખાઈ જાય છે
જગતે સર્જેલી સુંદર સુંદર ક્ષણો.
જરૂરી નથી શિકારીઓ જંગલમાં હોય
કે તમારા વાડામાં.
એ તો છલાંગ મારવા સદા તૈયાર હોય છે
પોતે જ પોતાની સામે.

– છતાંય
શિકારી અને શિકાર
રેત અને જળ
કાળ અને શૂન્યાવકાશ
સઘળાં છે એક દ્વાર
બીજા દ્વાર ભણીનાં...
જે જાણે છે આ, એ શિકારી બનવામાંથી બચે છે
આ જંગલમાં
અંધકારમાં ઓગળતા આ આકારો જ
હોય છે, કદાચ,
એકમાત્ર જીવતી જણસ.
આ વન વગરના મનમાં
અને મન વિનાના વનમાં.