ગુજરાતી અંગત નિબંધો/ખિસકોલીઓ

From Ekatra Wiki
Revision as of 15:09, 7 September 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૬
ખિસકોલીઓ -- પ્રવીણ દરજી



ગુજરાતી અંગત નિબંધો • ખિસકોલીઓ – પ્રવીણ દરજી • ઑડિયો પઠન: પાર્થ મારુ


ઋતુઓ આટલી ક્યારેય અનિયમિત નહોતી. એ બધી શું માની બેઠી હશે એમની જાતને! જાણે હવે એમને કોઈ નિયમ-બિયમ રહ્યા જ નથી. ઘડીકમાં આગ ઓકતું ગ્રીષ્મનું ચંડ મુખ નજરે પડે છે, તો ઘડીકમાં ક્‌હાનાની બંસીના સૂરો બનીને વર્ષા આવી પડે છે. ક્યારેક એમ થાય કે ના, આ પવન વહી આવે છે એ દક્ષિણનો જ હશે – પણ માંડ એવું વિચારો ન વિચારો ત્યાં તો આંતર-બાહ્ય શેકી નાખે તેવો ઘામ શરૂ. પાનખર અને વસંતે પણ જાણે જરા જુદી રીતે દોસ્તી કરી દીધી લાગે છે. ક્યારેક બંનેની સરહદો નક્કી કરવાનું મુશ્કેલ બની જાય છે. આ અનિયમિતતાની વાતને હજી આગળ ચલાવી શકાય તેમ છે, કારણ કે એક જ દિવસમાં આ ઋતુઓ ભાતભાતનાં નખરાં કરે છે. જાદુગરણી જેવીઓને કહેવું તો શું કહેવું! ના, એમની સામે કશી ફરિયાદ કરવા હું આ વાત તમને નથી કરતો. એક જુદા જ કારણસર આજે જરા આ બળાપો કાઢ્યો છે. વાત એમ છે કે વર્ષા પછી શરદના ટાણે, જ્યાં સાંજુકે સમયે રોજ હું બેસું છું, એ નજર સામેની પાળ ઉપર, થોડાંક કપોત-યુગલો આવીને બેસતાં હતાં. ક્યારેક એમની હાજરીમાં તો ક્યારેક એમની ગેરહાજરીમાં ચકારાણા-ચકીરાણી પણ દરબાર ભરીને બેસતાં. આ વખતે છેલ્લા કેટલાક દિવસથી પેલાં કપોત-યુગલો ગાયબ થઈ ગયાં છે. સ્વચ્છ આકાશ નીચે, સ્વચ્છ પાળી ઉપર એમને અનેક વાર અહીંતહીં ઘૂમતાં જોયાં છે. ક્યારેક નર્યાં પ્રેમનિરત, ભોળાં, તો ક્યારેક દર્પીલા ઘર્ઘરાટ સાથે. આખી સાંજ એમની વિવિધ ચેષ્ટાઓ નિહાળવામાં ખર્ચી નાખવાનું મન થાય એટલું એમાં વૈવિધ્ય, ચકારાણા-ચકીરાણીના દરબારની મજા પણ કંઈક ઑર રહેતી. કોઈ ગુસ્સાવાળું નવુંસવું યુગલ પરસ્પરને સાંભળ્યા-સમજ્યા વિના એકબીજા ઉપર ઊંચે સાદે બોલી ગુસ્સો ઠાલવતું હોય – એવું એક મધુર ચિત્ર ખડું થાય. ગુસ્સો ખરો પણ પળ-વિપળ. થોડીક વારમાં તો પાછાં એકએકમાં ઓળઘોળ. એમની પહોળી થતી ચાંચો, ગળા નીચે ફૂલી જતો ગાદી જેવો ભાગ અને પાંખોનો અંદરના આવેગ પ્રમાણેનો ફફડાટ એ બધું નોંધીએ તો જાણે એમ લાગે કે આ લોકો હવે છૂટાછેડા લઈ લેશે. હમણાં જ કોઈ વકીલ મારફતે એની કાર્યવાહી શરૂ કરશે. હવે આ બે જણ, જે રીતે ગુસ્સો પ્રકટ કરી રહ્યાં છે એ જોતાં ક્યારેય મળવાનું વિચારે જ નહીં. પણ આપણે આપણી બધી ગણતરીઓમાં ઊંધા પડી જઈએ. એ બે જણ તો થોડીક વારમાં એકબીજાની ચાંચમાં ચાંચ મૂકી પાછાં મસ્ત! આપણે એમના વિશે કશું વધુ વિચારીએ તે પહેલાં તો હસતાંહસતાં આપણી પાસેથી ફર્‌ર્‌ર્‌ર્‌ કરીને ક્યાંક તે ઊડી જાય છે. પંખીઓની બાબતમાં આમ આપણે છેતરાઈ જઈએ છીએ. પણ આ છેતરાવાનો આનંદ લૂંટવા જેવો છે. સાંજનો થોડોક સમય આવી રીતે છેતરાવા માટે વર્ષોથી અલગ કાઢી રાખ્યો છે. હં... આપણે થોડાક આડે પાટે ચઢી ગયા. મનમાં એક બીજી જ વાત અત્યારે રમ્યા કરે છે. અત્યારે પેલી છદ્મી સાંજ છે. એ જ પાળની સામે ખુરશીને અઢેલીને બેઠો છું. શરદનું શુભ્ર આકાશ છે. પણ પેલાં કપોત નથી, પેલી ચીંચીં કરતી ચકલીઓ નથી. આમ બનવાનું કારણ મને પેલી ઋતુઓનો સ્વેચ્છાવિહાર લાગે છે. એમના એવા જાતજાતના નાટારંભથી પેલાં કપોત કે પેલી ચકલીઓ જરૂર ભ્રમિત થયાં લાગે છે. એટલે તો હમણાંથી એમને આ બાજુ ફરકતાં જોતો નથી. એમની પેલી ચેષ્ટાઓને ફરીથી નીરખવા મન વિહ્‌વળ બની ગયું છે. બોલો, ઋતુઓ સામે પછી બળાપો કાઢવાનો અધિકાર ખરો કે નહીં? પણ હમણાંહમણાં એક નવી ઘટના બનતી રહી છે. પેલી પાળ ઉપર એક બીજું વિશ્વ રચાવું શરૂ થયું છે. ઝાડ કે ઝાડની આસપાસ આંટા માર્યા કરતી કે તેની ઉપર ચઢ-ઊતર કર્યા કરતી ખિસકોલીઓ પિયર જેવા વૃક્ષને છોડીને આ પાળ ઉપર આંટા માર્યા કરે છે. પાળ ઉપરથી છેક બેઠક-ખંડમાં, અથવા તો પાળ ઉપરથી એકદમ માછલીની જેમ સરકીને સામેના ઘરના છાપરા ઉપર એમ એમની આવન-જાવન ચાલુ થઈ છે. ક્યારેક છેક બાથરૂમની જાળીમાં મૂકેલાં બ્રશ-ટૂથપૅસ્ટ કે ઊલિયાને પણ તે રમણભમણ કરીને નીચે પાડી નાખે છે. આજે એનો વિહાર છેક દીવાલ ઉપર ટીંગાળેલી ઘડિયાળ સુધી લંબાયો! એમાં એક જરા મોટી-લાંબી છે. બીજી ત્રણેક હજી ઘડતરદશામાં લાગે છે. કદાચ પેલી મોટી-લાંબીનો જ એ પરિવાર હોય અથવા તો એનું સખીવૃન્દ હોય! શકુન્તલાઓને પ્રિયંવદાઓ હોય ને! પેલી ત્રણ છે તો મોટીના જેવી જ ચપળ પણ જરા ગભરુ. સરકી જતાં પહેલાં આમતેમ આંખોને એ ઠેરવી લે છે. લાગ મળે એ ઇપ્સિત જગાએે ઘૂસ મારી દે છે. ને ભય જેવું જણાય તો પુચ્છને આમતેમ કરીને સામેની પેલી સુરક્ષિત છતવાળી જગાએ તેઓ – ના, તેણીઓ ચાલી જાય છે. પેલી મોટી-લાંબી સહેજ જમાનાની ખાધેલ લાગે છે. એ તો નિરાંતે પાળ ઉપર લટારો માર્યા કરે છે. થોડો ઘણો ખખડાટ-ભભડાટ થાય તો કાન સરવા કરી લે છે, પણ આંખો ઉલાળતી-ઉલાળતી એ જવું હોય ત્યાં જઈને જ જંપે છે. વહાલમાં એને હું બદમાશ કહું તો માફ કરજો. ભારે ચતુર છે એ! જુઓ, અત્યારે આંખો તંગ કરી, મોં ખુલ્લું રાખી આગળના બે પગ ઊંચા કરી એ કશો અનુનય કરી રહી છે. એના મોંનો રતૂમડો – માખણ જેવો પોચોપોચો ભાગ જોયો? કશુંક ખાવાના મૂડમાં છે અત્યારે એ! કાન તો એના આ બધી વેળા સરવા ને સરવા જ. અને પાછળની પેલી પૂંછડી? હલ્યા કરે છે સતત – એની બધી મુસ્કાનને ઝીલીને. રામાયણના વાલ્મીકિને આવી જ કોઈ કોમળ-કોમળ ખિસકોલી સ્પર્શી ગઈ હશે ને? વાલ્મીકિને જ નહિ, કોઈને પણ સ્પર્શી જાય એવું આ ખિસકોલીઓનું જગત છે. એની નાજુક-મૃદુ પીઠ ઉપર એક વાર હાથ ફેરવવા મળે તો? ખિસકોલીઓનું પેલું આખું જગત ઊઘડી રહે – કોમળ... કોમળ... કોમળ... આપણા ઉમાશંકરે તો એની પીઠ ઉપરના પટાને રામની આંગળીઓનાં જ ચિહ્નો લેખ્યાં છે ને! રામનો સ્પર્શ પામેલી ખિસકોલીઓ આવી ચંચળ, વીજળિક ગતિવાળી જ હોય ને? અત્યારે એ કોમલાંગીઓમાંની ત્રણ નીચે દોડાદોડ કરી રહી છે, ને પેલી મોટી હજી પાળ ઉપર જ આસનસ્થ છે. ઘડીકમાં એ પણ સરકી જશે – અહીં-તહીં ક્યાંક... છેલ્લા કેટલાક દિવસોથી આ પાળ ઉપર હવે એમના ડેરા-તંબૂ છે. એમને જોતાંજોતાં ઘણી વાર એવો વિચાર આવે છે કે કોઈક નાના-નાના પગે દડબડ-દડબડ દોડી રહ્યું છે, કોઈક દાદાજીનો ડંગોરો લઈને ઘોડોઘોડો રમી રહ્યું છે. કોઈકના મોટા જોડામાં નાના નાના પગ નંખાયા છે ને તે ઘસડાતું ચાલે છે, કોઈક ટાબરિયું જાણે કે નિશાળેથી આવીને દફતર ફેંકીને ઝટ દોડતું આવી, ઝાડ ઉપર આંબલી-પીપળી રમી રહ્યું છે. એક ભોળોભોળો ચહેરો ખિલખિલ હસ્યા કરે છે. પેલી ખિસકોલીની જેમ એ પણ એના બે હાથ-મોં પાસે લાવીને આનંદવિભોર બનીને કશુંક બટકાવે છે. પાળ ઉપરની ખિસકોલી હવે સરકી ગઈ છે પેલી છત તરફ. પેલી ત્રણ નાજુક હજી વરંડામાં – બારણા પાછળ સંતાકૂકડી રમ્યા કરે છે. પેલી મોટી ફરીથી કદાચ પાળ ઉપર પાછી આવશે. પણ હવે ધીમે ધીમે શરદનું આકાશ શ્યામ થતું જાય છે. સાંજ ઢળતી જાય છે. ખિસકોલીઓ પાછી એમના ઘરમાં જતી રહેશે – પણ અહીં હવે ચિત્ત પ્રસન્ન છે. ખિસકોલીઓની એમાં ચઢ-ઊતર ચાલુ છે ને સાથે એક બીજી ચઢ-ઊતર પણ. પણ જવા દો એ વાત... પેલી ઋતુઓની અનિયમિતતા સામે હવે બળાપો કાઢવો નથી. સંભવ છે એની અનિયમિતતાએ જ કદાચ આ ખિસકોલીઓના કોમળકોમળ જગતને આજે અંકે કરી આપ્યું હોય એમ બને ને?

[‘લીલાં પર્ણ’, ૧૯૮૪]