ગુજરાતી અંગત નિબંધો/ફિલ્મી ગીતો

From Ekatra Wiki
Revision as of 20:22, 7 September 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી



ગુજરાતી અંગત નિબંધો • ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી • ઑડિયો પઠન: મનાલી જોષી


અમદાવાદમાં એક બુક બેંકના લાભાર્થે ગાયકવૃંદનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રાખ્યો હતો. કલાકારો જુદાજુદા ગામના, જુદાજુદા વ્યવસાયના હતા. એમાં ઉચ્ચ કુટુમ્બની ગૃહિણીઓ પણ હતી. જૂનાં-નવાં ફિલ્મી ગીતો તે તે મૂળ ગાયક-ગાયિકાને લગભગ મળતા સ્વરમાં, લગભગ એ જ અદાથી, રજૂ થયે ગયાં. વીસેક વાદ્યોનો સાજ પણ મદદમાં હતો. હળવા સંગીતની સાધના ઠીકઠીક આગળ વધી છે. તેનું મારા જેવાને તો પહેલી વાર દર્શન (? શ્રવણ) થયું. મારી વાત તો કરવા જેવી ભાગ્યે જ હોય. આખું ગામ એક ગીત ગાઈ-ગુંજીને ફેંકી દે અને બીજું અપનાવે તે પછી મારા કાને પડે તો પડે. સમજીને કુદરતે ખુલ્લા રાખેલ બબ્બે કાન શી રીતે દીવાલો રચીને ‘બહેરા-ભીંત’ બની શકતા હશે એ તાજુબીની વાત છે. વરસો પહેલાં દીવાબત્તી-ટાણે શહેરની સડકને આરે ચાલતા નાગાપૂંગા બાળકને મોંએ ‘તેરે હવાલે’ મેં પહેલીવાર સાંભળેલું. એ જ રીતે રસ્તે ચાલતા બે ચીંથરેહાલ કિશોરોના તરવરિયા અવાજમાં ‘ચલ, ચલ રે નવજવાન’ સાંભળેલું. મારી નાની દીકરીએ અગાશીમાં ‘ચાંદ, છિપ ના જાના’ ગાયું ત્યારે એ લોકપ્રિય થયેલા ગીતનો પરિચય થયો. આ બાબતમાં પાછળ રહેવામાં મેં સારી નામના મેળવી છે! એક સંસ્થામાં અમે ગયેલાં ત્યાં સાહિત્યિક ભાષણ આપતાં ‘નવા યુગ’ ને બદલે ‘નૂતન યુગ’ મેં કહ્યું તે માટે પાછળથી મને મારી દીકરીએ એવો તો લઈ નાખ્યો! –તમને કંઈ ખબર છે કે નહીં? બધા કેવા હસતા હતા! ‘નૂતન’ તો અત્યારની એક નવી નટીનું નામ છે! સારું, ભાઈ. પણ ક્યારેક બીજા કોઈ સાહિત્યકારો મારાથી પાછળ નથી – બલ્કે આગળ છે એવું જોવા મળતાં કાંઈક આશ્વાસન જેવું મળી રહે છે. આપણા એક કવિનાં બાળકો સિનેમાની — સિનેમાના કલાકારોની વાત કરતાં હતાં. એમાં વારંવાર આવતો શબ્દ ‘કામિની કૌશલ’ આપણા કવિવરને છેવટે કુતૂહલ-પ્રેરક નીવડ્યા વગર રહ્યો નહીં. એમણે બાળકો તરફ ફરીને પૂછ્યુંઃ ‘એ ભાઈ કામિનીકૌશલ ક્યાંનો છે?’ એમને સમજાયું નહીં, બાળકો શા માટે એમના પ્રશ્નથી આનંદની કિલકારીઓ કરતાં હસી પડ્યાં. આ કિસ્સો મેં આપણા એક બીજા કવીન્દ્રને (તમે નામો જાણવા તલપાપડ છો ને? પણ...) કહ્યો. એકદમ ભોળપણભર્યો ચહેરો કરીને કહે; હા, તે એમાં હસવા જેવું શું છે? હું પણ જાણતો નથી કે એ કામિનીકૌશલ ક્યાંનો છે? હું તરત કબૂલ કરી દઉં કે સિનેમા કે ફિલ્મી ગીતો સામે મને અણગમો નથી. મારું અજ્ઞાન એ હકીકત છે, એટલું જ. એ અજ્ઞાન ઓછું થાય એ મને ગમે છે. વરસની મારી સરેરાશ, ફિલ્મ જોવાની, કેટલીક માનો છો? સંભવ છે અર્ધી ફિલ્મની સરેરાશ હશે. હમણાં ખોસલા કમિટી(જેનો અહેવાલ જગબત્રીશીએ ચઢ્યો છે તે)ના સભ્ય તરીકે ભાતભાતની, ખાસ કરીને ન જોવા જેવી, ફિલ્મોનો પરિચય વધતાં મારી સરેરાશ થોડીક વધી છે. ફિલ્મ જોઉં છું ત્યારે બહુ જ ગમે છે. ખરાબ હોય તો પણ કંટાળો આવતો નથી. કુકાવ્ય વાંચતાં કાવ્ય કેવું હોવું જોઈએ એમાં તો મન મચેલું રહે જ છે, તેમ ખરાબ ફિલ્મથી પનારું પડે તો આખો વખત સારી ફિલ્મની ઝંખનામાં મન પરોવાય છે અને અનુભવ એળે જતો નથી. કોઈ સારી પરદેશી ફિલ્મ જોઈને તો ઘણો જ આનંદ થાય છે. ચાર્લી ચૅપ્લિનનું ‘સિટી લાઈટ્‌સ’ અહીં ચૂકી ગયેલો, તે વરસો પછી લંડનમાં પી.ઈ.એન. પરિષદમાં એ બતાવવામાં આવી ત્યાં જોવા પામ્યો. પણ ફિલ્મી ગીતોને તો હવામાંથી, આપણે નિર્દોષપણે રસ્તે-રસ્તે ચાલ્યા જતા હોઈએ ત્યાં, આપણા ઉપર આક્રમણ કરવાની તક છે. કોઈ ગીત કે ગીત-ટુકડો એ રીતે મળી જતાં આનંદનો અનુભવ થયો છે. મારો એક તરુણ મિત્ર મારે ત્યાં રહેવા આવેલો. એણે પ્રભાત થતાં જ ગીતાના અઢાર અધ્યાયોની જેમ મુક્ત કંઠે, આ, તે, અમુક, તમુક ફિલ્મનાં પ્રચલિત અનેક ગીતો લલકારીને હવાની ખુશનુમાઈ વધારી દીધી. આવો ઉપકાર વારંવાર મારી ઉપર થતો નથી એથી જ ફિલ્મી ગીતોની જે કંઈ સમૃદ્ધિ છે તેનાથી વંચિત રહીને જીવું છું. જો કે છેક એવું તો ન હોય. અમારા જમાનાના સાઈગલ, પંકજ મલ્લિક આદિને અંદરથી વાગોળીને જીવું છું. આવો કાર્યક્રેમ જોઈ ને – સાંભળીને પહેલો વિચાર એ આવ્યો કે ફિલ્મી ગીતોની મહેફિલને નામે હળવા સંગીતની દિશામાં પદ્ધતિસર વિકાસ થતો ગયો છે. હવે એક ડગલું આગળ વધીએ એટલે બસ. આપણી અંદર રહેલી કલા-સર્જકતા હળવા સંગીતની મૌલિક રચનાઓ દ્વારા પ્રગટી ઊઠો અને આપણા વાતાવરણને—આપણી ચેતનાને સ્વર-દીપ્તિથી અજવાળી રહો!

[‘ગોષ્ઠી’,૧૯૫૧]