નારીસંપદા : ટૂંકી વાર્તા/હીંચકો
મીનાક્ષી દીક્ષિત
કીર્તિદા આમ તો પહેલેથી જ હીંચકાઘેલી હતી. જ્યારે જયસુખલાલ સાથે એનો વિવાહ થયો ત્યારે સાસરાના ઘરમાં પણ હીંચકો છે તે જાણીને એ ખુશખુશ થઈ ગઈ હતી, પણ સાસરે આવ્યા પછી જ ખબર પડી કે હીંચકો તો સંપૂર્ણપણે સાસુજીના કબજામાં હતો. સવારે ચા પીવાથી માંડીને રાત્રે માળા ફેરવવા સુધીની એમની લગભગ બધી જ પ્રવૃત્તિઓ હીંચકા પર જ થતી. કીર્તિદાને અલપઝલપ પાંચપંદર મિનિટ હીંચકે બેસવાનું મળતું એ જ. સંયુક્ત કુટુંબનાં કામકાજમાંથી એને ફુરસદ પણ ઓછી મળતી. શરૂઆતનાં વર્ષોમાં એક વાર એણે બાની હીંચકા સાથેની જુગલબંધીનું એક જોડકણું બનાવ્યું હતું, પણ જ્યારે એ જોડકણું ખાનગીમાં હસતે હસતે જયસુખલાલને કહી સંભળાવ્યું ત્યારે જયસુખલાલે આંખો કાઢીને કહ્યું કે ફરીથી આવી અક્કલ વગરની વાતો મારી આગળ કરીશ નહીં. અને ત્યારથી કીર્તિદાએ આ બાબતમાં કશુંય બોલવાનું બંધ કરી દીધું હતું, પણ 'હીંચકો' અને બા માટે એના મનમાં જાતજાતના તુક્કા ઊઠતાં. ક્યારેક એકલી એકલી હસીને તો ક્યારેક કોઈ જુએ નહીં તેમ હોઠ મરડીને એ બધું મનમાં જ દબાવી રાખતી. પછી તો વર્ષો વીતતાં ગયાં અને સાસુજી પરલોક સિધાવ્યાં, દિયર-દેરાણી પરદેશ પહોંચી ગયાં અને બંને દીકરીઓ પરણીને પારકે ઘેર ગઈ. કીર્તિદાને હવે ખૂબ ફુરસદ મળતી. આજ સુધી કીર્તિદાને આ હીંચકો મારો છે એમ માનીને હીંચકે બેસવાની સ્વતંત્રતા મળી જ નહોતી. ‘ઘડપણમાં ગોવિંદ ગાશું'ને બદલે 'ધડપણમાં હીંચકા ખાશું’ એમ ગાઈ—ગાઈને કીર્તિદાએ મનને મનાવ્યા કર્યું હતું. હવે તો હીંચકા પર પોતે આરામથી ઝૂલી શકશે એ વિચારે એ ખૂબ ખુશ હતી. ‘આ જૂના હીંચકાનાં રૂપરંગ બદલાય તો ઠીક લાગે' એમ વિચારીને એણે હીંચકાના પાટિયાને રંધો મરાવી, પોલિશ કરાવી નવા જેવું બનાવડાવી દીધું. હીંચકાની સાંકળોને પણ બાસો ઘસીઘસીને ચકચકિત કરી દીધી. હવે વાત એમ બની કે જયસુખલાલ પણ આ દિવસોમાં જ રિટાયર્ડ થયા હતા. હીંચકાનું નવું સ્વરૂપ જોઈને એ પણ મોહ પામી ગયા. અને આખી જિંદગી ઘોડાની જેમ દોડદોડ કર્યું છે, હાશ હવે હીંચકા પર બેસવાની નિરાંત મળી છે." એમ કહીને એમણે હીંચકા પર જમાવી દીધું. “તમે આખી જિંદગી ઘોડાની જેમ દોડયા છો ને! તો મૈંય મશીનની જેમ કામ કર્યું છે. મનેય હવે જ હીંચકે બેસવાની નવરાશ મળી છે તે ખબર છે ને?" જયસુખલાલને બરાબર સમજાય તેવી રીતે શબ્દેશબ્દ પર ભાર મૂકીને કીર્તિદાએ કહ્યું. “તે કોણ ના પાડે છે? આવ, અહીં જગ્યા કરી આપું. લે, બેસ” કહીને જયસુખલાલ જરા બાજુ પર ખસ્યા, પણ કીર્તિદાને એવી રીતે બેસવું નહોતું. એને તો બસ, એકલાં જ બેસવું હતું અને તેય મન ફાવે ત્યારે અને મન ફાવે તેટલો વખત. હીંચકાની બાબતમાં એને કોઈનીય ભાગીદારી ખપતી નહોતી. જયસુખલાલ હવે હીંચકો છોડે એમ નહોતા. સવારે છાપું વાંચવાથી માંડીને રાત્રે રેડિયોના બધા જ કાર્યક્રમ પૂરા થાય ત્યાં સુધી એ હીંચકા પર ચીટકી રહેતા. "આ માણસને હવે હીંચકેથી કોણ ઉઠાડી શકશે?” એય હવે બાની જેમ ઉપર જશે ત્યારે જ હીંચકો છોડશે, પણ કદાચ એ પહેલાં તો હું જ ઉપર પહોંચી જઈશ. "એવો વિચાર કરતે કરતે એક દિવસ બપોરે એ જરા પલંગમાં આડી પડી અને ઘડીકવારમાં એક ઝોકું આવી ગયું. એણે સ્વપ્નમાં જોયું કે ડાઘુઓ પોતાને ઠાઠડી પર બાંધીને ઘર બહાર લઈ ગયા, પણ શરીરમાંથી નીકળી ગયેલો એનો જીવ તો ઘરમાં જ રહી ગયો. એ તો શરીરમાંથી છૂટ્યો એવો આંખના પલકારામાં છતમાં લટકાવેલા હીંચકાના કડામાં ભરાઈને બેસી ગયો. પછી જયસુખલાલ જ્યારે એકલા પડયા ત્યારે હીંચકે બેઠા. પગની ઠેસ મારીને હીંચકો હલાવવો શરૂ કર્યો ત્યાં જ કડામાંથી એકદમ 'કિ ચૂ…ડ કટ્’. ‘કિ. ચૂ.. હ કટ્' અવાજ આવવો શરૂ થયો. એમને નવાઈ લાગી કે એકાએક આવો અવાજ કેમ આવવા માંડયો? ઊભા થઈને એમણે કડાં તરફ જોયું. ત્યાં કંઈ દેખાયું નહીં એટલે એ ફરીથી હીંચકે બેઠા અને ધીરે રહીને ફરીથી હડસેલો માર્યો. ફરીથી 'કિ...ચૂ..ડ કટ્' 'કિ...ચૂ...ડ કટ્' શરૂ થયું. થોડીવારમાં અવાજ એની મેળે બંધ થઈ જશે એવા વિચારથી એ હીંચકા પર બેસી રહ્યા અને છાપું વાંચવામાં જીવ પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો કર્કશ અવાજ બંધ થયો નહીં. હવે આ એકધારા અણગમતા અવાજથી જયસુખલાલ અકળાયા. છેવટે થાકીને એમણે પાડોશીના દીકરા રમેશને બોલાવ્યો અને બંને જણાએ ભેગા મળીને, થોડી માથાકૂટ કરીને, થોડું દિવેલ ઢોળીને, થોડાં કપડાં બગાડીને હીંચકાનાં કડાં ઊંજ્યાં. હવે અવાજ આવે છે કે નહીં તેની ચકાસણી કરવા રમેશ હીંચકા પર બેઠો. કશા જ અવાજ વગર હીંચકો હાલ્યો. "કાકા હવે બેસો નિરાંતે! કશી ગરબડ નથી." એમ કહીને રમેશ ઘેર ગયો. થોડીવાર પછી જયસુખલાલ હીંચકા પર બેઠા અને હીંચકો હાલ્યો કે તરત જ પેલો અવાજ શરૂ થયો. ફરીથી તે હીંચકા પરથી ઊઠયા અને બેલેન્સ જળવાય એ રીતે ધીરેથી હીંચકાની વચ્ચોવચ બેઠા, પણ તોય પેલો અણગમતો અવાજ તો આવ્યો જ. થોડીવાર તો જયસુખલાલ જેમતેમ કરીને હીંચકે બેસી રહ્યા પણ પછી કંટાળીને ત્યાંથી ઊઠીને અંદર જઈને પલંગમાં આડા પડ્યા, પણ અદૃશ્ય કીર્તિદા તો એમની સાથે સાથે જ પલંગ પાસે પહોંચી ગઈ હતી. જયસુખલાલ પલંગ પર સૂતા અને પડખું ફેરવવા ગયા ત્યાં જ પલંગમાંથી અવાજ આવ્યો 'ચરર...ચીંઈ'. એ સૂતે સૂતે જ જરા આઘા ખસ્યા અને બીજે પડખે થયા ત્યાં ફરીથી અવાજ આવ્યો 'ચરર ચીંઈઈ. જયસુખલાલ પલંગ પરથી નીચે ઊતર્યા. પલંગ જરા હલાવ્યો. ગાદલું ઊંચુંનીચું કર્યું, ગાદલા પર હાથ વડે બે ચાર ધબ્બા માર્યા, ચાદર સરખી કરી અને ફરીથી સૂતા. સૂતા તેવો જ અવાજ આવ્યો, 'ચરર... ચીંઈઈ.' સૂવાની દિશા બદલીને એમણે ફરીથી એક વાર સૂવાનો પ્રયત્ન કરી જોયો, પણ દર વખતે પેલો અવાજ તો આવ્યો જ આવ્યો. “આમાં તો કંઈ સુવાય એવું લાગતું નથી." એમ વિચારીને એ ઊભા થયા અને પાસે પડેલી ખુરશી પર બેઠા, પણ જેવા બેઠા તેવા જ ખુરશીનો ચોથો પાયો જાણે ટૂંકો થઈ ગયો હોય એમ જાણે ખુરશી હાલી ઊઠી. કીર્તિદા પાયો પકડીને બેસી ગઈ હતી. જયસુખલાલે ખુરશીના ચારે પાયા તપાસ્યા અને ખુરશીના બંને હાથા પકડીને ધીરેથી એના પર બેઠા, પણ જેવા બેઠા તેવી જ ઠક્ દઈને ખુરશી વાંકી થઈ ગઈ. *"હવે આ ખુરશી માળિયે ચઢાવી દેવાની" એવો વિચાર કરીને એ બીજી ખુરશી પર બેઠા, પણ જેવા બેઠા તેવી એય ખુરશી ઠક્ ઠક્ કરતી હાલી ઊઠી. ટપલી મારીને ભેરુને બેસાડી દેવાની રમત તો કીર્તિદા નાનપણમાં રમી હતી, પણ જયસુખલાલ જ્યાં બેસે ત્યાંથી એમને ઉઠાડી મૂકવાની આ રમત રમવામાં તો એને મજા આવી ગઈ. હવે જયસુખલાલ ખરેખરા અકળાયા. બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં એટલે એ જમીન પર શેતરંજી પાથરીને સૂતા. કીર્તિદાએ એમને ત્યાંથી ઉઠાડયા નહીં. થોડીવારમાં જ જયસુખલાલનાં નસકોરાં બોલતાં સંભળાયાં. નસકોરાં બોલવાના અવાજથી કીર્તિદા જાગી ગઈ. એણે જોયું તો જયસુખલાલ હીંચકા પર ટૂંટિયું વાળીને પણ આરામથી સૂતા હતા. કીર્તિદાને પોતે જોયેલા સ્વપ્નની બહુ ગમ્મત આવી ગઈ. પછી બીજા દિવસે વાતવાતમાં એણે જયસુખલાલને કહ્યું કે “જુઓ, ખાસ યાદ રાખજો હો! હું મરી જાઉં પછી મારી પાછળ કંઈ ક્રિયાકાંડ કરશો નહીં. બારમું, તેરમું. શ્રાદ્ધ, સમચરી કંઈ જ નહીં." “ઉત્તરક્રિયા નહીં પામો તો ભૂત થશો ભૂત!" જયસુખલાલે કીર્તિદાની સામે જોયા વગર જ ચા પીતે પીતે કહ્યું. જવાબમાં કીર્તિદા જયસુખલાલને સંભળાય નહીં તેમ ધીરેથી બોલી, “એસ્તો જોઈએ છે. તો જ કડામાં ભરાઈને બેસાશે ને!" હવે કીર્તિદાને ધોળે દિવસે સૂતે સૂતે નવાં નવાં સ્વપ્ના જોવાની અને રોજે રોજ નવી નવી રીતે જયસુખલાલને પજવવાની મઝા આવવા માંડી. જેની સતત ઝંખના કરી હતી તે હીંચકો પડાવીને બેસી ગયેલા જિદ્દી રિટાયર્ડ સરકારી અમલદાર પાસેથી ભૂત થઈને હીંચકો છોડાવવાના વિચારે જ કીર્તિદાને આનંદ આનંદ થઈ ગયો. પછી તો દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થતાં ગયાં. તે દરમિયાન જયસુખલાલ હીંચકા પર અને કીર્તિદા ખાટલા-ખુરશી પર બરાબર ગોઠવાઈ ગયાં હતાં. ત્યાં તો એક દિવસ જયસુખલાલને હીંચકે બેઠે બેઠે જ ઝોકું આવી ગયું અને એ અવસ્થામાં જ ગબડીને જમીન પર પડયા. એમના માથામાં સજ્જડ માર લાગ્યો. ડોક્ટર, દવા, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ઓપરેશન વગેરે બધું જ થયું, પણ છેવટે જયસુખલાલ બચ્યા નહીં. પછી તો દીકરીઓ, જમાઈઓ, સગાંવહાલાં સહુ આવ્યાં અને જયસુખલાલનાં ક્રિયાકારજ પણ સારી રીતે થઈ ગયાં. આ દિવસો દરમિયાન હીંચકો અંદર ઓરડામાં મુકાઈ ગયો હતો. ખરખરે આવેલાં સહુ સગાંવહાલાં વિદાય થયાં પછી એક દિવસ નાની દીકરીએ કહ્યું : "મા, હવે હીંચકો પાછો બાંધી દઈએ ને?" “હા. હા. હીંચકે બેસશે તો માને સારું લાગશે." જમાઈએ કહ્યું અને હીંચકો એની જગ્યાએ પાછો બંધાયો. જયસુખલાલના મૃત્યુ પછી લગભગ અવાચક થઈ ગયેલી કીર્તિદાને કોઈએ હાથ પકડીને ખુરશી પરથી ઉપાડીને હીંચકે બેસાડી. કીર્તિદા હીંચકે બેઠી એટલે હીંચકો હાલ્યો અને ત્યાં જ કડાંમાંથી અવાજ આવ્યો, "કિચૂ...ડ કટ્’. 'કિચૂ...ડ કટ્'. 'કિચૂ...ડ કટ્’. કીર્તિદાએ ચમકીને ઊંચે જોયું. ક્ષણ બે ક્ષણ એ હીંચકાનાં કડાં તરફ તાકીને જોઈ રહી અને પછી ચીસ પાડીને બોલી ઊઠી, “હવે તો હીંચકો છોડો! તમે તો આખી જિંદગી ધરાઈને હીંચકે બેઠા છો. મને તો કોક દિવસ બેસવા દો, ભૈસા'બ!” બોલતે બોલતે જ હીંચકાની સાંકળ પકડીને કીર્તિદા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જયસુખલાલને છેલ્લી વખતે ઘરની બહાર કાઢી ગયા ત્યારેય તે આટલું રડી નહોતી. કીર્તિદાના આ કલ્પાંતનું કારણ ત્યાં ઊભેલાં કોઈનેય સમજાય તેમ નહોતું.
❖