નારીસંપદા : ટૂંકી વાર્તા/હૂંફ
નંદિતા ઠાકોર
ઘરમાં માણસો જ માણસો હતાં. એમના દબાયેલા, ગુસપુસ કરતાં અવાજો, અવરજવર, સામાનની હેરફેર, એકમેકને પૂછાતાં પ્રશ્નો, અપાતી સૂચનાઓ બધું જ મન્મથરાયની આંખ સામે જ થઈ રહ્યું હતું પણ તેમ છતાંય તેઓ જાણે આ બધાંથી પર હતા. દૃષ્ટિને દેખાતું હતું એમાંનું કશું મનને સ્પર્શતું નહોતું. પલંગ પર આડા પડયા પડયા નાનકડી બાલ્કનીના છજા પરથી નીતરતું પાણી મધુમાલતીની વેલને ભીંજવતું હતું એ જોયા કરતા મન્મથરાયની નજર આગળથી આંખને ના દેખાતાં દૃશ્યોની હારમાળા પસાર થઈ રહી હતી. થાકીને એમણે આંખો મીંચી દીધી- જાણે એનાથી દૃશ્યો રોકી શકવાના હોય એમ. અચાનક કપાળે કોઈનો મૃદુ, શીતળ હાથ મૂકાયો અને એમણે ઝબકીને આંખો ખોલી. જોયું તો દીકરી વિરાજ હતી. ‘બાપુજી,’ એ બોલી, ‘ચાલો થોડું ખાઈ લો.’ મન્મથરાયે એક કરુણ દૃષ્ટિ વિરાજના ચહેરા પર નાખીને ફેરવી લીધી. એ એકદમ થાકેલી લાગતી હતી. રડી પણ હશે. એમને થયું, આટલે વખતે બિચારી પિયર આવીને રહી, પણ તે આવે પ્રસંગે! વિરાજે ફરી જરાં ભારપૂર્વક કહ્યું; ‘સાંભળો છો બાપુજી! થોડુંક ખાઈ લો, ચાલો.’ મન્મથરાય હળવેથી બેઠાં થયા. ‘મને... મને ભૂખ નથી બહેન.’ ‘ભૂખ કેમ ન હોય? સવારે માંડ એક ભાખરી ને જરાં શાક સિવાય બીજું શું ખાધું છે તે?’ ‘કેમ, હમણાં ચા પીધી'તી ને?’ ‘હમણા નહીં’, ત્રણ કલાક પહેલાં!’ વિરાજ સહેજ આંખો પહોળી કરતાં કહ્યું. ‘હવે ચાલો હોં. ટેબલ પર આવો છો કે પછી...?’ એનું વાક્ય પૂર્ણ થાય એ પહેલાં પૂર્ણિમા હાથમાં થાળી લઈને જ ઓ૨ડામાં પ્રવેશી. ‘ના, ત્યાં નહીં વિરાજ, એમને અહીં જ ફાવશે, શાંતિથી જમી શકશે.’ પૂર્ણિમાએ બોલતાં બોલતાં નાનું ટેબલ નજીક ખેંચી એના પર થાળી ગોઠવી. ગરમ ખીચડીની સુગંધ મન્મથરાયના શ્વાસને સ્પર્શી ખરી પણ એની કશી અસર ન થઈ હોય તેમ ભાવહીન ચહેરે તેઓ બેસી રહ્યા. વિરાજે નેપકીન આપ્યો, પૂર્ણિમાએ પાણીનો પ્યાલો મૂક્યો અને ‘જોજે, બરોબર જમાડજે’ એવો દૃષ્ટિસંકેત વિરાજ તરફ કરતી એ ચાલી ગઈ. ‘વિરાજ, મને સાચે જ રુચિ નથી,’ મન્મથરાયે લાચારીથી વિરાજ સામું જોતાં કહ્યું. ‘આ રુચિ માટે નથી, તાકાત માટે છે. ખાશો તો પછી દવા પણ લેવાય.’ મન્મથરાયે નાછૂટકે આંખો મીંચી ઈશ્વર સ્મરણ કર્યું અને મહાપરાણે કોળિયો ભર્યો. વિરાજે આંખની કિનાર પરથી ટપકું ટપકું થતાં આંસુને પાછાં ધકેલી દીધાં. આજે પંદર દિવસ થયા જ્યોતિબહેનના અવસાનને, વિરાજ-રાકેશ મુંબઈથી અને વીરેન્દ્ર-પૂર્ણિમા બેંગલોરથી દોડી આવ્યાં હતાં. ઘર સગાં- સંબંધીઓ, મિત્રો, પરિચિતોથી ભરેલું હતું પણ મન્મથરાયને લાગતું હતું જાણે ઘરમાં એક ન કળી શકાય એવો ધારદાર સન્નાટો હતો. જ્યોતિબહેનની વિદાય પછી કોઈ બોલ્યું હતું : ‘ભાભી નસીબદાર કે ચૂડી ચાંલ્લા સાથે ગઈ.’ બીજું કોઈ બોલ્યું- ‘હા, પણ બિચારાં છોકરાંઓનો મોં મેળો ન થયો.’ ત્યારે મન્મથરાયને થયું હતું : ‘છોકરાંઓ તો દૂર હતાં પણ હું તો સાવ પાસે જ હતો, તોય મને ય કયાં..?’ થયું હતું પણ એવું જ. એ દિવસે પણ રોજના નિયમ પ્રમાણે નિત્યક્રમથી પરવારીને મન્મથરાય અને જ્યોતિબહેન છાપાંનો થોકડો અને ચાના કપ લઈ હીચકે ગોઠવાયાં. રોજનો જ આ ક્રમ હતો. બે-ત્રણ કપ ચ્હા પીવાતી, છાપાં વંચાતાં, કોને કાગળ લખવાનાં છે, ફોન કરવાનાં છે-થી માંડીને બગીચાનો કયો ક્યારો કેટલો વિકસ્યો છે એવી બધી ચર્ચાઓ થતી. દિવસનો એજન્ડા ઘડાતો. જતાં આવતાં કોઈ સાથે ગુડ મોર્નિંગ કે જેશ્રીકૃષ્ણની આપ-લે થતી. એ દિવસેય સવારે આ જ પ્રમાણે બંને જણ હીંચકે ગોઠવાયાં હતાં. મન્મથરાય છાપામાંના કોઈક સમાચાર પર ટિપ્પણી કરી રહ્યા હતા અને એ સાંભળીને જ્યોતિબહેન ખડખડાટ હસી રહ્યાં હતાં. અચાનક એમણે એક હાથ છાતી પર મૂક્યો, બીજે હાથે હીંચકાનો સળિયો પકડવા પ્રયત્ન કર્યો, ને બોલવા ગયા 'મન્મથ...' પણ શબ્દ પૂરો થતાં પહેલાં જ ઢળી પડયાં. એમના હોઠ પર અધૂરા રહેલા 'મન... 'નો પડઘો મન્મથરાયના મન સુધી પહોંચે એ પહેલાં તો જ્યોતિબહેનની જ્યોત બુઝાઈ ચૂકી હતી. મન્મથરાયને જેટલો આઘાત એમની વિદાયનો લાગ્યો હતો એટલો જ એના અણધાર્યાપણાનો પણ લાગ્યો હતો. ‘અરે, પણ હું બાજુમાં જ તો બેઠો'તો!' એવું વારંવાર બોલી ઉઠતા મન્મથરાયની આંખમાંથી પોતાની હાજરી છતાં મૃત્યુ આમ જ્યોતિબહેન સુધી પહોંચી જ શી રીતે શક્યું એનું આશ્ચર્ય આટલા દિવસેય શમ્યું નહોતું. વિરાજ અને વીરેન્દ્રને માની વિદાયનું જેટલું દુઃખ હતું એટલું જ પીડાદાયક હતું પિતાની વેદનાના સાક્ષી બનવાનું. પરિવારના અન્ય વડીલો સાથે ચર્ચા કરીને વીરેન્દ્ર અને પૂર્ણિમાએ પિતાને પોતાની સાથે બેંગ્લોર લઈ જવાનું નક્કી કરી લીધું હતું. વીરેન્દ્રનો વિચાર તો થોડું વધુ રોકાઈને ઘર પણ વેચીને જ જવાનો હતો પણ મન્મથરાયની આંખમાં એ વાત સાંભળતાં જ છલકાઈ ઉઠતી પીડા પણ એને દેખાતી હતી એટલે હાલ પૂરતું ઘર કાઢવાનો વિચાર તો એણે પડતો મૂક્યો હતો. અલબત્ત કેટલોક સરસામાન કાઢી નાખવાની વ્યવસ્થા તો એણે કરવા માંડી જ હતી. બેંગ્લોર જવાની મન્મથરાયની તો જરાય ઈચ્છા નહોતી પણ એમનો નકાર કોઈ કાને ધરવાનું નથી એટલું એમને સમજાઈ ગયું હતું. આમ પણ વધુ મક્કમતાથી વિરોધ નોંધાવવા કે દલીલો કરવાની સ્વસ્થતા કે શક્તિય એમનામાં બચ્યા નહોતા. પંદરેક દિવસ બાદ બેંગ્લોર ભણી પ્રયાણ કરવું જ પડશે એ હવે નક્કી જ હતું. મન્મથરાયે મહાપરાણે થોડાંક ખીચડી છાશ ખાધાં, દવા લીધી અને પછી બાલ્કનીમાં જઈ પોતાની પ્રિય એવી આરામખુરશીમાં ગોઠવાયા. ખુરશીમાં બેસતાં જ હાથ માથા પાછળ ગયો પણ તરત જ ભોંઠો પડીને પાછો ખેંચાઈ આવ્યો. આ ખુરશીમાં બેસતી વખતે માથા પાછળ એક નાનો તકિયો મૂકવાની એમને ટેવ હતી. પોતે જેવા ખુરશીમાં ગોઠવાય કે માથા પાછળ એ તકિયો મૂકી આપવાનું કામ જ્યોતિબહેનનું. આજે જ્યોતિબહેન નહોતાં, એટલે તકિયોય નહોતો. એ જાતે લેવાનું એમને મન પણ નહોતું. આવી તો કેટલીય નાની મોટી આદતો હવે છૂટી જશે, કે છોડી દેવી પડશે એનું એમને ફરીવાર ભાન થઈ આવ્યું. પચાસથીય વધુ વર્ષોનું સહજીવન આમ એક ઝાટકે ખલાસ થઈ જાય ત્યારે પાછળ રહેનારની પીડા કેવી હોય એ મન્મથરાયને બરોબર અનુભવાતું હતું. સમજણ અને વેદનાના બે કિનારા વચ્ચે એમનું મન સતત ફંગોળાયા કરતું હતું. પોતાની જાતને એમણે એકલતાના આવરણમાં લપેટી લીધી હતી અને એમાંથી એ જ્યોતિબહેનના અસ્તિત્વની હૂંફ શોધ્યા કરતા હતા. બહુ જરૂરી ના હોય તો એ પોતાના ઓરડાની બહાર નીકળવાનુંય ટાળતા. હજુ બે ત્રણ દિવસ પહેલાં જ દીવાનખાનામાં જ્યોતિબહેનની પુષ્પહારથી સજાવેલી મોટી છબી જોઈને એ હચમચી ગયા હતા. જેને પોતાને ફોટા પડાવવા બિલકુલ ગમતાં જ નહીં એ જ્યોતિબહેનને હવે માત્ર ફોટામાં જ જોઈ શકાય એ વિચારે ખૂબ ચિડાઈને એમણે એ ફોટો ત્યાંથી ખસેડાવ્યે જ છૂટકો કર્યો. વીરેન્દ્ર, પૂર્ણિમા, વિરાજ અને રાકેશ બધાં ખૂબ સમજુ, ઠાવકાં અને પ્રેમાળ હતાં. જ્યોતિબહેનની વિદાયને પચાવવા કરતાં સાવ અધૂરા લાગતા મન્મથરાયને જાળવવાની જવાબદારી વધુ કપરી છે એ સૌને સમજાતું હતું અને મન્મથરાયને સંભાળવાં, સંભાળી લેવાં આ ચારેય જણા સતત પ્રયત્નશીલ હતાં. જરૂરી વ્યવહારો, રોજિંદા કાર્યો અને સ્વજનોની અવરજવરમાંથી સમય કાઢીને એ લોકો સરસામાનનું ઠેકાણું પાડી રહ્યાં હતાં. કેટલોક સામાન વિરાજ અને રાકેશ મુંબઈ લઈ જશે. કેટલોક સામાન બેંગ્લોર જશે. કેટલુંક વેચવાનું કે ભેટ આપી દેવાનું હતુ. પોતે લઈ જવાના સામાનના પેકિંગ અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરતાં કરાવતાં વિરાજ ભાંગી પડતી હતી. ‘ભાઈ, આખું ને આખું માણસ તો ગયું પણ જાણે શરીરની ત્વચાય ઉતરડી લેતાં હોઈએ એમ આપણે આ બધું....’ વીરેન્દ્ર પણ ગળગળો થઈ ગયો હતો. ‘એમ ના બોલ વિરાજ. આ તો મા-બાપુજીના સુંદર સહજીવનનાં સ્મૃતિચિહ્નો છે. આમેય આ પ્રાણહીન ખોળિયા જેવા ઘરમાં તો આપણે હવે કદાચ ક્યારેય નહીં આવીએ. એટલીસ્ટ, આ સંભારણાં તો સાથે રાખીશું.!’ ‘પણ વીરેન આ તો મા-બાપુના જીવનનાં તાંતણાં છૂટાં પાડીને વહેંચતાં હોઈએ એમ લાગે છે.’ આ સાંભળીને ત્યાં હાજર એક વડીલે પણ કહ્યું : ‘ઉલટાનું એમના જીવનનાં મીઠાં સંભારણાં અને સ્નેહની મૂડી તમે ભાઈ- બહેન વહેંચીને લઈ જઈ રહ્યાં છો એવું માન બેટા. બાકી વિરેનની એ વાત તો ખરી કે આ ઘરમાં તમે લોકો કે મન્મથ પણ પાછાં આવો એવું લાગતું નથી.’ આ વાર્તાલાપ મન્મથરાયના કાને પડ્યો અને એમણે જાણે મનમાં જ જવાબ આપ્યો: ‘સાવ ખોટું. આ ઘરમાં હું તો પાછો આવીશ જ. જ્યોતિ સાથે સુખદુઃખની ગોઠડી માંડવા મારે અહીં જ આવવું પડે.’ ઘરમાંથી કોઈ એમને કશી પણ બાબત બદલ પૂછતું કે એમનો અભિપ્રાય માંગતું તો તદ્દન નિર્લેપભાવે એ કહી દેતા- ‘તમને જેમ ઠીક લાગે એમ કરો.’ પછી કોઈ પરાયા સ્થળે આવી ચડ્યા હોય એમ ખાલી થતાં જતાં ઘરમાં એક ઊડતી નજર ફેરવી ત્યાંથી ખસી જતા.
વીરેન્દ્રને પણ બધું ખાલી કરાવતાં મન ડંખતું તો હતું જ. ઘણીબધી ચીજવસ્તુઓ વિષે સૌ સાથે મળીને નિર્ણયો લેવાતાં જતાં હતાં છતાંય કેટલીય વસ્તુઓ વિષે નિર્ણય લેવાનું એ બધાને આકરું પડી રહ્યું હતું. એન્ટિક પ્રકારની પેલી ખુરશી, આ ઘેર બંધાયું ત્યારે લીધેલો પેલો મોટા અરીસાવાળો કબાટ, બગીચામાં હોંશથી ગોઠવેલો બાંકડો અને તુર્કીની છેલ્લી ટ્રીપ વખતે લઈ આવેલા તે ચાની પ્યાલીઓનો સેટ, એવું તો કંઈ કેટલુંય... મન્યથરાય દરેક વસ્તુ સાથે વળગેલા સ્મૃતિના પડ ઉખેળતા, વીંટતા જતા હતા. એક તરફ નાનામાં નાની વસ્તુ સાથેનો લગાવ અને બીજી તરફ એ બધી જ વસ્તુમાંથી ઉભરાઈ આવતી જ્યોતિબહેનની સ્મૃતિઓને કારણે એનાથી દૂર ભાગવાની ઈચ્છા- એ બંને વચ્ચે મન્મથરાયનું હૈયું ભીંસાયા કરતું હતું. એવામાં જ એમને સંભળાયું- વીરેન્દ્ર કોઈની સાથે હીંચકો કાઢવા વિષે કંઈ વાત કરી રહ્યો હતો. એ સફાળા ઉભા થયા અને વીરેન્દ્ર પાસે ધસી આવ્યા. ‘વીરેન... ભાઈ.. આ.. આ હીંચકો...' એમનાથી આગળ બોલાયું નહીં. ‘હીંચકાનું શું બાપુજી?’ ‘હીંચકો... કાઢી નાખીશ તું?’ ‘કાઢી તો નહીં, પણ બાજુવાળા જયંતકાકાને આપી દઈશું. તમારા આટલા સારા મિત્ર છે. એ વાપરશે તો તમને યાદ કરશે.’ મન્મથરાય ખૂબ ઢીલા પડી જઈને બોલ્યા: ‘પણ વીરેન, એ... એ હીંચકો તો મને જોઈએ. આપણે કોઈને આપવો નથી હોં ભાઈ, આપણે એ રાખવો છે.’ ‘બાપુજી, આ ઘરમાં હવે હીંચકો રાખવાનો અર્થ નથી. કારણકે આ ઘર પણ ક્યાં સુધી રહેવાનું? બેંગ્લોર કે મુંબઈ પણ એ લઈ જઈ શકાશે નહીં. એ કરતાં કોઈ વાપરે તો સારુંને?’ વીરેન્દ્ર સમજાવટના સૂરે બોલ્યો. મન્મથરાય આગળ કશું બોલવા જતાં અટકી ગયા. એ ધીરે ડગલે વરંડામાં જઈ હીંચકા પાસે ઊભા રહ્યા. એમના જ્યોતિબહેન સાથેના સહજીવનની તડકી-છાંયડી, સુખદુઃખ, સંઘર્ષો, સમાધાનો અને ખુશીઓના એકમાત્ર સાક્ષી સમો આ હીંચકો! અનેક ખટમીઠાં સંભારણાંઓના ભાગ સમો, કોઈ જીવંત વ્યક્તિની જેમ જ જીવનની ક્ષણેક્ષણમાં વણાઈ ગયેલો આ હીંચકો! અને બાકી હતું તે જેના ખોળે એમની જીવનસંગિનીએ આખરી શ્વાસ લીધો એ... એ આ હીંચકો! એમની પાછળ પાછળ આવીને ઉભેલા વીરેન્દ્ર એમના ખભા પર હળવો સ્પર્શ કર્યો અને બોલ્યો : ‘બાપુજી, કંઈ વાંધો નહીં, આપણે રહેવા દઈ...’ ‘ ‘ના. ના... આપી જ દો,’ વીરેન્દ્રનું વાક્ય અધવચ્ચેથી જે કાપતાં મન્મથરાય બોલી પડ્યાં, ‘આપી જ દો. ભલે લઈ જાય. બલ્કે કાલે જ લઈ જવાનું કહી દેજે.’ જ્યોતિબહેનની વિદાય અને હવે ગેરહાજરીની વધુ ને વધુ તીવ્ર થતી વેદના મન્મથરાયના દરેક શબ્દમાં અને ચહેરા પરથી સતત ઝરતી રહેતી. એ જોવાનું, સમજવાનું વીરેન્દ્રને માટે અઘરું નહોતું. એ ચૂપચાપ ત્યાંથી ઘરમાં ચાલી ગયો. કેટલીય વાર સુધી ત્યાં ઉભા રહીને મન્મથરાય પણ પોતાના ઓરડામાં પાછા ફર્યા. કાલે... કાલે આ ઘરમાંથી એક આખા જીવનનો અંત આવશે, ફરી એકવાર. વીરેન્દ્ર, વિરાજ પોતપોતાના માળામાં પાછા ફરશે. અને પોતે? ક્યારેક વીરેન્દ્રને ત્યાં, ક્યારેક વિરાજને ત્યાં! પોતાનો માળો તો હવે રહ્યો જ નહીં! ખાલી થવા માંડેલા ઘરની દીવાલે દીવાલે અને ખૂણે ખૂણે એમની દ્રષ્ટિ ફરી વળી, જાણે કોઈ પરિચિત અણસાર શોધતી હોય એમ. છેલ્લાં કેટલાંય દિવસોની જેમ આજની રાત પણ ઊંઘની હૂંફાળી રજાઈને બદલે ઉજાગરાની સોડમાં બેસીને જ વીતી. વહેલી સવારે ઉઠીને એ વરંડામાં આવ્યા. જેવી હીંચકાની સાંકળ પકડી કે મોર પોપટવાળી ઝીણી ઝીણી ઘંટડીઓ રણકી ઉઠી. એ રણકારથી જ ખેંચાતા હોય એમ હીંચકે બેસી પડયા. ફરી મનમાં વિચાર આવ્યો - ભલેને વીરેન ગમે તે કહે, આ હીંચકો તો અહીં જ રહેશે. ઘર હશે ત્યાં સુધી હીંચકો નહીં જ કઢાય. હા, બસ હવે તો નક્કી જ. હીંચકો નહીં જ કઢાય. મન સાથે આમ નક્કી કરવાથી એમને સહેજ હાશ વળી. એમણે હીંચકાને હળવી ઠેસ મારી, હીંચકાને ટેકે પીઠ ટેકવીને ઊંડો શ્વાસ લીધો અને જ્યોતિબહેનના છેલ્લી પળોના અવાજના રણકારને સાંભળતાં હોય એમ એમણે હળવા હાશકારા સાથે આંખ સહેજ મીંચી. સવારના સૂરજના હૂંફાળા કિરણોના સ્પર્શય એ બંધ આંખો પાછી ઉઘડી નહીં.
❖