ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સત્યેન્દ્રરાવ ભીમરાવ દિવેટિયા

From Ekatra Wiki
Revision as of 16:52, 21 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સત્યેન્દ્રરાવ ભીમરાવ દિવેટિયા

એમનો જન્મ અમદાવાદમાં, વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં સરદાર રા. બ. ભોળાનાથ સારાભાઈના પુત્ર ભીમરાવને ત્યાં ઈ.સ.૧૮૭૫માં સં.૧૯૩૧ની ચૈત્રી પૂર્ણિમાએ થયો હતો. એમનાં માતાનું નામ ચતુરલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ વડોદરા કૉલેજ તથા ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી તે ગ્રૅજ્યુએટ થયા હતા. ગુજરાત કૉલેજમાં તે દક્ષિણા ફેલો હતા. એમનું પ્રથમ લગ્ન સુરતમાં ઈ.સ.૧૮૯૫માં સૌ. મનુબહેન સાથે થએલું અને બીજું ઇ.સ.૧૯૦૭માં થી. અનસૂયા બહેન સાથે સુરતમાં થએલું. સ્વ. મનુબહેનનાં સંતાનોમાં એક ગત પુત્રી તથા એક પુત્ર શ્રીનિવાસ. ગં. સ્વ. અનસૂયાનાં સંતાનોમાં બે પુત્રીઓ યશોધરા અને પ્રતિભા, તથા એક પુત્ર પૂના એન્જીનીઅરિંગ કૉલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ આવી હાલ મુંબઈમાં એન્જીનીઅર છે. ગ્રૅજ્યુએટ થયા બાદ તે શરૂઆતમાં બ્રિટિશ સરકારની અને પાછળથી વડોદરા રાજ્યની નોકરીમાં હતા, જ્યાં તે નાયબ સુબાની ૫દવી સુધી પહોંચેલા. એમનું અવસાન પણ એ રાજ્યની નોકરીમાં, મહેસાણામાં સં.૧૯૮૧ના ફાલ્ગુન વદી ૧, તા. ૨૩મી માર્ચ ૧૯૨૫ના રોજ થએલું. એમની સાહિત્યપ્રવૃત્તિ બહુ શાન્ત હતી. એમના પિતા સ્વ. ભીમરાવનાં ત્રણ વિખ્યાત પુસ્તકો 'પૃથ્વીરાજ રાસા' (કાવ્ય), 'દેવળદેવી' (નાટક) તથા 'કુસુમાંજલિ' (કાવ્યસંગ્રહ)નું સંપાદન એમણે જ કરેલું. એ ઉપરાંત એમણે પોતે નીચેના ગ્રંથો લખ્યા છે: “ઊર્મિમાળા,” “સરોવરની સુંદરી" (બેડી ઑફ ધ લેઈક), “આત્મસંયમનું રાજ્ય.”

***