અનુષંગ/સામાજિક વાસ્તવના સંદર્ભમાં માનવસંવેદન

From Ekatra Foundation
Revision as of 09:02, 17 April 2025 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સામાજિક વાસ્તવના સંદર્ભમાં માનવસંવેદન | }} {{Block center|<poem>‘કથાભારતી : મલયાલમ વાર્તાઓ’, સંપા. ઓમચેરી એન. એન. પિલ્લૈ, અનુ. વર્ષા દાસ.<br> (નૅશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૭૩, પા, ૧૮૮, રૂ. ૪-૫૦)</poem>...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સામાજિક વાસ્તવના સંદર્ભમાં માનવસંવેદન

‘કથાભારતી : મલયાલમ વાર્તાઓ’, સંપા. ઓમચેરી એન. એન. પિલ્લૈ, અનુ. વર્ષા દાસ.
(નૅશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૭૩, પા, ૧૮૮, રૂ. ૪-૫૦)

આધુનિક કાળની એટલે કે ૧૯૩૦ પછીના સમયની મલયાલમ વાર્તાઓનો આ સંગ્રહ છે. આ વાર્તાઓ વાંચતાં એ કેરળ દેશની વાર્તાઓ છે એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગરીબી, શોષણ, વર્ગભેદની સામાજિક સમસ્યાઓ ઘણીબધી વાર્તાઓની ભૂમિકામાં પડેલી છે, પણ નોંધપાત્ર એ છે કે સામ્યવાદી-સમાજવાદી વિચારસરણીની પ્રબળતા ધરાવતા આ દેશની વાર્તાઓમાં સામાજિક સમસ્યાઓ ભૂમિકામાં જ રહે છે, સમાજસ્થિતિ પ્રત્યે કશો ઉકળાટ વાર્તાકાર જાતે વ્યક્ત કરતો નથી, એ વાસ્તવનું ચિત્રણ કરી અટકી જાય છે, એને ઘેરા રંગે પણ આલેખતો નથી. પ્રચારાત્મકતાના જોખમમાંથી અહીં પસંદ થયેલી વાર્તાઓ તો બચી છે એમ અવશ્ય કહી શકાય. વિશેષમાં બન્યું છે એવું કે આ સામાજિક સભાનતાને લીધે વિવિધ પ્રકારના માનવસંબંધો અને મનઃસૃષ્ટિઓના આલેખનને તક મળી છે. ગરીબી, શોષણ કે સામાજિક અન્યાય કેટલીક વાર્તાઓના કેન્દ્રમાં છે. તેમ છતાં એ વાર્તાઓની રચનામાં વિશિષ્ટ અંશો નજરે પડે છે. ‘અજાણી વાત’ એ કેવળ ગરીબીની વાર્તા છે અને મુડદાલ માંસ ખાવાના એક પ્રસંગનું સીધુ સાદું કથન કરીને લેખકે પોતાનું કામ સાધ્યું છે. ‘બલીના બકરા’ ગરીબ માણસ પર ઉપરી અમલદાર તરફથી થતા અન્યાય અને અત્યાચારની એક સીધી રીતે કહેવાયેલી કથા છે. પણ ‘માત્તનની વાર્તા’માં ગરીબી અને શોષણની વાતને લેખકે કૌટુંબિક લાગણીનો સંદર્ભ આપી હૃદયસ્પર્શી બનાવી છે. દીકરીને સારે ઘરે પરણાવવાનાં માત્તન અને એની પત્નીનાં મુગ્ધ સ્વપ્નાં અને શ્રમનો કેવો કરુણ અંજામ આવે છે! ‘ભૂખ અને તરસ’માં જાતીય ભૂખનો તંતુ ગૂંથીને ગરીબીના વિષયને એક જુદું પરિમાણ અને ધાર લેખકે અર્પ્યાં છે – મીનૂને આઠ આની આપી અધરસ્તે ઝુંપડીમાં રાત ગાળવા લલચાવનાર પોન્નન સવારે ઊંઘતી મીનૂ પાસેથી એ આઠ આની લઈ ચાલતો થાય છે! ‘ભાડાનું ઘર’માં શૈલી હળવી તો છે જ પણ તે ઉપરાંત પ્રસંગસંદર્ભ લેખક એવો વિશિષ્ટ લાવ્યા છે કે પૈસાને અભાવે ભાડુઆતલેખકને સામાન મૂકી જઈને ઘરમાંથી નીકળવું પડે છે તેવો અંત રમૂજભર્યો કરુણ અંત બની રહે છે. ‘ભાવિ પતિ’ ‘સેકંડ હૅન્ડ’ ‘વરમાળા’ એ ગરીબ કે નીચલા મધ્યમવર્ગની વાર્તાઓ છે, એ સંદર્ભમાં જ એ વાર્તાઓ વિકસે છે તેમ છતાં એ વાર્તાઓનું લક્ષ્ય તો માનવમનને રજૂ કરવાનું છે. ‘ભાવિ પતિ’માં પોતાની કુટુંબસ્થિતિને વીસરીને સુંદર, સંપન્ન, વિદ્વાન પતિની આકાંક્ષા રાખવામાં અને પ્રેમના રોમૅન્ટિક ખ્યાલમાં સરોજિની પોતાના મનને કેવું સૂનું અને વિકૃત કરી નાખે છે એનું વાસ્તવિકતાભર્યું આલેખન છે. તો ‘સેકન્ડ હૅન્ડ’ પતિતા અને નિરાધાર સ્ત્રી અને એને આશ્રય આપી એની સાથે લગ્ન કરનાર એક સાધારણ છાપું ચલાવનારની પરસ્પરની સમજ-ગેરસમજ અને લાગણીઓની વાર્તા છે. તો ‘વરમાળા’ મદારી યુવકયુવતીના રોમૅન્ટિક પ્રેમની અને બલિદાનની કથા છે. ભાવનામય કે રંગદર્શી પ્રેમ આ વાર્તાઓમાં ભાગ્યે જ છે. ‘વરમાળા’ એક જ એનું ઉદાહરણ. જાતીયતાનાં વિભિન્ન સ્વરૂપો છે ખરાં – ‘ભૂખ અને તરસ’ ‘રાધાનો પત્ર’ સૌંદર્યની અનુભૂતિની એક વાર્તા છે – ‘વધૂ’, પણ એ રહસ્યમય અનુભૂતિની વાર્તા છે, પ્રાપ્તિની નહીં. અપ્રાપ્તિનો વિષાદ જ છેલ્લે રહે છે. ‘આંસુનું સ્મિત’માં એક વિકારના રૂપમાં નહીં, પણ એક અનુભૂતિના રૂપમાં પ્રેમ કરતાં શીખવનાર મીનીની કરુણકથા છે. નાની બાલિકા હતી ત્યારે શૂન્ય હૃદયને ભરી દેનાર મીની મોટી થઈ, પરણી – એના પ્રત્યેની નાયકની સૂક્ષ્મ સંકુલ લાગણીનું સ્વરૂપ એમાં વ્યક્ત થાય છે, ઉપરાંત માનવજીવનનું કારુણ્ય પણ વ્યક્ત થાય છે. સમાજના ભદ્ર વર્ગનું જેમાં ચિત્રણ હોય તેવી વાર્તા અહીં ભાગ્યે જ છે. ‘ફ્રિજ’માં સરકારી અધિકારીઓના ઉપલા વર્ગોની સ્ત્રીઓમાં પોતાનો મોભો દર્શાવવાની જે સ્પર્ધા ચાલે છે તેનું કટાક્ષભર્યું આલેખન છે. ‘દુકાનની ચાવી’ દુકાનના બે ભાગીદારોની વાર્તા છે, બંને ભાગીદારોની પત્ની એકબીજી સાથે ચણભણે છે, પણ વાર્તા તો સ્વાર્થી, કઠોર, લાલચુ વર્ગીસની સામે સરલ, ઉદાર, નિષ્પાપ સ્વભાવના કોશીને મૂકવાથી સર્જાઈ છે. એ એક ચરિત્રચિત્રણની વાર્તા છે. આ વાર્તાઓના સંપાદકના કથન મુજબ ૧૯૩૦થી મલયાલમ વાર્તાનો જે કાળ આરંભાયો તેમાં કેરળના યુવાન સાહિત્યકારો કાર્લ માર્ક્સ,’, સિગમંડ ફ્રૉઇડ તથા ફ્રેન્ચ વાસ્તવવાદીઓના પ્રભાવ હેઠળ હતા. તેઓ સર્જનાત્મક પૃથક્‌ત્વના ધુમ્મસમાંથી નીકળીને કટુ સામાજિક યથાર્થની નજીક પહોંચ્યા હતા. પણ પછી સામાજિક સભાનતાનો અતિરેક થયો, કલાનાં મૂલ્યો એમાં અવગણાયાં અને અદ્યતન સમયમાં લેખકો સમકાલીન ભૂમિકાને ચારે બાજુથી જોવાને બદલે અંદરના સ્તરોની શોધ તરફ વળ્યા, જેઇમ્ઝ જોઈસ, કાફકા અને કામૂનો પ્રભાવ ઝીલવા લાગ્યા. ઘટનાને બદલે ચિત્તવૃત્તિ અને વાતાવરણના નિરૂપણની રીતિ આવી. આ નવા પ્રવાહની ચારપાંચ વાર્તાઓ પણ આ સંગ્રહમાં છે. ‘હસતી છરી’માં પોતાના પ્યારા કૂકડાને બચાવવા ઘા વહોરી લેનાર બાળકે ખાટકી આલી મોલ્લક્કાના ચિત્તમાં જે ઘમસાણ ઊભું કર્યું છે તેનું પ્રભાવક ચિત્રણ છે, તો ‘અંધકારનો આત્મા’માં ગાંડા થઈ ગયેલા વેલાયુધનની મનઃસૃષ્ટિનો સાક્ષાત્કારક ચિતાર છે. ‘રાધાનો પત્ર’માં પરપુરુષની પ્રેમિકાનું આત્મનિવેદન છે – શરીરની દુનિયાને નિર્બંધપણે વર્ણવતું અને કામાસક્તિની તીવ્રતાથી ભરેલું ‘એક વાર્તાકાર શૂળી પર’માં એક વાર્તાકારના ચિત્તના તરંગો અને પ્રત્યાઘાતો નિરૂપાયા છે. સંઘર્ષ, વૈષમ્ય, તનાવ – સામાજિક કે માનસિક – આ સઘળી વાર્તાઓનો પ્રધાન સૂર છે. વાસ્તવની પકડ એ આ વાર્તાઓનો મુખ્ય ગુણ છે. વાર્તાને સામાજિક દસ્તાવેજ ન બનવા દેતાં કશાક ચરિત્ર, સંવેદન કે પરિસ્થિતિના મૂર્તરૂપ તરીકે કલ્પવામાં કેટલીક વાર્તાઓની સિદ્ધિ છે. નિરાડંબર વર્ણનશૈલી એ એમનું આકર્ષણ છે. નિરૂપણની તાજગીનો અનુભવ કરાવતી વાર્તાઓ પણ છે. ‘વધૂ’ ‘ભાડાનું ઘર’ ‘હસતી છરી’ ‘અંધકારનો આત્મા’ જેવી કેટલીક વાર્તાઓ સંવેદન અને અભિવ્યક્તિની વિશિષ્ટતાથી વિશેષ ધ્યાન ખેંચે છે.

[૯, ફેબ્રુઆરી ૧૯૭૫; ‘ગ્રંથ’, એપ્રિલ ૧૯૭૫.]