લઘુ સિદ્ધાન્તવહી/સંપાદન : વિવેકબંધ

From Ekatra Foundation
Revision as of 09:55, 27 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯૫

સંપાદન : વિવેકબંધ

કાવ્યનાં પ્રયોજનો સંપાદનને પણ લાગુ પડે છે. સંપાદન યશ માટે, અર્થ માટે, વ્યવહારજ્ઞાન આપવા માટે, કાન્તાની જેમ ઉપદેશ કરવા માટે અને સહ્ય આનંદ માટે હોઈ શકે, એમાં આનંદ ઉપજાવવાની પ્રવૃત્તિ સાહિત્યક્ષેત્રે જવલ્લે અને અર્થ ઉપજાવવાની પ્રવૃત્તિ મુખ્યત્વે જોવા મળે છે. ક્યારેક ક્યારેક એને અત્યંત હળવાશથી લેવામાં આવે છે. ક્યારેક માણસો રોકીને બીજા દ્વારા કરેલી પ્રવૃત્તિને કોઈ ચલણી નામનો સંપાદક-સિક્કો પણ લગાડવામાં આવે છે. અંગ્રેજીમાં એને છદ્મ સંપાદન - Ghost editing - કહેવામાં આવે છે. ક્યારેક અનુકૂળ વૈતરું કરનારા પ્રગટ સહસંપાદકોની વેઠ દ્વારા સંપાદનનું મહોરું ચઢાવવામાં આવે છે. હમણાં હમણાં ગુજરાતી સાહિત્યમાં સંપાદન બિલાડીના ટોપની જેમ ઊગી નીકળ્યું છે. રાતોરાત ફૂટી નીકળેલાં આ સંપાદનો પાછળ લોકકેળવણી રુચિકેળવણી કે સાહિત્યના ઉત્તમ પ્રતિનિધિત્વને ઉપસાવવાની વૃત્તિ કેટલી હશે એ વિચારવાનો અવસર ઊભો થયો છે. શાળા-કૉલેજોના અભ્યાસક્રમમાં ગોઠવાવા માટે, સાહિત્યિક સંબંધોની લણણી કરવા માટે. પોતીકાં-પારકાં પરત્વેના અંગત પક્ષપાતો -પૂર્વગ્રહોના ઇલાકાઓ જાહેર કરવા માટે અને ક્યારેક તો સંપાદન જ ન કરીને જે મળ્યું તે બધું જ સામટું એકઠું કરીને બધાને રાજી કરી સાહિત્યના નાયક થવા માટેના ધમપછાડાઓ સાહિત્યમાં સંપાદનક્ષેત્રની બીભત્સ પ્રવૃત્તિ છે. આવા, રુચિ વગર બધું જ ચરી જનારા સંપાદકો સંપાદનનો નકશો કે અભ્યાસલેખ તો ક્યાંથી આપે? એ આપે તો કોઈ ગપસપની રીતનો એકાદ મુસદ્દો. આપણું કવિતાનું એક સામયિક જે મળે તે સામગ્રીને જે ફાવે તે ક્રમમાં ગૉળ કે ઠોળનો ભેદ રાખ્યા વગર ગોઠવી દેવામાં પાવરધું છે. મેં એકવાર જાહેરમાં એ માટે પ્રશ્ન કરેલો કે ‘ક્યાં છે સંપાદક?’ સંપાદનમાં સંપાદક જ ગેરહાજર હોય છે તો બીજી બાજુ સાહસિક અને નીડર સંપાદકના એવા નમૂના પણ જડી આવે છે જે સંપૂર્ણ-પણે હાજર હોય છે. એકવાર નિમંત્રણ આપીને મંગાવેલી લખાવેલી સાહિત્યકૃતિઓ સાહિત્યિક ધોરણોમાં ‘અણસરખી’ લાગતાં એને નકારવાની સંપાદકમાં નૈતિક હિંમત છે અને એના પરિણામ ભોગવવાની એનામાં તાકાત છે. સંપાદન વિવેચનનો જ પ્રકાર છે. સાહિત્યક્ષેત્રની એ અત્યંત ગંભીર પ્રવૃત્તિ છે. સાહિત્યનાં ધોરણો સ્થાપવામાં, એને ઉપસાવવામાં અને એને સ્થિર કરવામાં એનો મોટો હાથ છે. સંપાદન ડાબા હાથનો ખેલ નથી. તમારી સજ્જ અને પક્વ રુચિના કસોટી પથ્થર પર અંકાતી એ સુવર્ણરેખા છે. અત્યંત પરિશ્રમ અને ધીરજપૂર્વકના ચયનનું એ ફળ છે. ચયન બે પ્રકારની હાનિની સંભાવના ઊભી કરે છે અને તેથી સંપાદકને માથે બેવડી જવાબદારી ઊભી થાય છે. સંપાદક ચયન વખતે જે કશુંક સ્વીકારે છે એ જો પ્રતિનિધિત્વ કરતો ઉત્તમ નમૂનો ન હોય અને કૃતિના મૂલ્યથી કોઈ ઈતર મૂલ્યને કારણે જો એનો સ્વીકાર થયો હોય તો સાહિત્યક્ષેત્રે મોટી હાનિ ઊભી કરે છે, તે જ રીતે સંપાદક ચયન વખતે કશુંક છોડે છે અને એમ છોડવામાં જો ઉત્તમ પ્રતિનિધિત્વ કરતો નમૂનો છૂટી ગયો હોય તો પણ એ સાહિત્યક્ષેત્રે મોટી હાનિ કરે છે. એમાં ય રાગદ્વેષથી જો સ્વીકાર કે અસ્વીકાર થયો હોય તો એને સાહિત્યક્ષેત્રનો અપરાધ જ માનવો જોઈએ. સંપાદન એ સાહિત્યના અસ્ખલિત પ્રવાહમાં કશુંક કીમતી વહી જવા ન પામે એને રોકનારો, રક્ષનારો વિવેકબંધ છે. મને યાદ છે. ‘નવમા દાયકાની કવિતા’નું ગુજરાતી સાહિત્ય પરિષદ માટે મેં સંપાદન કરી આપેલું ત્યારે કોઈપણ વાડા કે વાંધાનો વિચાર કર્યા વિના પ્રતિજ્ઞાપૂર્વક પૂરા પરિશ્રમથી હું દાયકાભરના સાહિત્યિક સામયિકમાંથી પસાર થયો હતો. ત્રણ ત્રણવારની ગળણીમાંથી મારી કાવ્યરુચિને અનુસરીને મેં રચનાઓ પસંદ કરી હતી. કવિ નહીં, કવિતા મારો માપદંડ હતો. અને એના પરિણામમાં કોઈ ચોક્કસ વર્ગ તરફથી એમને બહાર રાખ્યાનો આક્ષેપ સંપાદન પર કરવામાં આવેલો. હું માનું છું કે નવમા દાયકાનો ઉત્તમ અંશ સંપાદનમાં પ્રવેશેલો છે. મારે કવિતાનું પ્રતિનિધિત્વ કરવાનું હતું સામાજિક વર્ગોનું કે અમુક તમુક કવિઓનું નહીં. મારે માટે કવિતાની એક જ જ્ઞાતિ હતી. પ્રતિબદ્ધતા પણ કવિતા સુધી પહોંચી શકે છે એ વાતથી હું વાકેફ નહોતો એમ નહોતું. એવું જ ‘ગુજરાતી આત્મકથાલેખન’નું સંપાદન કપરું કામ સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી મને સોંપાયેલું. ગુજરાતી સાહિત્યની અણીથી પણી સુધીની આત્મકથાઓ એકઠી કરવી, વાંચવી, દરેક આત્મકથાકારના વ્યક્તિત્વને અને એની શૈલીને જાણવી અને એવું પ્રકરણ પસંદ કરવું કે જેથી આત્મકથાકારનું વ્યક્તિત્વ અને એની શૈલી ઉત્તમ રીતે પ્રતિનિધિત્વ પામે - આ વાત પરિશ્રમ અને ચોકસાઈ માગી લેનારી હતી. અનેક અવઢવો, અનેક દ્વિધાઓ અને વિકલ્પોનાં જંગલોએ મને મૂંઝવ્યો પણ ખરો. છેવટે કોઈ એક આકૃતિ બની. આ પ્રકારનું આત્મકથાલેખનનું ગુજરાતી સાહિત્યમાં પહેલું સંપાદન હતું. આગળ કોઈ નમૂનો નહોતો. ધોરણ વગર ધોરણ ઉપસાવવાનું હતું અને ઉપસાવેલું ધોરણ ભવિષ્યમાં ધોરણ બનવાનું છે, એ માટેની પૂરતી કાળજી રાખવાની હતી. એટલું જ નહીં, આત્મકથાલેખનના વર્તમાન સંદર્ભનો અને આત્મકથાલેખનના સઘનવાચનનો નમૂનો પણ પ્રાસ્તાવિક રૂપે આપવાનો હતો. સંપાદન એ હળવા મિજાજે બજારને હીંચકે હીંચવાનો પ્રસંગ નથી. ગુજરાતી સાહિત્યમાં આજે અને અત્યારે જો ધડો લેવા જેવું સંપાદનનું કોઈ કાર્ય થઈ રહ્યું હોય તો ‘કવિ નર્મદ યુર્ગાવર્ત ટ્રસ્ટ પ્રકાશન’ તરફથી જે નર્મદસાહિત્યના મણકા રૂપે પુસ્તકો પ્રગટ થયાં છે એને આગળ ધરવું પડે. મૂળ સાહિત્યકૃતિ, એના તત્કાલીન ઉપયોગી સંદર્ભો, એની શ્રમપૂર્વકની શોધ અને પૂરી ઝીણવટ સાથે સંશોધન આપતો અભ્યાસલેખ - આ બધું સંપાદનપુરુષાર્થનું ખંતીલું પરિણામ છે. આવાં સંપાદનો જ સાહિત્યક્ષેત્રની શ્રદ્ધાને ટકાવે છે.