લઘુ સિદ્ધાન્તવહી/અવલોકનની રુગ્ણ પ્રણાલિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૯૪

અવલોકનની રુગ્ણ પ્રણાલિ

અવલોકનનો એ નિમ્નમાં નિમ્ન પ્રકાર બને છે, જ્યારે અવલોકન કૃતિ પરથી ખસી કર્તા પર જઈને ઠરે છે. તેથી જ અવલોકનકાર કૃતિલક્ષી હોય ત્યાં સુધી એને કોઈની શેહ નડવી ન જોઈએ. કોઈક આવીને કહે કે અવલોકન તો કરવું છે, પણ જરાક ટીકા કરવી પડશે, ચર્ચા કરવી પડશે, થોડુંક નકારાત્મક લખવું પડશે અને સામેની વ્યક્તિ અત્યંત સંવેદનશીલ છે, ત્યારે મારો એક જ પ્રતિભાવ હોય છે કે અવલોકન કરવાનું, વિવેચન કરવાનું રહેવા દ્યો. અવલોકનકારે કૃતિલક્ષી રહ્યા પછી કશાની ચિંતા કરવાની રહેતી નથી. હા, એ કૃતિલક્ષી છે એની પ્રતીતિ એને અવલોકનમાંથી કરાવવાની છે. તો, કર્તાએ પણ કૃતિથી અલગ પોતાની જાતને સ્થાપિત કરવાની રહે છે. જે કંઈ વિવેચન થઈ રહ્યું છે તે કૃતિનું છે, કર્તાનું નહીં. અવલોકનની રુગ્ણ પ્રણાલિનાં મૂળ આવી ભેળસેળમાં પડેલાં છે. દુઃખની વાત એ છે કે આપણે ત્યાં સાચા અર્થમાં અવલોકન ઝાઝાં થયાં જ નથી. કૃતિને છોડીને અંગત પૂર્વગ્રહ કે અંગત પક્ષપાત જ જો અવલોકનનું ચાલક બળ બને, અવલોકન અંગેનો તર્ક કૃતિમાંથી ન ખેંચતા અવલોકનને ઊભું કરવા કર્તામાં લંગર નાંગરવું પડે તો એના જેવી અવલોકનની દયનીય બીજી કોઈ સ્થિતિ નથી. વળી, અવલોકનમાં શેને અવલોકવું અને શેને ઉપસાવવું એનો વિવેક જેમ જરૂરી બને છે તેમ અવલોકન સુધી પહોંચતા પણ કોને અવલોકન માટે હાથમાં લેવું અને કેટલું અવલોકન કરવું એનો વિવેક જરૂરી છે. ગુજરાતી સાહિત્યમાં અવલોકન એક છૂટક પ્રવૃત્તિ રહી છે. નવલરામના વખતથી ત્રૈમાસિકની જરૂર હતી. આજે ‘ગ્રંથ’ બંધ પડી ગયા પછી ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક તો છે, પણ નવલરામના જમાનામાં હતાં એનાથી અનેક અનેકગણાં વધારે પુસ્તકોનાં પ્રકાશનોમાંથી યોગ્ય પ્રકાશનોની તારવણી કરવી, પુસ્તકો સહીસલામત હાથોમાં અવલોકન માટે સુપ્રત કરવાં, આવેલાં અવલોકનોને સંપાદનના પોતાના માળખામાં એક અર્થ આપવો અને એ દ્વારા સાહિત્યની ચાલનાને અને એની દિશાને સૂચવતા રહેવું એ એકલદોકલનું ગજું નથી. એ મોટો પુરુષાર્થ માગી લેનારું કામ છે. એમાં જરાક ઝોકું આવે તો મોટાં સ્ખલનો થવાનો સંભવ છે. ‘પ્રત્યક્ષ’ની પ્રશંસનીય કામગીરીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યકોશ’ ભાગ-૩નું ક્યાંય અવલોકન ન આવે તો છેલ્લાં વર્ષોનો ગુજરાતી સાહિત્યની સામગ્રીને અંકે કરવાનો પુરુષાર્થ થયો છે એનું મૂલ્યાંકન પછી ક્યાં શોધવાનું રહે એ સાહિત્યની ચિંતા કરનારાઓએ વિચારવાનું રહે છે. એક તકલીફ એવી પણ છે કે કેટલાક અવલોકનકારો કોઈ વાર્તાસંગ્રહ કે કાવ્યસંગ્રહનું મૂલ્યાંકન પાનાં ઊથલાવીને તરત કરી આપતા હોય છે પણ પુસ્તકની સામગ્રીનું લાંબા અભ્યાસ સાથે મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે તેઓ પાછા હટે છે અથવા તો ચોખ્ખી ના ભણે છે. અભ્યાસ વગરના માત્ર અંગત પ્રતિભાવ પર ટકતાં અવલોકનોની સામે નવલરામે કરેલાં કેટલાંક અવલોકનોનો પુરુષાર્થ આજે પણ આદર્શ તરીકે આંખ સામે રાખવા જેવો છે. નવલરામનાં અવલોકનોમાં જીવનચરિત્ર પરનાં એમનાં અવલોકનો જુઓ. ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ કે ‘મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર’- એમણે માત્ર તપાસ્યાં નથી પણ તત્કાલીન ટાંચા સાધનો વચ્ચે પણ જીવનચરિત્ર પરનો પૂરો અભ્યાસ રજૂ કરીને જીવનચરિત્રની પૂરક માહિતીને પણ એમાં ચર્ચી છે. આજે સામયિકોમાં પ્રગટ થતાં કે ટી.વી. યા રેડિયો પર રજૂ થતાં ગ્રંથાવલોકનો પર ધ્યાન આપો તો સમજાશે કે એમાં પસંદગી પામતાં પુસ્તકોથી માંડી અવલોકનકારોની પસંદગી સુધીની એક અરાજકતા ચારેબાજુ પ્રસરેલી છે. પસંદગીનાં ધોરણો એકદમ અંગત બની ગયાં છે. અવલોકનો ઉપરચોટિયાં, છીછરાં અને સાહિત્યકારણની બૂથી ખરડાયેલાં રહ્યાં છે. આમાં તો ભલભલાં વિત્તસભર પુસ્તકો અભરાઈ પર ચઢેલાં રહે છે અને વિત્તવગરનાં પુસ્તકોની ચારેબાજુ બોલબાલા ઊભી કરવામાં આવે છે. અલબત્ત, જાહેરાતનો યુગ છે. જાહેરાતથી છવાઈ જવાની કલા ઘણાએ હાંસલ કરી છે. આ સંચામાં પુસ્તક લખવા કરતાં પુસ્તક લખ્યા પછીના પ્રપંચો ભારે હોય છે. નાનાં મોટાં ફાટી નીકળેલાં ઈનામો ઉત્ક્ષેપકો બન્યાં છે. પુસ્તક હવે એક બજારુ માલ છે અને એનું વિતરણ પ્રસારણ એક ઉદ્યોગ છે. વર્તમાનનાં આવાં પરિબળો વચ્ચે શુદ્ધ અવલોકન દ્વારા પુસ્તકનું યોગ્ય મૂલ્યાંકન ઝાંઝવાંનો એક ખેલ છે.