શબ્દલોકના યાત્રીઓ – ૧/યશોધર મહેતા

From Ekatra Foundation
Revision as of 02:59, 1 September 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
યશોધર મહેતા

હમણાં શ્રી યશોધરભાઈને શાહીબાગના તેમના નિવાસસ્થાન ‘શિવસદન’માં મળવાનું બન્યું. એમના મકાનના ગાર્ડનમાંનો જૂનો હીંચકો બતાવી તેમણે કહ્યું: અહીં નર્મદાશંકરભાઈ બેસતા. અહીં આનંદશંકર, કેશવ હ. ધ્રુવ વગેરે આવતા અને વિદ્વદ્ ગોષ્ઠિ ચાલતી. શ્રી યશોધરભાઈ પ્રસિદ્ધ દાર્શનિક સ્વ. નર્મદાશંકર મહેતાના સુપુત્ર છે. ગઈ ચોવીસમી ઑગસ્ટે તેમણે બોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો, છતાં આજે પણ એટલો જ ઉત્સાહ અને તાજગી સાથે લેખનકાર્ય કરે છે. તેમની મહત્ત્વાકાંક્ષી નવલકથા ‘નેવું વર્ષ’ના ત્રણ ભાગ પ્રગટ થયા છે. હજુ બીજા ત્રણ ભાગ લખવાના છે. કામ ચાલે છે. ઉપરાંત પોતે સ્થાપેલા અગમનિગમ મંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય માર્ગદર્શન આપે છે. એમના વ્યવસાય વિષય કાયદાશાસ્ત્રમાં એમના ઍડવોકેટ–પુત્ર રાજીવભાઈને સલાહસૂચન કરે છે, મુરારિભાઈને ફેક્ટરીની બાબતમાં દોરવણી આપે છે. નંદનભાઈ અને તેમનાં પત્ની મંજુબહેનને શાસ્ત્રીય સંગીત અને તબલાવાદનમાં રસ છે તો એ માટે એક ઇલાયદું આઉટહાઉસ બાંધ્યું છે. પોતે પણ એ કળાઓમાં રસ લે છે. બોતેર વર્ષની વયે પ્રસન્નતાથી ભર્યું ભર્યું કુટુંબજીવન માણે છે. શ્રી યશોધર મહેતાએ ત્રીસ ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. નવલકથા, નાટક, વાર્તા, ચરિત્ર, પ્રવાસવર્ણન, તત્ત્વવિચાર વગેરે. પણ તે જાણીતા થયા તે તો ચર્ચાસ્પદ નવલકથા ‘સરી જતી રેતી’થી. આ નવલકથાની કાચીપાકી હસ્તપ્રત તો તૈયાર હતી. શ્રી ચંદ્રવદન મહેતાએ તેમની શૈલીની તારીફ કરી લખવા માટે પ્રેરણા આપી અને તેમણે રેડિયો નાટકો લખ્યાં. ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ એ તેમનું પ્રથમ પુસ્તક ૧૯૪૭માં પ્રગટ થયું. આ એક જ પુસ્તકે તેમને પ્રકાશમાં લાવી દીધા. એ વખતના સાક્ષરોએ એના સર્જકને બિરદાવ્યા. ‘સરી જતી રેતી’નો પહેલો ભાગ ૧૯૫૦માં અને બીજો ભાગ ૧૯૫૧માં પ્રગટ થયો. એના ઉપર અશ્લીલ. હોવાનો આરોપ મુકાયેલો અને એ પ્રતિબંધિત પણ થયેલું; પણ છેવટે કોર્ટે એ પ્રતિબંધ રદબાતલ ઠરાવેલો, અમુક પરિચ્છેદો તેમણે કાઢી નાખેલા. આ પુસ્તક પ્રગટ કરતાં તેમણે ૧૯૫૦માં લખેલું કે આ ભૂમિમાં અધ્યાત્મસ્વાતંત્ર્ય અને વિચારસ્વાતંત્ર્યનો મહિમા થયેલો છે. “છેક ઋગ્વેદ જેવા ઋગ્વેદમાં લોપામુદ્રા જેવાં આખ્યાનોથી માંડીને રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત એ લઘુત્રયી, અને કિરાત, નૈષધ અને શિશુપાલ એ ગુરુત્રયી, એમ સઘળાં મહાકાવ્યો, મહાભારત જેવું મહાભારત, ગીતગોવિંદ, અમરૂશતક ઉપરાંત મયૂર અને મુરારિની કાવ્ય પ્રસાદીઓ તથા બીજી અનેક વિખ્યાત સાહિત્યકૃતિઓ, શૃંગારનાં તમામ આલેખનોની બાબતમાં સ્વતંત્રતાની પ્રબોધક છે.” કળાકારનું સ્વાતંત્ર્ય એ મોટી ચીજ છે. કળાકાર કાંઈ પાદરી, ધર્મગુરુ, શિક્ષક કે વકીલ નથી, પણ દર્શક છે અને એનો એકમાત્ર સંદેશો માનવતા છે એવો ખુલાસો પણ તેમણે કરેલો. કનૈયાલાલ મુનશીએ એમની શૈલીની પ્રશંસા કરેલી અને ત્રણ મહિના સુધી કંડુ મુનિની માફક સ્ત્રીઓને ભૂલવાનો પ્રયત્ન કરવાની સલાહ આપેલી. પણ યશોધર તો કહે છે. કે “સમર્થ સાહિત્યકારે કરેલી પ્રશંસાથી સૌ પ્રકુલ્લિત થાય તેમ હું પણ થયો, પરંતુ મારા નસીબમાં સ્ત્રીઓને ભૂલવાનું અને અમર થવાનું એક્કે લખ્યું નહિ હોવાથી સ્ત્રીજન વગરની સૃષ્ટિમાં અમરતાનો લહાવો લૂંટતા કંડુ મુનિને દૂરથી નમસ્કાર કરી કૃતકૃત્ય બન્યો.” વીસમી સદીના મધ્ય ભાગમાં રચાયેલી આ કથાને ત્રીસ વર્ષની આખી પેઢીએ આવકારી છે તે અત્યાર સુધીમાં થયેલી એની આઠ આવૃત્તિઓ અને ખપેલી પંદરેક હજાર જેટલી નકલો ઉપરથી દેખાય છે. પછી તો એક પછી એક એમની નવલકથાઓ પ્રગટ થવા માંડી: ‘મહારાત્રી’, ‘વહી જતી જેલમ’, ‘તુંગનાથ’, ‘મહમૂદ ગઝની’, ‘સંધ્યારાગ’ વગેરે ઘણી નવલકથાઓ તેમણે લખી છે. ‘મંબો જંબો’, ‘ઘેલો બબલ’, અને ‘સમર્પણ’ જેવા નાટ્યસંગ્રહો આપ્યા છે; ‘પ્રેમગંગા’, ‘રસનંદા’, ‘ઉમા હેમવતી’, ‘શક્તિયુગનું પ્રભાત’ જેવાં વાર્તા-પુસ્તકો આપ્યાં છે. ‘કીમિયાગરો’નું ચરિત્રાત્મક આલેખન પણ ઊંચી કોટિનું છે. શ્રી સરોજિની નાયડુ, જવાહરલાલ, સરદાર વલ્લભભાઈ, મહમદઅલી ઝીણા વગેરેનાં આ ‘કલમચિત્રો’ આકર્ષક છે. શ્રી યશોધર નર્મદાશંકર મહેતાનો જન્મ ૨૪ ઑગસ્ટ ૧૯૦૯ના રોજ અમદાવાદમાં થયો હતો. ૧૯૨૭માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી એ મૅટ્રિક થયા, અને ૧૯૩૨માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલા. ૧૯૩૩માં તે બૅરિસ્ટર થવા લંડન ગયા. ૧૯૪૦ના આરંભમાં બૅરિસ્ટર તરીકેનું તેમનું એનરોલમેન્ટ થયું. ૧૯૩૭ના માર્ચ માસમાં તેમનું લગ્ન સર ચિનુભાઈ બૅરોનેટની સુપુત્રી વસુમતીબહેન સાથે થયું હતું. તેમને સંગીત અને ચિત્રનો શોખ છે. પછી તે મુંબઈ આવ્યા. ૧૯૪૨-૪૩માં તેમણે મુરારિ ઍન્ડ કં. નામે વેપારની પેઢી ઊભી કરી તે આજે પણ ચાલે છે. સાથે સાથે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રૅકિટસ પણ કરતા. ૧૯૫૦-૫૧માં તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. ૧૯૫૨થી ૧૯૫૬ સુધી તે ગુજરાતના જનસંઘના પ્રમુખ હતા. ૧૯૫૬ પછી તે સક્રિય રાજકારણથી નિવૃત્ત થયા, પરંતુ સ્વકીય રાજકીય વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. શ્રી યશોધરભાઈ ગુજરાત રાજભાષા કાયદા કમિશનના દસ વર્ષ સુધી અધ્યક્ષ હતા ત્યારે ઉમાશંકરે નોંધ્યું છે તેમ “કૃત્રિમ તરજુમિયા શબ્દોને બદલે તળપદા અને પ્રચલિત શબ્દોનો આગ્રહ રાખી અભિવ્યક્તિનાં સાધનો અંગે મોટી સેવા બજાવી છે. મોટા ન્યાયાધીશોએ પણ એમના કાનૂન પરિભાષા અંગેના કાર્યને બિરદાવ્યું છે.” એ જ રીતે તેમણે ભારત સરકારના રાજભાષા કાયદા કમિશનના સભ્ય તરીકે પણ એક દસકો સેવાઓ આપી હતી. ગુજરાત રાજ્યના લઘુતમ વેતન સલાહકાર બોર્ડના દસ વર્ષ સુધી તે અધ્યક્ષ હતા અને ચાર વર્ષ ગુજરાત સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. ૧૯૭૮ના મે માસથી જાન્યુઆરી ૧૯૮૦ સુધી તેઓ ભારત સરકારના પ્રેસ કમિશનના સભ્ય હતા. સાક્ષર પિતા નર્મદાશંકરભાઈનો આધ્યાત્મિક વારસો તેમને મળ્યો છે. નર્મદાશંકરભાઈની જેમ નૃસિંહાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગનો પ્રભાવ તેમણે ઝીલ્યો છે. ૧૯૫૯-૬૦માં તેમણે અગમનિગમ મંડળ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આ મંડળના ગુજરાતમાં અનેક સભ્યો છે અને એના ઉપક્રમે ગુજરાતભરમાં વ્યાખ્યાનો વગેરે યોજાય છે. યશોધરભાઈ પોતે સરસ વક્તા છે. તેમનાં પ્રવચનોની છટા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. તેમને પ્રવાસનો ખાસ શોખ છે. તેમણે ભારતદર્શન તો કર્યું જ છે, પણ એક રશિયાને બાદ કરતાં આખા યુરોપનો તેમણે ત્રણેક વાર પ્રવાસ કર્યો છે. ઉનાળામાં તે અચૂક કોઈને કોઈ હિલ-સ્ટેશન પર જાય છે. અત્યારે બોતેર વર્ષે પણ તે આસનો અને કસરત કરે છે. યશોધરભાઈ વાતપ્રિય માણસ છે, સર્જક છે અને મનુષ્યપ્રેમી છે. એમના થોડા પરિચયમાં આવનાર પણ એમના પ્રેમથી ભીંજાઈ જાય! થોડા અલગારી ખરા પણ એ અલગારીપણું એક સાહિત્યકારનું છે. બળવંતરાય ઠાકોર જેવા દુરારાધ્ય વિવેચકે તેમનાં નાટકોની પ્રશંસા કરેલી. મુનશી એમની નવલકથાશૈલીના પ્રશંસક હતા. નાટ્યવિદ ચંદ્રવદન મહેતાએ કહેલું કે, એમનાં “નાટકોમાંનું રસદર્શન, સંસ્કૃતિચર્ચા અને નાટ્યછટા ત્રણેય ઉપર હું મુગ્ધ છું. એટલું જ નહિ પણ સંવાદનો વણાટ તેઓ એવી સુંદર રીતે સાધી શકે છે કે ભલભલા તેમની સરખામણીમાં મોળા પડે, એટલી વિપુલ નાટ્યશક્તિ એમનામાં છે.” વિજયરાય વૈદ્ય, ર. વ. દેસાઈ, રામપ્રસાદ બક્ષી, જ્યોતીન્દ્ર દવે, અનંતરાય રાવળ વગેરેએ અને નવી પેઢીના સમીક્ષકોએ તેમની કૃતિઓને વખાણી છે. લખાયેલા પ્રત્યેક શબ્દ પાછળ એના લેખકનું વ્યક્તિત્વ રહેલું હોય છે. એ વ્યક્તિત્વના ચાહકોની સંખ્યા પણ ઠીકઠીક મોટી છે. એમની સહૃદયતા, માયાળુપણું, ઉમદા ખેલદિલ સ્વભાવ અને એક સર્જકને શોભે એવો સ્વતંત્ર મિજાજ ગમી જાય એવો છે. અધ્યાત્મ-વિચારણામાં પણ તેમને જીવંત રસ છે. એમના પ્રકીર્ણ લેખોના અનેક સંગ્રહો થયા છે. ‘સરી જતી કલમ’, ‘અગમનિગમ’, ‘આનંદધારા’, ‘ઋષિઓનું સ્વરાજ્ય’ વગેરે ઉલ્લેખપાત્ર છે. ‘શ્રીકૃષ્ણ — અભૂતપૂર્વ ક્રાંતિકાર’ એ એમનું વ્યાખ્યાન સ્વતંત્ર વિચારણાના નિદર્શનરૂપ છે. આવાં તો અનેક વ્યાખ્યાનો તેમણે આપ્યાં છે. જ્યોતિષવિદ્યામાં પણ એમને રસ છે. એને લગતી છએક પુસ્તિકાઓ તેમણે પ્રગટ કરી છે. તેમની ‘મહારાત્રિ’ નવલકથા હિંદીમાં અનુવાદિત થઈ છે અને તેમણે અંગ્રેજીમાં ‘Radio Rambles’ પુસ્તક લખ્યું છે. છેલ્લાં વર્ષોમાં તેમણે સ્વ. નર્મદાશંકરભાઈનાં કીમતી લખાણો સંગૃહીત કરી પિતૃતર્પણ તો કર્યું જ, પણ ગુજરાતી સાહિત્યની પણ મોટી સેવા બજાવી છે. ‘નેવું વર્ષ’ તેમની મહત્ત્વાકાંક્ષી બૃહદ્ નવલ છે. ૧૮૫૭થી સ્વાતંત્ર્ય સુધીના એટલે કે, ૧૯૪૭ સુધીના ભારતીય સમાજનો ચિતાર આપવાનો તેમનો ખ્યાલ છે. એના ત્રણ ભાગો પ્રગટ થયા છે અને ૧૮૮૦ સુધી તે આવ્યા છે. ત્રણેક બીજા ભાગો પ્રગટ થતાં આપણા સમાજજીવનની ત્રણ પેઢીનું એક નવલકથાકારેં આપેલું અભ્યાસમંડિત ચિત્ર સુલભ થશે. નાટ્યકાર, નવલકથાકાર, ચરિત્રકાર, ધર્મ-અધ્યાત્મચિંતક, કાનૂનવિશારદ અને વારસાગત આભિજાત્યથી ઓપતા યશોધરભાઈનું સાહિત્યક્ષેત્રે પ્રદાન જેટલું સત્ત્વશીલ છે તેટલું વિપુલ પણ છે.

૧૯-૧૨-૮૦