શબ્દલોકના યાત્રીઓ – ૧/સર્જક-પરિચય

From Ekatra Foundation
Revision as of 12:09, 9 September 2025 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય

રમણલાલ જોશી
(૨૨-૫-૧૯૨૬ – ૧૦-૯-૨૦૦૩)

Ramanlal Joshi.jpg


વિવેચક-અધ્યાપક રમણલાલ જેઠાલાલ જોશીનું વતન મહેસાણા જિલ્લાનું વડનગર ગામ. તેમનો જન્મ વિજાપુર તાલુકાના હીરાપુર ગામે થયેલો. પ્રાથમિક શિક્ષણ વડનગરમાંથી, માધ્યમિક શિક્ષણ પિલવાઈમાંથી અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાંથી લઈને ૧૯૫૪માં એમ.એ.ની પદવી મેળવેલી. ઉમાશંકર જોશીના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨માં પીએચ.ડી. થયા. ૧૯૫૪થી ૧૯૫૯ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં રિસર્ચફેલો તરીકે કાર્ય કરીને ૧૯૫૯થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ. એ. આર્ટ્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપ્યા પછી ભાષાસાહિત્ય ભવનમાં રીડર અને પ્રોફેસર પદ પ્રાપ્ત કરીને છેલ્લે ૧૯૮૬માં અધ્યક્ષ તરીકે સેવા આપી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી બે વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ‘કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ’ના ડાયરેક્ટર પદે તથા યુ. જી. સી. તરફથી એમેરિટ્સ પ્રોફેસર તરીકે પણ સક્રિય રહેલા. અધ્યાપનકાર્યની સાથે સાથે તેમણે સાહિત્યિક વાતાવરણને પ્રેરક-પોષક પ્રવૃત્તિઓ પણ વિવિધ સંસ્થાઓના માધ્યમથી કરી. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ‘વિશ્વગુર્જરી’, ‘ગુજરાત સાહિત્ય અકાદમી’માં વિવિધ રૂપે સેવાઓ આપી એ ઉપરાંત ‘સાહિત્ય અકાદમી, દિલ્હી’ તરફથી પ્રકાશિત ‘એનસાઇક્લોપીડિયા ઑફ ઇન્ડિયન લિટરેચર’ના પાંચ ભાગોમાં તેમણે ગુજરાતી ભાષાના કન્વીનર તરીકેનું કાર્ય કરેલું. ‘ભારતીય જ્ઞાનપીઠ’ દિલ્હી, ગુજરાત સરકારના ‘ગુજરાત રાજ્ય શાળા-પાઠ્યપુસ્તક મંડળ’, ‘ઉત્તર ગુજરાત યુનિવર્સિટી’ અને ‘ભાષા નિયામકની કચેરી’ દ્વારા પણ વિવિધ પ્રકારની સાહિત્યિક અને વહીવટી કામગીરી બજાવેલી. તેમની સાહિત્યિક સેવાઓને લક્ષમાં લઈને તેમને ‘અનંતરાય રાવળ એવૉર્ડ’, ‘સાહિત્ય અકાદમી’, દિલ્હીનું પારિતોષિક તથા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલા. સર્જાતા સાહિત્યના સતત સંપર્કમાં રહીને જે કંઈ થોડું ઘણું ઉત્તમ જણાય એને પોંખવાનું કાર્ય એ સતત કરતા રહેલા. એના ફલસ્વરૂપ ૪૦ જેટલાં પુસ્તકો એમની પાસેથી પ્રાપ્ત થાય છે. તેમનું પ્રદાન પ્રમુખતયા વિવેચનક્ષેત્રે, ત્યાર બાદ સંશોધન–નિબંધ અને સામયિક–સંપાદન ક્ષેત્રે છે. – બળવંત જાની
(‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ : ગ્રંથ ૭)