પ્રતિપદા/૮. કમલ વોરા

From Ekatra Wiki
Revision as of 09:10, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs) ()
Jump to navigation Jump to search
૮. કમલ વોરા

કાવ્યસંગ્રહોઃ

અરવ, અનેકએક, પ્રકાશ્યઃ વૃદ્ધશતક

પરિચય:

ગુજરાતી કવિતાના ઓછાબોલા, પણ ઊંડાબોલા કવિ. અભ્યાસે ઈજનેર, વળી ડી.આઈ.એમ. કૌટુંબિક વ્યવસાય ઔષધવિતરણનો. હૈયામાં કવિતા અને કળાઓનો કાયમી નિવાસ. ભાષાનો મેદ ઓગાળવા મથતા મિતભાષી અછાંદસ કવિતાઓના કવિ, કલ્પનો પ્રતીકોને નિસ્યંદિત કરીને પ્રયોજતા કવિ. અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં એમની કવિતા અનુદિત થઈ છે. ૨૦૦૯માં કાવ્યપાઠ નિમિત્તે દુબઈનો પ્રવાસ. સુરેશ જોશીએ આરંભેલા એતદ્‌ સામયિકના ૨૦૧૦થી જોડિયા સંપાદક, – નૌશિલ મહેતાની જુગલબંદીમાં. કવિતા ઉપરાંત થોડીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે

કાવ્યો:

૧. આઠ પતંગિયાં

રાતું પતંગિયું
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક દરવાજા
ઊઘડતા જાય છે

સોનેરી પતંગિયું
સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
એ પણે
એક સોનેરી પતંગિયું
ક્યાંકથી આવી
મારા હાથ પર બેઠું
ને મને ઉગારી ગયું

જાંબલી પતંગિયું
અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું

ગુલાબી પતંગિયું
હું
પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ

પીળું પતંગિયું
અસંખ્ય પતંગિયાં
મારો હાથ
ઢાંકી દે છે
બાજુમાં જ પડેલો
કોરો કાગળ
પવન હાથ લંબાવી
ઊંચકી લે છે

સફેદ પતંગિયું
કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખોમાં

રંગ વગરનું પતંગિયુ
હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું
હવાથી યે હળવો ને
પારદર્શક હતો

p
આ પતંગિયું નથી

૨. ભીંત (ગુચ્છઃ ૨)


ભીંતને કાન હોય છે
ભીંતને
મોં
પણ હોય છે
હાથ પગ છાતી ત્વચા
નસો પણ
નસોમાં ધબક ધબક વહેતું
લોહી પણ
ને શ્વાસોચ્છ્‌વાસ પણ


કાળો ડિબાંગ અંધકાર
પથરાય
કોઈ
બુઝાતી શગની માફક
ભીંત
ઓલવાઈ જાય




કોઈ કોઈ વાર
આ ભીંતની
આરપાર
જોઈ શકાય છે


ભોંય પર પડેલ
એક પીંછું ઉપાડવા
ભીંત
વાંકી વળે છે


વેગીલો પવન
ફૂંકાયો
ભીંતે
હાથ વીંઝ્‌યા
હાથ
તૂટી ગયા


કાન દઈ સાંભળું તો
આ ભીંતોમાં
અસંખ્યા પંખીઓની
પાંખોનો ફફડાટ
સંભળાય છે

૩. કાગડો


શ્વેત
હિમાચ્છાદિતશેલમાળઉન્નતશિખરે
સ્થિર
નિષ્કંપ
એક
કાળો
કાગડો
પશ્ચાદ્‌
વહે વેગે ભૂરાં નભનાં નભ
કાગડો ઊડે ત્યાં સુધી
કાગડો ન ઊડે ત્યાં સુધી
ચલ અચલ
રવ અરવ
તથ વિતથ
ક્ષત અક્ષત
ક્ષણ સમય
કશું જ નથી
કશું જ નહીં
શ્વેતનું ભૂરું થવું
અને ભૂરાનું શ્વેત –ની
વચ્ચોવચ્ચ
એક કાળો
કાગડો

કાગડો
હળવે હળવે
ઢોળાઈ રહ્યો છે

ઉઘાડી ચાંચમાં
અક્ષરોની સળવળાટ વળાંક
તૂટી, થંભી
વિખરાઈ ગયા છે
ઉચ્ચારમાંથી
ઊડી ગયો છે પવન
પાંખો પર ફફડતાં આકાશ
સમેટાઈ
નિષ્કંપ થઈ
પીંછાં સમેત
ઓસરી ગયાં છે
ફાટી ગયેલ ડોળામાંથી
દડી ગઈ છે
પૃથ્વી

કાગડો
ઢોળાઈ ગયો છે કાગળમાં
સફેદ ઉજાસે
છેક છેલ્લું
કાળું બુંદ
ભૂંસી લીધું છે

૪. કોરા કાગળ


કોરા કાગળથી હળવું
પારદર્શક
પવિત્ર
સાચું
સુંદર...
કશું નથી


કાળ
લુપ્ત કરે છે જ્ઞાનને
અજ્ઞાનને
માન અપમાન શબ્દસંધાનને
નામને
હાડ માંસ ચામને
કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને
પથ્થર ઈંટ ઈમારતોને
વસાહતોને
નગર નગરપતિને
રાઈ રજકણ પ્હાડ ખાઈને
કાળ
શનૈઃ શનૈઃ
મુક્ત કરે છે
કાળને સંક્રમી
હું કાગળ
કોરો રાખું છું

ચોમાસામાં
આડેધડ ઊગી નીકળે વનસ્પતિ એમ
શબ્દો
ઘોંઘાટિયા અરાજક બેકાબૂ
ઊપસી આવ્યા છે
કાગળમાં
હું
ખચ્ચ્‌ ખેંચું છું
તસુ
કોરી જગા
મળી આવે!


શાંત સ્વચ્છ સરોવરમાં
આકાશો
આવી આવી સરી જાય...
અનરાધાર વરસતું ધુમ્મસ
સચરાચર
એકાકાર કરી દે
રણમાં
ડમરીએ ચડેલા રેતકણોના સુસવાટા
ફૂંકાઈ ફૂંકાઈ
ફસડાઈ વિલાઈ જાય
સમુદ્રમાં
ઊછળતી લહેરો ઊછળતી
ખળભળતી રહે સમુદ્રમાં
આવું
કંઈક આવું જ
કોરા કાગળમાં
થતું હોય છે.


આભાસમાં વાસ્તવની
વાસ્તવમાં આભાસની
ક્રીડા કરવા
કોઈ કોઈ વાર
કાગળમાં
અક્ષરો થઈ ઊતરું...
રમ્ય વળાંકોમાં
વિહરું છું


શ્વેત ઝંઝાવાતોને
સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને
અંગુલિમાં અવશ કંપનોને
આંતરી
હાથમાં લીધેલ કાગળને
એવો ને એવો
કોરો રાખવો
કપરું છે

૧૦
અક્ષરોથી
ઊંચકી લેવાના પ્રયત્નોમાં
રમમાણ છું
શું છે
આ નિર્મમ ઠંડીગાર સફેદી
હેઠળ?

૧૨
ધરી દે શબ્દભંડાર
વાણીવિલાસ
ઉતારી દે
નામ સર્વનામ મહોરાં
વિશેષણવાઘા
થંભવી દે
ક્રિયા... પદોનાં આંદોલન
થા
થા નર્યા કર્તા સન્મુખ
કર્તુમ્‌ અકર્તુમ્‌ અન્યથા...

૧૩
એક અક્ષર પાડવો
દુષ્કર છે
લખ્યું
ભૂંસતા રહેવું
વિકટ... અશક્યવત્‌ વિકટ
હે નિરભ્ર શુભ્રા...!
સ્પંદિત થઈ વહી આવ
વહી આવ...

ક્ષરઅક્ષરને નિઃશેષ કર
નિઃશેષ કર!