વાર્તાકાર હેમાંગિની રાનડે/પારિજાતક

From Ekatra Foundation
Revision as of 12:43, 3 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પારિજાતક

અમારા નવા ઘરની સામેના બગીચામાં પારિજાતકનાં કેટલાંય વૃક્ષો છે જેનાં ફૂલોની આછી આછી મીઠી સુવાસ બંગલાના વરંડામાં ફેલાઈ જાય છે. હું વરંડામાં ક્યારેક જ બેસું છું. મને થાય છે, હું આ મૃદુ ગંધથી ક્યાંક દૂર ચાલી જાઉં. ખૂબ દૂર. જ્યાં કોઈ પણ જાતની સુગંધ ન હોય… વૃક્ષ ન હોય… ફૂલ ન હોય... મિત્રો, મહેમાનો, ઘેર આવનાર બધા આ ભીની ભીની સુગંધનાં વખાણ કરે છે. સુગંધેય એવી જાણે ગુલાબની પાંખડીઓના ઢગલાઓને પાણીમાં પલાળીને, તે પાણી આંખો પર લગાડ્યું હોય અને તેની ઠંડકથી આખું શરીર શીતલ થઈ જાય, એવી. પણ મને આ ગંધ બેચેન કરી જાય છે. અંદર સુધી અસ્થિર કરી મૂકે છે. મને… મને… નથી ગમતી આ ગંધ… આ સુવાસ… આ વૃક્ષો અહીં ન હોય, તો મારું મન એટલું ન મૂઝાંય! પણ તેમણે, મારા પતિએ, ખાસ મગાવીને આ વૃક્ષો અહીં રોપાવ્યાં છે. તેમને આ સુવાસ અત્યંત પ્રિય છે. તેમની ઇચ્છા છે કે આના છાંયડામાં બેસીને અમો બન્ને તેનો આનંદ માણીએ. ખાસ તે માટે આરસપહાણની બેઠક બનાવવાનો ઑર્ડર અપાયો છે. હવે મારે તેમને કેવી રીતે સમજાવવા કે આ વૃક્ષો, આ સુગંધ, એની નીચે બેસવાનો ક્રમ, મારા જીવનની સૌથી સૂની, સૌથી એકાકી ઘડીઓ સાથે સંકળાયેલો છે. મારા મામાના ઘરની પછવાડે આ વૃક્ષોની હરોળ હતી. પારિજાતકનાં વૃક્ષો. નીચે વરસાદનાં વહેણ માટે બનાવેલા નાળા ઉપર એક નાનકડો પુલ હતો. સામે પગદંડી લોકોની અવર-જવર માટે. પણ ત્યાં તે કેન્દ્રમાં જ્યાં નાનીનું ઘર હતું, અને જ્યાં મામા નોકરી કરતા, કદાચ જ કોઈ આવતું-જતું. ક્યારેક એકાદ ગાડી-મોટર પસાર થઈ જતી. બસ! પગદંડી સાવ સૂની પડી રહેતી. પારિજાતકનાં ફૂલો ખર્યાં કરતાં. હું પુલ પર જઈને બેસતી. ખોબલામાં ફૂલ ભરી કલાકો સુધી તેની સુવાસથી ઘેરાયેલી, સૂની પગદંડી જોયા કરતી. સાંજના પડછાયા ધરતી પર ઊતરતા, અને દીવાબત્તીનો સમય થતો, ત્યારે મામી મને બોલાવતી, ‘ભગવતી, ઓ ભગવતી, અંદર આવતી રહે, તારી અમ્મા હમણાં આવશે.’ અમ્મા પગદંડી પરથી નો’તી આવતી. ઑફિસની બસ તેને કેન્દ્રના મુખ્ય ફાટક પાસે ઉતારતી, અને ત્યાંથી થાકી-પાકી, નીચું જોતી અમ્મા સામેના દરવાજામાંથી ઘરમાં પેસતી. થાકેલી, તૂટેલી અમ્માને જોઈ, મારું કાળજું જાણે નિચોવાઈ જતું. હું જાણી-જોઈને મોડેથી ઘેર આવતી. ત્યાં સુધીમાં અમ્મા હાથ-મોઢું ધોઈને મામી પાસે રસોડામાં જતી રહેતી. કૉફી પીને થોડી સ્વસ્થ થતી. મારી અમ્મા ખૂબ જ રૂપાળી હતી. ગોરી. અમારી તરફ દક્ષિણમાં આવો રંગ ભાગ્યે જ જોવા મળે છે. એ ગોરા રંગમાં ગુલાબી કાંતિ. કાળી નહીં, ભૂરી પણ નહીં, શરબતી રંગની સુંદર આંખો. જ્યારે અમ્મા હસતી-મલકાતી, એ આંખો કાળી દેખાતી અને જ્યારે અમ્મા દુ:ખી, દુભાયેલી હોય, ત્યારે આંખોનો રંગ ભૂરો થઈ જતો. હમણાંની એ આંખો ભૂરી જ દેખાય છે. હું જઈને, નાની પાસે બેસી જતી. નાની રસોડાની બહારના ચોક સામે ગોદડી નાખીને બેસતી. તેના પગ ઝલાઈ ગયા હતા, તે હરી-ફરી નો’તી શકતી. મને જોઈ કહેતી, ‘આવ ચકલી આવ. ડાળીએ ડાળીએ ઊડી આવી?’ પછી મને પકડીને મારા વાળ સૂંઘતી. ‘આહા’! પારિજાતકની સુવાસ તારા વાળમાં વસી ગઈ છે! હું નાનીના ખોળામાં ઢળી પડતી. રાતે પણ હું નાની પાસે જ સૂતી. અમ્મા પાસે સૂવું મને ન ગમતું. ઊંઘમાં અમ્મા ક્યારેક મને પોતાની જોડે ભીંસીને ઊંડા ઊંડા શ્વાસો લેતી. મને લાગતું, રડી-રડીને અમ્મા હમણાં કોઈ ભેદની વાત મને કહેશે. એવી વાત, જેની મને જાણ નથી, છતાંય કોણ જાણે કેમ, એ વાત હું જાણું છું. પણ તે મારે અમ્માને મોઢે નથી સાંભળવી. હું ઘણું કરીને નાની પાસે જ રહેતી. મામાને ત્યાં મારું પોતીકું કોઈ હોય, તો મારી નાની જ હતીને! ક્યારેક, પણ ક્યારેક જ અમ્મા ખિજાતી, ગુસ્સે થતી, આંખો ચઢાવીને કહેતી, ‘દીકરી નથી જણી મેં, દુશ્મનને જન્મ આપ્યો છે. પેટની જણી છે, પણ મારી પાસે ફરકતીયે નથી. આને ત્યાં જ મૂકી આવી હોત તો સારું થાત.’ ત્યારે ક્રોધથી તેની કાળીભૂરી આંખો સફેદ દેખાતી. બિલાડીની આંખો જેવી. અમ્માનું આ રૂપ મને બિવરાવતું. અને હું પારિજાતકની નીચે અથવા નાનીની ગોદડીમાં વધારે ને વધારે સમય વિતાવતી. ત્યારે નાની મને છાતીએ ચોંટાડીને કહેતી, ‘એવા ભૂંડા બોલ બોલ મા છોકરી. આને સથવારે જ તારે જીવતર વિતાવવાનું છે.’ અને અમ્મા નિઃશ્વાસ નાખી, બન્ને ગોઠણ વચ્ચે માથું સંતાડી ખૂબ રડતી. ત્યારે મારું એક મન કહેતું કે હું અમ્મા પાસે જઈ તેની પીઠ પર હાથ ફેરવું, તેને ધીરજ આપું, કહું, ‘અમ્મા,હું છુંને, પછી તું શું કામ રડે છે?’ અને બીજું મન કહેતું કે કહી દઉં, ‘તો કેમ મને મૂકી ન આવી અમ્મા? હું ત્યાં જ રહી હોત. હવે મૂકી આવ મને.’ પણ હું કશુંયે ન બોલતી. ગુપચુપ નાનીના ખોળામાં બેસી, અમ્માનું રુદન સાંભળતી, નાનીના ગરમ નિઃશ્વાસ ઝીલતી, અને તેના હેતની હૂંફમાં સંતાઈને સૂઈ જતી. અમ્માના આ આવેશ પછી થોડા દિવસો સારા જતા. અમ્માનું મન ઠેકાણે રહેતું. નાની પણ બધા જોડે બોલતી. મામી જરીક મારા લાડ કરતી, મામા મારા ભણતરમાં રસ લેતા. અને ફરી પાછી ગાડી જૂના પાટા પર ચાલી નીકળતી. અમ્માની ભૂરી આંખોમાં સફેદ દોરા દેખાતા, ગુલાબી રંગમાં પીળાશ ઊભરાતી અને મારો પારિજાતકની નીચે બેસવાનો સમયાવધિ વધતો જતો. તેનાં ફૂલોની ગુલાબજળ જેવી સુગંધ ફરી પાછી મારા વાળમાંથી નાનીનાં નસકોરાંમાં ભરાઈ જતી. ક્યારેક તે સૂની, કંટાળાભરેલી એકલતામાં કો’ક બનાવ બની જતો. એટલે દાદાજીનું આગમન. આમ જુઓ, તો તેમના આવવા-જવાથી કંઈ ફરક નો’તો પડવાનો. પણ દાદાજી આવતા, પછવાડેના રસ્તા પરથી. આવીને પુલ ઉપર મારી પાસે બેસી જતા. ત્યારે મને લાગતું કે હું ક્યારની તેમની વાટ જોઈ રહી છું. ખરું પૂછો, તો એવું નહોતું. હું કદી તેમનો વિચાર સરખોયે નો’તી કરતી. પણ જેટલી સરળતાથી પારિજાતકનાં ફૂલો વેરાતાં, તેટલી જ સરળતાથી દાદાજી આવતા. અને એમને જોતાંવેંત મને થતું, હું તેમની કેટલી કેટલી રાહ જોતી’તી. એ આવતા, મારી પાસે બેસતા, મારા માથા પર હાથ ફેરવતા, મારું ભણતર, અમ્માની તબિયત, નાની, મામી, મામા, બધાં વિશે પૂછતા. દાદાજીને આ લોકો માટે એટલી લાગણી છે, તો તેઓ ઘેર જઈ, બધાને મળી કેમ નથી આવતા? પણ તેઓ ક્યારેય ઘેર ન આવ્યા. આજે સમજાય છે કે મારી સાથે બીજું શું બોલી શકે દાદાજી? અચકાઈને પૂછતા-કહેતા અમથી અમથી વાતો. ત્યારે મારું મન કરતું કે કહી દઉં, ‘દાદાજી, તમે મારી વાત કરોને. મારા બાપુજી વિષે મને કહો.’ પણ આ બધું ઉદાસીનતાના પડદામાં ઢંકાઈને મારી ઉપર છવાઈ જતું. હું તેને વાણીમાં ન બાંધી શકતી. પછી, દાદાજી ધોતિયાના છેડામાં બાંધેલા બે લાડવા કાઢીને મને આપતા, તેમની ઇચ્છા હતી કે એ લાડવા હું તેમની સામે બેસીને જ ખાઉં. શું કામ? તેમને બીક હતી કે અમ્મા એ લાડવા જોઈ જશે તો ફેંકી દેશે? હું ધીરે ધીરે દાંતોથી લાડવા કરડતી. જ્યારે લાડવા ખવાઈ જતા, દાદાજી ચાલ્યા જતા, મેં તેમને ક્યારેય કહ્યું નહીં કે દાદાજી, લાડવા મને જરીયે નથી ભાવતા. રાતે, નાનીને વળગીને સૂતી વખતે હું તેના કાનમાં કહેતી. ‘દાદાજી આવ્યા’તા.’ નાની ઊંડો શ્વાસ લઈને મારી પીઠ થાબડતી, ‘વેંકટેશ્વરા,વેંકટેશ્વરા…’ લોકો માને છે કે બાળકોને શી ખબર પડે, તે નિર્દોષ શું સમજે? તેમનામાં બુદ્ધિ જ કેટલી હોય! બાળકો બધું સમજે છે. હુંયે બધું સમજતી. મને ખબર હતી કે દાદાજી મારી પાસે આવે છે, તે મારે અમ્માને નથી કહેવાનું. દાદાજીને મારા બાપુજીના વિષયમાં કંઈ નથી પૂછવાનું. મામાની સામે વધારે નથી દેખાવાનું. મામી પાસે લાડ નથી કરવાના. બને ત્યાં સુધી ઘરની બહાર જ રહેવાનું છે. નાનીનું હેત ફક્ત રાતના અંધારામાં જ મળશે, નહીંતર મામીના કુત્સિત સ્મિતનો સામનો નાનીને કરવો પડશે, અને મામીનું એ સ્મિત નાની પહેલાં મને વીંધી નાખશે. આ બધી વાતો કોઈએ મને કહી શીખવી નો’તી, પણ આ બધી વાતો હું જાણતી’તી. અને હું એય જાણતી’તી કે કોઈ એવો બનાવ અમારી જિંદગીમાં બની ગયો છે, જેને ઢાંકી રાખવો, એ નાનીનું અને અમ્માનું, અને હવે અમ્માની દીકરી હોવાને કારણે મારું પણ કર્તવ્ય છે. ત્યારે હું સાત-આઠ વરસની હતી. અમે જ્યારે મામાને ત્યાં રહેવા આવ્યાં, ત્યારે મારી ઉંમર દોઢ વરસની હતી. અને જ્યાં સુધી નાની હયાત રહી, અમે ત્યાં જ રહ્યાં. તેમના મૃત્યુ પછી મામા-મામીનું સાચું રૂપ સામે આવ્યું. ત્યારે નક્કી થયું કે હવે અમે મા-દીકરી બીજે રહેવા જઈશું. અમ્માએ ઑફિસમાં અરજી કરી, તેને એક ઘર ‘અલોટ’ થયું. અમે નવા ઘરમાં રહેવા આવ્યાં, પણ પારિજાતકનાં ફૂલોની સુવાસ, જે મારાં રૂંવેરૂંવાંમાં વસી ગઈ હતી, તેણે જીવનભર મારો પીછો ન છોડ્યો. નવા ઘરમાં દાદાજી ક્યારેય ન આવ્યા. તેઓ ક્યાં સુધી જીવ્યા, કે પછી આ શહેર મૂકીને બીજે ક્યાંય જઈ વસ્યા-મને નથી ખબર. આજે વિચાર કરતા લાગે છે કે જાણે પાણીના વહેણમાં ઝાડનાં બે થડ થોડા સમય માટે પાસે આવ્યાં’તાં, સાથે વહ્યાં, પછી સમયના પ્રવાહે એમને પાછાં છુટ્ટાં કરી દીધાં. હું તેમને હંમેશ યાદ કરતી, એવુંયે નો’તું. પણ હા, જ્યારે તેમને વિષે વિચાર કરતી, ત્યારે મનમાં શૂળ ઊઠતું, કશુંક બહુમૂલ્ય ખોવાઈ ગયાની ભાવના જાગ્રત થતી. અહીં, આ નવા ઘરમાં આવ્યા પછી અમ્માનું કામ વધી ગયું. તે થાકી જતી. મોઢું ચીમળાઈ જતું. મને તેના તરફ જોતાં બીક લાગતી. રાતે હું બેચેન થઈ જતી. નાનીનો ખોળો, તેમની ગોદડી, તેમનાં કપડાંની ગંધ મને ખૂબ યાદ આવતી અને હું બેબાકળી થઈ જતી. નવા ઘરમાં હું ક્યારેય બરાબર નથી સૂતી. સાચું કહું, તો નાનીના મૃત્યુ પછી હું નિરાંતે સૂતી જ નથી. અમ્માને મદદ કરવા હું ઘરનાં બધાં કામો કરી લેતી. સાંજે નિશાળેથી વહેલી આવીને રાંધી લેતી, સાફ-સફાઈ કરી નાખતી, વાસણો ઊટકતી અને મોટાં બૈરાંઓની જેમ બારીમાં બેસીને અમ્માની રાહ જોતી. અમારી ભૂમિકાઓ અહીં આવ્યા પછી બદલાઈ ગઈ. હવે હું અમ્મા હતી. તેનું ધ્યાન રાખવા, તેની રાહ જોવા, તેને રાંધીને ખવરાવવા... અને અમ્મા… દીકરી, ઘણી બધી બાબતોમાં મારી ઉપર નિર્ભર, એક હદ સુધી મારા હોવાથી નિશ્ચિત અને તોય હંમેશની જેમ ચૂપ. રાતે જ્યારે મારી ઊંઘ ઊડી જતી, હું મારા પિતા વિષે વિચાર કરતી. ક્યાં હશે, કેવા હશે? કેવા દેખાતા હશે? મારા જેવા? એ જીવતા છે એ હું જાણતી હતી, નહીંતર અમ્મા સિંદૂર શા માટે લગાડે છે? અમ્માના ગોરા કપાળ પર સિંદૂરનો મોટો ચાંદલો ખૂબ જ દીપી ઊઠતો. નાનીએ એક વાર નો’તું કીધું, ‘આ રૂપે જ નખ્ખોદ વાળ્યું છે?’ મનમાં ને મનમાં હું માતા-પિતાને લઈ કથાઓ રચતી, આ રાજકુમારી, રાજકુમાર પિતા સફેદ પાંખોવાળા ઘોડા પર બેસીને આવ્યો હશે, અમ્માને જોઈ રીઝી ગયા હશે... પછી... પછી તે પોતાને દેશ ઊડી ગયા હશે. અમ્માને કહી ગયા હશે કે જ્યારે સમય અનુકૂળ હશે, હું આવીશ અને તમને બન્નેને લઈ જઈશ… ત્યારે શી ખબર હતી કે પરીકથાઓ ફક્ત મન બહેલાવવા માટે જ હોય છે. તે કથાઓ છે, તે સાચી નથી હોતી, સાચી હોઈ જ નથી શકતી. જ્યારે આ સ્વપ્નો જુઠ્ઠાં પડી જતાં, કોઈ વળીને પાછું ન આવતું, ત્યારે અમ્માની આંખોનું સૂનું આકાશ ઘટ્ટ થઈને મારી આંખોમાં આવી વસી જતું. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. અમારા ક્વાર્ટરની સામે એક નવું મકાન બંધાવવાની શરૂઆત થઈ. ઑફિસમાં અમ્માની ઉન્નતિ થઈ, અમ્મા ઑફિસર બની. હું ઉપરના ધોરણમાં ગઈ, આવતું વરસ હવે નિશાળનું મારું છેલ્લું વરસ. મારુંય કામ વધ્યું. ઘરકામ પતાવીને હું ભમતી. તોયે સમય ન ખૂટતો. બારીમાં બેસીને હું સામેવાળા મકાનને જોયા કરતી. મકાન પર કામ કરનાર મજૂરોને રહેવા માટે ઝૂંપડાં બાંધેલાં હતાં. એક ઝૂંપડામાં બે બહેનો અને એક નાનો ભાઈ, મા-બાપ જોડે રહેતાં. અમારી બારીમાંથી તે ઝૂંપડું સાફ દેખાતું. કલાકો સુધી હું જોયા કરતી. હવે મને મારું પોતાનું એક કુટુંબ મળી ગયું. મને લાગતું, આ મારો પરિવાર છે. એ કુટુંબને લઈને હું કેટલીયે વાતો ઘડી કાઢતી. સળિયાઓની બીજી બાજુએથી તેમની રમત, તેમના જીવનમાં શામિલ થઈ જતી. સાંજે મા-બાપ ઘેર આવતાં, બાળકો દોડીને તેમને ચોંટી પડતાં. દીકરો બાપના ખભા પર કૂદકા મારતો, બાપ બચકારીને તેને વહાલ કરતો. દીકરાની જગ્યાએ હું મારી પોતાની કલ્પના કરતી અને રોમાંચિત થઈ જતી. આ મારા બાપુજી છે, પરદેશથી પાછા આવ્યા છે, મારે માટે ખોબલો ભરીને ભેટ-વસ્તુ લાવ્યા છે, આટલાં વરસો પછી મને નિહાળીને ન્યાલ થઈ ગયા છે… મને વહાલ કરે છે… બાજુનું મકાન તૈયાર થઈ ગયું, મજૂરો ચાલ્યા ગયા, મારું કુટુંબ વિખેરાઈ ગયું. ઘરનું કામ, ભણતરનો ભાર, અમ્માની ચુપકીદી, બધાંએ મળીને મારી એકલતા વધારી દીધી. અને મારી આજુબાજુ કેટલાંયે પારિજાતકો ઊગી આવ્યાં… એક સાંજે, અમ્મા ઑફિસેથી હજુ આવી જ હતી કે નવા મકાનનું એક કુટુંબ અમને મળવા આવ્યું. સ્ત્રીએ પૂછ્યું, ‘મમ્મી ક્યાં છે બેટા?’ હું અંદર ગઈ. પાછી આવી તો પુરુષે પૂછ્યું, ‘પપ્પા હજુ નથી આવ્યા?’ મેં ખંચકાઈને કહ્યું, ‘પપ્પા અહીં નથી રહેતા, પરદેશમાં છે.’ મહિલાની આંખો જરીક ફેલાઈ. તેણે ચારેબાજુએ નજર દોડાવી. સૂનું, વેરાન ઘર જોઈ, મશ્કરી કરી, ‘ત્યારે તો સારી મજાની વસ્તુઓ લાવતા હશે નહીં તમારે માટે?’ તેનું આ મહેણું મનમાં ક્યાંક ભોંકાઈ ગયું. ‘હા, લાવે છેને! અમારું એક બીજું મકાન પણ છે. શહેરની બીજી બાજુએ. અહીં તો અમે અમ્માની ઑફિસ પાસે છેને, માટે રહીએ છીએ. પપ્પા આવશે, ત્યારે અમે ત્યાં જતાં રહીશું.’ એકશ્વાસે હું બોલી ગઈ. અમ્મા બહાર આવી. બીકનો માર્યો મારો અવાજ બેસી ગયો. પણ કોણ જાણે, મારા જૂઠાણાની એ કમાલ હતી કે પછી પાડોશી ધર્મનો તકાજો, પહેલાં અમ્મા જરીક ખચકાઈ. પછી તે લોકોને બેસાડ્યા, ગૃહસ્થધર્મ સંભાળ્યો. તેઓ જોડે ખૂબ પ્રેમથી બોલી, મને કૉફી લાવવા માટે કહ્યું. હું કૉફી લઈને આવી, ત્યારે અમ્મા કહેતી’તી, ‘એકલાં એકલાં મન તો નથી લાગતું, પણ શું થાય! તેઓ પાછા આવશે, ત્યારે સંસાર વસાવીશું. નહીં તો અમને ત્યાં બોલાવી લેશે, તો આને લઈને ત્યાં વસી જઈશું.’ હું થીજી ગઈ. એટલે… એટલે આ બધી વાતો સાચી છે! બાપુજી અમને બોલાવી લેશે? તો શું પરીકથાઓ સાચી હોય છે? રાજકુમાર સફેદ પાંખોવાળા ઘોડા પર બેસીને આવશે? મારા મન પર ફેલાયેલો પંદર વરસોનો પડછાયો શું ઊતરી જશે? પાડોશીઓ ગયા. અમ્મા અંદર આવી. મેં નિશ્ચિત નજરે તેની ભણી જોયું અને મારાં ગાત્ર ગળી ગયાં. આજે ઘણાં વરસો બાદ અમ્માની આંખોમાં સફેદ દોરા દેખાયા. તેણે કપ-રકાબી મૂક્યાં, રસોડાનો દરવાજો બંધ કર્યો. એક પાટલો ખેંચીને પોતે બેઠી, બીજા પાટલા તરફ ઈશારો કરી, મને બેસવા કહ્યું. અમ્માએ ક્યારેય મારી ઉપર હાથ નો’તો ઉગામ્યો, પણ આજે મને થયું, મારી ખેર નથી. આજે અમ્મા મને જીવતી નહીં મૂકે. મારી મારીને અહીં રસોડામાં જ દાટી દેશે. ‘બેસ’, મૃત અવાજે તેણે કહ્યું. હું બીતી, ધ્રૂજતી બેસી ગઈ. ‘મારે તને બધું કહેવું જોઈતું’તું, એ હું જાણું છું.’ તેમનો અવાજ થરથરતો હતો. ક્રોધથી… કે પછી આંસુઓના ભારથી, હું નથી જાણતી. ‘તું જન્મી અને જ્યારે મેં જાણ્યું કે તું રૂપાળી નથી, મેં રાહતનો શ્વાસ લીધો કે મારા અંજામથી તું બચી જઈશ.’ એટલા ભય ઉપરાંત પણ મારા મનમાં ઠેસ લાગી. હું સુંદર નથી, અમ્માની તોલે તો નથી જ નથી. પણ તેનો અફસોસ જેટલો મને આજે થયો, ક્યારેય નો’તો થયો. આજે, મારા સિવાય કોઈ બીજાએ મારી આ ઓછપ સામે આંગળી ચીંધી હતી. ‘હા’, અમ્મા કહેતી ગઈ, ‘આ મારું રૂપ મને લઈ ડૂબ્યું. હું ભણતી હતી. મારે આગળ ભણવું’તું ખૂબ, ખૂબ હોંશ હતી. પણ એક દિવસ તારા દાદાજીએ મને જોઈ. ચોંક નહીં. તારે એક દાદાજી પણ છે.’ અમ્માના અવાજમાં ભારોભાર તોછડાઈ હતી. અરે! તો શું અમ્માને ખબર નથી કે દાદાજી મને મળવા પારિજાતકનાં વૃક્ષો નીચે આવતા, લાડવા લઈને! અમ્મા કહેતી ગઈ, ‘તેમણે મને જોઈ, પસંદ કરી અને મા પાસે માગણી લઈને આવ્યા. તેમના દીકરા જોડે મારાં લગ્નની માગણી. દીકરો અહીં નહોતો રહેતો. પરદેશમાં હતો.’ નિઃશ્વાસ નાખીને અમ્માએ કહ્યું, ‘બસ! આટલી જ વાત સાચી છે.’ થોડી વાર ચૂપ રહીને જોડ્યું, ‘તારો બાપ પરદેશમાં હતો. તેને બોલાવવામાં આવ્યો. મારા કુટુંબના લોકો આ સગપણથી ખૂબ ખુશ હતા. ત્યારે મારા બાપુજી નો’તા, ભાઈની દયા ઉપર મા જોડે મારેય જીવવું પડતું’તું, મેં કેટલું કહ્યું, મને ભણવા દો. આટલી ઉતાવળ ન કરો. મને મારા પગ પર ઊભી રહેવા દો. પણ મારી વાત કોઈએ ન સાંભળી. તારા બાપ જોડે મારાં લગ્ન કરી દેવાયાં.’ અમ્માએ ગોઠણ પર હડપચી ટેકવી. પછી હાથ લંબાવીને મને પોતાની પાસે બેસાડી લીધી. ના... ના… મારું મન કહેતું હતું, મારે નથી સાંભળવું. હવે તું જે કહેવાની છો અમ્મા, એ વાત મારે નથી સાંભળવી. ના કહે મને… ના કહે અમ્મા… પણ હું ત્યાં જ થીજીને, લાકડું બનીને બેસી રહી. એક શબ્દ પણ મારા મોઢામાંથી ન નીકળ્યો. અમ્માએ વાત આગળ વધારી. ‘આ બધું તને આવી રીતે કહીને મારી લાજ હું તારી સામે ઉઘાડી કરું છું, પણ બેટા…’ આ પહેલાં અમ્માએ મને કદીયે બેટા કહીને નથી બોલાવી. મારા શરીરની અંદરનો એક ખૂણો સહેજ ઓગળવા લાગ્યો… ‘પણ બેટા, હવે તું મોટી થઈ ગઈ છે, સ્ત્રી-પુરુષના સંબંધો બહુ વિચિત્ર હોય છે.’ કહેતી અમ્મા ચૂપ થઈ ગઈ. પછી જાણે હિમ્મત બાંધીને તેણે આગળ વધાર્યું, ‘લગ્ન પછી જ્યારે અમે પહેલી વાર પાસે આવ્યાં, તેમણે બળ વાપરીને… વેચાતી લીધેલી વેશ્યાની જેમ... મને વાપરી…’ અને અમ્મા રડી પડી. સુક્કાં હીબકાં… મારા હાથ ધ્રૂજી ગયા… મારે નથી સાંભળવું અમ્મા. તું ચૂપ રહે. ભગવાનને લીધે ચૂપ થઈ જા… ન સંભળાવ મને… આ બધું મને નથી... આ ઊબકા આવે તેવી વાત... પણ મારા મોઢામાંથી શબ્દેય ન ફૂટ્યો… અમ્માનાં હીંબકાં ધીરે ધીરે શમ્યાં. તેણે સોજેલું મોઢું મારી ગમ ફેરવ્યું અને બોલી, ‘સુંદર, રૂપાળી છોકરીઓ સાથે સમાગમ કરવો એ એને માટે એક રમત હતી, નહીં તો… નહીં તો... ત્યાં પરદેશમાં તેનાં લગ્ન થઈ ગયાં હતાં. બે બાળકો પણ હતાં. આ બધી વાતો તે આઠ દિવસોમાં, જ્યારે હું તેની પાસે રહી, તેણે ખૂબ લહેજતથી મને કહી સંભળાવી અને મારી સામે બે પ્રસ્તાવો મૂક્યા. હું તેની જોડે પરદેશ જઈ, તેની પત્ની તથા બાળકોની સેવા કરું, કારણ કે હવે આ લગ્ન પછી મારા જેવી એંઠી, ભ્રષ્ટ સ્ત્રીનો સ્વીકાર કોણ કરવાનું હતું? અથવા હું અહીં સાસરિયામાં રહું, એટલે જ્યારે તે રજામાં અહીં આવે, ત્યારે હું તેની… તેની શૈયાની શોભા વધારી શકું.’ અને રડવાનો વેગ પાછો વધી ગયો. અમ્મા રડતાં રડતાં વાંકી વળી ગઈ. પણ સ્તંભિત હું, તેને ચૂપ કરાવવા એક શબ્દ પણ ન બોલી શકી. એટલે… એટલે મારો વહેમ બરાબર હતો. પરીકથાઓ સાચી નથી હોતી, ક્રુર હોય છે, અને રહી રહીને મારા મન પર છવાતી ગઈ, તે ગુલાબજળ જેવી સુંગંધ… મીઠ્ઠી… મડદાના સડેલા માંસમાંથી નીકળતી મિઠ્ઠી વાસ જેવી… જે વાસ કેમેય ધોઈ નથી શકાતી… બીજે દિવસે અમ્માનું મોઢું ફિક્કું અને સુક્કું હતું, અવાજ સપાટ. મને કહે, ‘તું એ જ આઠ દિવસના અમારા સમાગમનું દાન છો. તારા જન્મ પછી થોડા દિવસોમાં મેં તે ઘર તજી દીધું. મારી માએ મને આશરો આપ્યો. ત્યાર બાદ બે વરસ સુધી પાછું શિક્ષણ શરૂ કરી, પૂરું કર્યું. અને નોકરી લીધી. અને… અને એટલે જ… એટલે જ, તારો બાપ ત્યાં પરદેશમાં છે અને હું એના જ નામનું સિંદૂર લગાડું છું, આ જૂઠાણું હવે મારી સાથે તારે પણ ઓઢીને જીવવું પડશે, કારણ કે એ જૂઠાણાના છાંયડા હેઠળ જ બે એકલી સ્ત્રીઓ આ દુનિયામાં જીવી શકે છે.’ અને ત્યારથી મેં પણ એ અસત્ય ઓઢીને છ વરસ વિતાવી દીધાં. પણ એ ઓઢણી કેટલી ભારે હતી, તે મારા સિવાય બીજું કોણ જાણી શકે? હા, અમ્મા જાણતી હતી. તેણે આ અસત્ય પંદર વરસ ઓઢી રાખ્યું હતુંને! જ્યારે મારી સાથે આ વહેંચાઈ ગયું ત્યાર પછી તેની આંખો કદીય કાળી ન થઈ, તેમાં સફેદ દોરાઓ પણ ન દેખાયા. તે આંખો ત્યાર બાદ ભૂરી જ રહી, પણ એ ભૂરા રંગમાં ધગધગતા દાવાનળ પછી ફેલાયેલી ધૂંધળી ગરમી નો’તી, તળાવના લીલ જામેલા પાણીની મૃતવત્ ઠંડક હતી. આ છ વરસોમાં ઘણું બધું થયું. હું ગ્રેજ્યુએટ થઈ. અમ્મા બીમાર પડી. પણ એટલી ધીમી ગતિએ કે તેની તબિયત બગડી છે, એ હુંયે ન ઓળખી શકી, અને ન ઓળખી શક્યા તેની ઑફિસના સહયોગી, કદાચ અમ્મા પોતેય નો’તી જાણી શકી. જ્યારે બધાને જાણ થઈ, ખૂબ મોડું થઈ ગયું હતું. તેને હૉસ્પિટલમાં દાખલ કરી, મામાને ખબર મોકલી અને મારી રૂપાળી અમ્મા સુકાઈને ઠૂંઠું બની, એક સાંજે ગુપચુપ પાલવ સંકોરીને, આ દુનિયાથી સિધાવી ગઈ. વારસામાં દુ:ખ અને સણકની પોટલી મારી અંજલિમાં મૂકી, પોતે સુખની શોધમાં નીકળી ગઈ. મામાએ ઉપચાર પૂરતો મને સાથે લઈ જવાનો પ્રસ્તાવ રાખ્યો. હું આમેય તેમની સામે અસહજ થઈ જતી અને પારિજાતકની તે સુંગધમાં પાછા ફરવું મારે માટે અસંભવ હતું. અમ્માની ઑફિસે મને નોકરીની ઓફર આપી. મેં ન લીધી. વીતેલા જીવનનું કશુંયે હું લેવા નો’તી માગતી. દેશના ઉત્તર ભાગમાં કૉલેજમાં ભણાવવાની નોકરી મેં શોધી લીધી. અને જન્મસ્થાન અને તેની સાથે સંકળાયેલી વિભીષિકાઓથી મેં મારો છૂટકો કરી લીધો. અહીં મને થોડી શાંતિ, રાહત મળી. કામમાં મારું મન લાગ્યું. વિદ્યાર્થીઓની વચ્ચે યૌવનનો છેડો ક્યારેક પકડમાં આવશે એવો ભાસ થયો. ઉદાસીનતા જરૂર મને જ્યારે-ત્યારે ઘેરી લેતી અને મારો શ્વાસ રૂંધાઈ જતો. પણ અહીં મને એક માણસ મળ્યો, જેણે ઉદાસીનતાના આ પાશમાંથી મને છોડાવવાની ઇચ્છા પ્રગટ કરી. મેં એનો આશરો મંજૂર કરી લીધો. પણ… પારિજાતકનાં ફૂલોની આ ભીની-ભીની સુગંધે હજુ મને બાંધી રાખી છે. સ્મૃતિમાં વસેલી આ મૃદુ ગંધ શું ક્યારેય મારો કેડો નહીં મૂકે…?

(‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-૨૦૦૭)