અભિમન્યુ આખ્યાન/કડવું ૩૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૩૩

[પ્રેમાનંદે પોતાનાં અન્ય ઉત્તમ આખ્યાનોમાં ખીલવ્યો છે એવો હાસ્યરસ પ્રસ્તુત આખ્યાનમાં ખીલવવાની તક નહિવત્‌ હોવા છતાં એવી તક ક્વચિત ઝડપી છે ખરી. આ કડવામાં યુદ્ધપ્રસ્થાન કરતી આખી ય સેના, ઉત્તરા સામી મળતાં, ક્ષણાર્ધ તો મોહવિવશ બની જતી આલેખાઈ છે. ‘નળાખ્યાન’ના દમયંતીસ્વયંવર-પ્રસંગમાં દમયંતીને જોઈ વિવશ બનતા રાજાઓ અને દેવોની ચેષ્ટા દ્વારા નિષ્પન્ન કરેલા હાસ્યરસની આરંભદશા અહીં દેખી શકાય છે.

કડવાના ઉત્તરાર્ધમાં ઉત્તરા-અભિમન્યુની ‘મળી દૃષ્ટોદૃષ્ટ’નું શૃંગારરસિક આલેખન છે. બન્ને પરસ્પરને જોતાં સ્નેહાકર્ષણ અનુભવે છે.]


રાગ નટની ચાલ

મળી મહિલા મારગ માંહે, વાહન વિના પાળી;
સર્વ સેનાને જાતી જુદ્ધે મૃગાક્ષી રહી ભાળી.          ૧

વીર માત્ર વિસ્મે થયા, નારી-રૂપ અપાર;
ચળ્યાં ચિત્ત ને ચાબક પડિયા, ચિત્ર-લખ્યા અસવાર.          ૨

રથી સાન કરે સારથિને, ‘હય હાંકો પ્રેમદા પાસ.’
મોહ્યા સારથિ, સૂધ નહિ, તેહનાં પડ્યાં પરોણા રાશ.          ૩

વિપરીત ધજા ગ્રહી સેવકે, જેષ્ટિકા ઊંચી કીધી;
હય હસ્તી ભટક્યા સેનામાંહે, ઉત્તરાકુંવરી બીધી.          ૪

ખચકી સેના મોહ પામી, ને મારગનો થયો રોધ;
સેનાપતિ ને સાત્યકિ જાદવ, આવ્યા બેઉ જોધ.          ૫

સેના સર્વ ચાલતી કીધી, ઓળખી મત્સ્યકુમારી;
સાત્યકિએ જઈ કહ્યું ધરમને, ‘આવી વધૂ તમારી.’          ૬

અભિમન્યુએ ઉત્તરા દીઠી, ઉત્તરાએ અભિમન્ય;
નરનારી બેઉ રૂપ વખાણે, ‘બ્રહ્મા તુંને ધન્ય.’          ૭

અન્યોન્ય મીટ મળી, ઓળખે નહિ કો કોને;
જોતાં જોતાં તૃપ્તિ ન પામે, ચંદ્રકળા દ્યુતિ બેઉને.          ૮

ઊુત્તરાએ અભિમન્યુ નીરખી નયણે ભરિયાં આંસુ;
‘આવા નાથનો હાથ ન ઝાલ્યો અવતાર ખોયો ફાંસુ!          ૯

હરિ હર બ્રહ્માએ મળીને એ પુરુષને ઘડિયો;
ચંપકવર્ણ વપુ છે એનો, કનકની ખોલે મઢિયો.          ૧૦

ધન રે માતા તાત તેહનાં, ધન્ય કુટુંબ પરિવાર;
ધન્ય નારી વ્રત કરનારી, જેને આવો હશે ભરથાર.          ૧૧

‘મેં સુક્રિત કાંઈ કીધું નથી, તો ક્યાંથી આવો સ્વામી?’
અભિમન્યુ વિચારે મનમાં, રથ રાખ્યો મોહ પામી :           ૧૨

‘બ્રહ્માએ નિરમી એ નારી, વળી સૃષ્ટિમાં હદ્દ;
એના રૂપથી ચળે જોગી શંકર સરખા સિદ્ધ.          ૧૩

રતિ, તિલોત્તમા ને રંભા, એહ સ્વરૂપથી હારે;
કોની કુંવરી, ક્યાંથી આવી, ચરણ ધરણ કેમ ચાલે?’          ૧૪

વલણ
ચરણ ધરણ કેમ પ્રેમદા, આંહીં આવી કોણ કાજ રે?
અભિમન પૂછે ધરમને, મૂકી મનની લાજ રે.          ૧૫