અભિમન્યુ આખ્યાન/કડવું ૩૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૩૭
[અભિમન્યુની આ સલાહ ઉત્તરોને દૃઢ બનાવા પ્રેરે છે. શત્રુદળને હણવા એ અભિમન્યુને ઉત્સાહભરી વિદાય તો આપે છે, પણ પ્રસ્થાન કરતા પતિની પીઠ જોતાં જ ભાંગી પડતી અને ચોધાર આંસુ સારતી ઉત્તરાનું લાઘવયુક્ત ચિત્ર કરુણરંગી બને છે. અભિમન્યુ યુદ્ધે ચઢે છે.]


રાગ સામેરી

ઉત્તરાનાં વાયક સાંભળી, અભિમન્યુ તે બોલ્યો વળી;
‘મારા સમ જો આંસું ભરો, કાં આંખલડી રાતી કરો?          ૧

નારી તમો છો ક્ષત્રાણી, તો નવ ઘટે દીન વાણી;
રણ થકી જો ઓસરવું, મહિલા, તે પેં ભલું મરવું.          ૨

તમે આજ્ઞા કરો,’ એવું જાણી, પછે બોલ્યાં ઉત્તરારાણી :
‘સ્વામી, મન છે તો પધારો, જઈ શત્રુને સંહારો.          ૩

તમારી માતાને ભાગ્યે ઊગરજો, તે શત્રુનાં શીશ તમો હરજો;
તમે યુદ્ધ કરવાને જજો સ્વામી, થવાયે તેવા થાજો.          ૪

કંથજી, કુળને દીપાવજો, યશ ઉપજાવી ઘેર આવજો;’
એવું કહીને પાગે લાગી, અભિમન ચાલ્યો આજ્ઞા માગી.          ૫

પ્રેમદા ફરી ફરી પાછું જોતી, ખરે આંસુડાં નિર્મળ મોતી;
વ્હાલાજીનો વાંસો નવ ખમાય, વળી જુએ તો વારુ થાય.          ૬

વલવલાટ ઘણુંએક કરી, રોતી મંદિરભણી પરવરી;
નયણે આંસુ મૂક્યાં રેડી, સખી ગયાં ઘરમાંહે તેડી.          ૭

મળ્યાં સુભદ્રા ને પાંચાલી, પાયે લાગી મત્સ્યની બાળી;
જ્યારે અભિમન્યુ રણ ચાલ્યો, રથપ્રહારે મહીધર હાલ્યો.          ૮

પેલી સેના રહી આથડી, સામાસામાં રહ્યાં દળ ચઢી;
દુંદુભિ-નાદ બહુ ગડગડે, મેહ અષાઢો જેમ ધડધડે.          ૯

વલણ
ધડધડે સેના મેઘની પેરે; ઘોષ જઈ લાગ્યો ગગન રે;
કૌરવને કંપાવતો રણ આવિયો અભિમંન રે.          ૧૦