અભિમન્યુ આખ્યાન/કડવું ૩૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૩૬
[ઉત્તરા અભિમન્યુને કૌરવદળના સમર્થ મહારથીઓનો ભય દર્શાવી પોતાને હૈયે પડેલી ફાળ વ્યક્ત કરે છે.]


રાગ ધનાશ્રી

‘પિયુજી! શું થાશે રે, મારા પિયુજી! શું થાશે?
આજનો દહાડો મારો ક્યમ જાશે? પિયુજી શું થાશે રે?          ૧

કોણ સારુ વઢવા સંચરો, ચક્રાવો લેવો છે કપરો;
કૌરવ જોધમાં તમો છો બાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૨
વ્યૂહને મુખે ઊભા છે દ્રોણ, તમને જીતવાનું કીધું પોણ;
પ્રતિજ્ઞાનો તે પ્રતિપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૩
શકુનિ કૈતવ, પાપી કર્ણ, જેને દીઠે પામિયે મર્ણ;
દુષ્ટ હૃદેના નથી રે દયાય, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૪
જયદ્રથ સરખા જોધ નવનવા, મહાભયાનક ભૂરિશ્રવા;
કૃતવર્મા છે કૃતાંત કાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૫
દુષ્ટ હૃદેનો દુર્યોધન, મનનો મેલો છે દુઃશાસન;
કૌરવ ઝેરી જેવા વ્યાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૬
અશ્વત્થામા ભડ મહામલ્ય, વળી સિંહ સરખો સામો શલ્ય;
નાખશે તમને શરની જાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૭
વરસશે બાણ તણા વરસાદ, અંતરિક્ષ અંધારું ઉલ્કાપાત;
અગ્ન્યસ્રની ઊડશે જ્વાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૮
ભોગળ મુગદળ ગદા ને ફરસી, આયુધ અંગ પરમ રહેશે વરસી;
તે વેળા શી કરશો ચાલ? તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૯
કાકા કેરી ત અલ્પ સગાઈ, અર્જુન હોય તો આવે ધાઈ;
પાસે નથી મામો શ્રીગોપાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૧૦
આંખડી મારી જમણી ફરકે, હૃદય મારું ઉચાટે ઉધરકે;
હું કેવો દેખીશ સંધ્યાકાળ, તેણે મારા પેટમાં પડે છે ફાળ.
પિયું          ૧૧
વલણ

સંધ્યાકાળ હું દેખીશ કેવો ઘડી જુગ સરખી થશે રે;
નિમેષ નહિ મળે નયણે, જોઈ રહીશ એણી દિશે રે.          ૧૨