અભિમન્યુ આખ્યાન/કડવું ૪૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૪૮
[૪૧મા કડવાથી આરંભાયેલા કોઠાયુદ્ધના વર્ણનમાં છઠ્ઠા અને સાતમા કોઠાનું યુદ્ધવર્ણન વિશેષ આસ્વાદક બન્યું છે. અને એ સ્વાભાવિક પણ છે. કેમ કે જેમ અભિમન્યુ એના અંતિમ લક્ષ્ય તરફ ધસતો જાય એમ એ યુદ્ધ એને માટે વિશેષ કટોકટીભર્યું બનતું જવાનું ને! મચેલા ભીષણ યુદ્ધે સમગ્ર કુરુક્ષેત્રને લોહિયાળ કરી મૂક્યું. અંતે કૌરવ કપટમાં અભિમન્યુ ફસાઈ ગયો; પણ કૌરવોને પોતાનો અંતિમ શૌર્યચમત્કાર બતાવવામાં એણે પાછી પાની ન કરી. એણે એકલે હાથે કૌરવસેનાનો કચ્ચરઘાણ કરી એને કાગારોળ કરતી મૂકી.]


રાગ પરજિયો

વૈશંપાયન વદે વળતું : સુણ જનમેજય ભૂપાળ રે;
ખટ રથીએ ખપ કરી માર્યો અર્જુન કેરો બાળ રે.          ૧

ઢાળ
બાળ જે સવ્યસાચી તણો, સુભદ્રાનો જાયો;
ખટમે કોઠે ખંખારીને કૌરવ ઉપર ધાયો.          ૨

ત્રીજે પહોરે પાંડવે, યુદ્ધ માંડ્યું પુનરપે;
અભિમન્યુ શોભવા લાગ્યો, વીંટ્યો ચહુદિશ સર્પે.          ૩

પાંડવ, પાંચાલ ને સાત્યકિ, વૈરાટ ને દ્રુપદ;
ગડગડી પેઠા છઠ્ઠે કોઠે, જેને બળનો છે મદ.          ૪

ત્રાહ્ય ત્રાહ્ય કરી દુર્યોધન બોલ્યો, હાથ બન્ને ઘસિયા;
પેઠા પાંડવ, ધાયા કૌરવ, એમ કહેતામાં ધસિયા.          ૫

કૃપ, દ્રોણ ને કર્ણ, કૈતક શકુનિ ને અશ્વત્થામા;
દુઃશાસન ને દુર્મુખ જયદ્રથ, સર્વ ચાલ્યા સામા.          ૬

બાહ્‌લિક, શલ્ય ને સુયોધન, ભોજ ને ભૂરિશ્રવા;
ખટમે કોઠે સુભટ સર્વે સેળભેળ ત્યાં હવા.           ૭

રથશું રથ, અશ્વશું અશ્વ, વઢે હાથીએ હાથી;
ખડ્‌ગ ખપૂવા તોમર ત્રિશૂળ સબળ વાવરે સાથી.          ૮

ટોપ ટટાર ને સલે બખતર, પાખર ત્યાં કપાય;
શ્યામ રુધિરની નદી ભયાનક ખળકે વહેતી જાય.          ૯

કુંજરનાં મસ્તક કાચબા સરખાં, મીન વીરલોચન;
ભડની ભુજા ભુજંગ સરખી, મગર માથા વિનાનાં તન.          ૧૦

શેવાળ વાળ વીરશિરના, છોળ રુધિરના છાંટા;
પડે પ્રાક્રમી અમળાઈ પાગે, ભરાય આંતરડાના આંટા.          ૧૧

માંસ પાળ બંધાઈ બે પાસે, એવી ભયાનક નદી;
શું કહું જનમેજય રાજા? મુખે વાત ન જાયે વદી.          ૧૨

કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેવાં ફાગણનાં પલાશ;
સૌભદ્રેના માર આગળ કરે કૌરવ નાસાનાસ.          ૧૩

અમરગણ અંતરિક્ષ આવી કરે પુષ્પની ધાર;
પેઠો અભિમન્યુ વ્યૂહ વિષે, કીધો કોઠો તારાતાર.          ૧૪

નાઠા કૌરવ ખટ રથી, ગયા સાતમે વંક;
ચાર પાંડવ જયદ્રથે ખાળ્યા, રહ્યા મન ઓશંક.          ૧૫

સદાશિવની વાણી સફળ જયદ્રથને ત્યાં થઈ;
અભિમન્યુ પૂંઠે ચાર કાકા, માંહી કોણે જવાયું નહિ.          ૧૬

સરિતાની પેરે પેઠો સૌભદ્રે, બાણ મૂક્યાં એકી મૂઠે;
મનમાં વિચાર એવો કરે જે કાકા આવે મારી પૂઠે.          ૧૭

એમ કરતા આવી ગયું એક પૃથ્વીનું નીચાણ;
ખટ રથી દીઠા કાળ સરખા, તે રહ્યા ચઢાવી બાણ.           ૧૮

અભિમન્યુએ ફરી જોયું તો નવ દીઠો કાકાનો જોડો :
અરે કૌરવે કપટ કીધું, આગળ બાંધ્યો છે ઓડો.          ૧૯

દ્રોણ, કૃપ ને ભૂરિશ્રવા, શલ્ય કર્ણ વળિયા વીંટી;
અભિમન્યુએ વિમાસિયું : જીવવાની આશા ખૂટી.          ૨૦

એવે પૂંઠેથી બહુ સેન લઈને આવ્યો દુર્યોધન;
શત્રુસાગર માંહે બૂડ્યો સવ્યસાચીનો તન.          ૨૧

કહે દુઃશાસન ખટ રથીને : ‘ભાઈઓ શું વિચારો?
આવો છોછો નહિ મળે, માટે સર્વે મળીને મારો.’          ૨૨

કહેતા માંહે બાણ છૂટ્યાં, કુંવર લીધો ઢાંકી;
અભિમન્યુને કોણ ઉગારે, પડી વેળા વાંકી.          ૨૩

એકધા, દશધા, શતધા, સહસ્રધા કોટિધા આયુધ;
અંધકાર હોકાર પડે, કીધું કપટે જુદ્ધ.          ૨૪

તેણી વેળા અભિમન્યુ અરુંપરું ત્યાં જોતો;
કૌરવરૂપે સાવજો ને સૌભદ્રે ત્યાં ટોતો.          ૨૫

કાઢતો તાણતો મૂકતો વેગે વાળી શરત;
રથ ઉપર ફરવા લાગ્યો, જેમ નટવો કરે છે નરત.          ૨૬

પાવક જેમ તૃણને બાળે, સૂકાં કાષ્ઠ ને દર્ભ;
ઇન્દુ જેમ અળગો નીસરે, નિવારીને અભ્ર.          ૨૭

સો સો બાણે વીંધિયા દ્રોણ ને દ્રોણનો સાળો;
રથ ઘોડા ને સારથિ માર્યો, દુર્યોધન કીધો પાળો.          ૨૮

અંગ વેધ્યું શલ્યનું, કર્ણનું વેધ્યું કપોળ;
મૂર્ચ્છા પમાડ્યો દુઃશાસનને, કરે કૌરવ કાગારોળ.          ૨૯

અભિમન્યુએ અગ્નિ-અસ્ર મૂક્યું ભાથામાંથી કાઢી;
વસ્ર બળે વીરનાં, બળે ધજા અંબાડી.          ૩૦

પાગ કેના ને ભુજ કેના, નાસતા દેહ દઝાડી;
કોના મુગટ ને ટોપ બાળ્યાં, કોની મૂછ ને દાઢી.          ૩૧

બૂમ પાડે ને ફૂંક મારે, શરીરે થયા ફફોલા;
તરફડે સેના રણ વિષે, જેમ દવે દાઝ્યા હોલા.          ૩૨

પછી ખટરથીએ રણ રાખ્યું, બાણે આણ્યો પર્જન્ય;
અભિમન્યુનો રથ તણાયો, હોલાયો હુતાશન.          ૩૩

પવન પ્રયોજ્યો પાર્થપુત્રે, નાઠો મેહ, થયું ધૂળકટ;
ચઢ્યા વાયે વંટોળિયા, ઉડાડ્યા દેહવટ.          ૩૪

દ્રોણ કર્ણે સર્પાસ્ર મૂક્યાં, વાયુભક્ષી રથે વળગ્યા;
અભિમન્યુએ ગરુડાસ્ર મૂક્યું, સર્પ કીધા અળગા.          ૩૫

દ્રોણે ત્યાં પર્વતાસ્ર મૂક્યું, પડે પહાણ ત્યાં પ્રચંડ;
પાર્થપુત્રે વજ્રાસ્ર મૂક્યું, શલ્યા કીધી શતખંડ.          ૩૬

વલણ
શતખંડ શલ્યા કીધી, કૌરવ સર્વ તૂટી પડ્યા રે;
કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે.          ૩૭