અભિમન્યુ આખ્યાન/કડવું ૪૯
રાગ ધનાશ્રી
એક વૃષકેતુ કર્ણનો કુંવર, આવ્યો કરીને રીસ;
હેલા માત્રમાં અભિમન્યુએ છેદ્યું તેનું શીશ. ૧
સહસ્ર રથ ને ત્રણસેં હાથી, ચૌદ સહસ્ર તોખાર;
અભિમન્યુએ મારિયા,શત લક્ષ ત્યાં અસવાર. ૨
પછવાડેથી કર્ણ આવ્યો, કપટ કરીને પાપી;
તેણે સૌભદ્રેના સારથિનું મસ્તક નાખ્યું કાપી. ૩
નીચ કર્મ ત્યાં દ્રોણ કીધું, કાપી ધનુષ્યની પ્રત્યંચાય;
ભૂરિશ્રવાએ ઘોડા માર્યા, શલ્યે વેધી કાય. ૪
કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વત્થામાએ મુગટ;
એમ સર્વે મળીને વિરથ કીધો સૌભદ્રે સુભટ. ૫
સો સો બાણ રથીએ માર્યાં, શરીર કીધું ચાળણી;
ત્યારે ગદા લઈને ધાયો, કુંવર કરવાને વાળણી. ૬
પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ;
નારાચ જાતનાં બાણ વાગ્યાં, પડ્યા સોંસરા વેહ. ૭
બહુ પારધીએ પોપટ વીંધ્યો, તરફડે વનમાંય;
તેમ કુંવર અકળાવિયો, કોણ આવે તેની સા’ય? ૮
કૃષ્ણ અર્જુન સાંભર્યા, પિતા માતુલ કો ધાય;
વાઘે ઝાલ્યો મરગલો, શી જીવ્યાની આશાય! ૯
કાકા કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ;
ભીમને કાને શબ્દ ન પડે, માટે કૌરવે વજડાવ્યાં ઢોલ. ૧૦
પારથ-પુત્રે વિચારિયું : ‘દોહલી વેળા કોનો સાથ?
આણી વેળાએ તો ઉગારે મુને મારા હાથ. ૧૧
એવું કહીને દોટ મૂકી, કર્ણ ભણી કર્યું મુખ;
ગદાપ્રહારે રાધેય પાડ્યો, ઝૂંટી લીધું ધનુષ. ૧૨
કર્ણના ચાપે ટંકરાવ કીધો, ધ્રુજાવ્યા ચૌદ લોક;
દ્રોણ કહે : ‘નાસો દુર્યોધન, એને જીત્યાની આશા ફોક.’ ૧૩
પડ્યાં બાણ વીણ્યાં મહાવીરે, મુખે કર્યો હોકાર;
‘રખે ભાણેજ નવ મરે’ — કૃષ્ણે કીધો વિચાર. ૧૪
કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી;
અભિમન્યુના ધનુષ્ય કેરી પ્રત્યંચા પોતે કાતરી. ૧૫
ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું : ‘આમ નવ ઘટે, ગોપાળ’;
ભાંગ્યું ધનુષ્ય જાણી કૌરવે વીંટી લીધો બાળ. ૧૬
એમ ઉપરાઉપરી ઘા પડે ને છૂંદો કીધી કાય;
તેવે શરીરે ગદા લઈને કૌરવ ઉપર ધાય. ૧૭
પડે પૃથ્વી, બેઠો થાયે, કરે કેસરી નાદ;
‘આવો કૌરવ! છે કોઈ યોદ્ધો?’ કરે યુદ્ધનો સાદ. ૧૮
છ રથીએ ગદા મારી એકેકી માથામાંય;
પાટુ પ્રહારે પૃથ્વી પાડ્યો દુર્યોધન ત્યાં રાય. ૧૯
નાસતા પુરુષને ચરણે ઝાલી ઝીંક્યા અવની સાથ;
બાવીસ સહસ્ર પ્રાક્રમી માર્યા અભિમન્યુએ એક હાથ. ૨૦
પાસ કોએે જવાય નહિ, ને સહેવાય નહિ સંગ્રામ;
પછે દુઃશાસનનો પુત્ર આવ્યો કાળકેતુ એવું નામ. ૨૧
તેના હાથમાંહે ગદા મોટી, અભિમન્યુ ઉપર નાખી;
ત્યારે ઊછળી અળગો પડીને દેહ પોતાની રાખી. ૨૨
એવે અંતર માંહે શલ્યરાયે મૂકી મોટી સાંગ;
સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ. ૨૩
ચૌદ બાણ ત્યાં કર્ણે માર્યાં, ભૂરિશ્રવાએ ભોગળ;
કાળકેતુએ ત્રણ ગદા મારી, નવ વળી કુંવરને કળ. ૨૪
દ્રોણ, કૃપ ને કૃતવર્માએ બાણ માર્યાં વળી;
મહામહારથી પારથનો પુત્ર પડ્યો ધરણે ઢળી. ૨૫
રૂપે અરુણ-ઉદે સરખો, શોભે કેસરી-કટિનો મોડ;
અકળાઈ પૃથ્વી પર પડ્યો, જાણે ભાંગ્યો ચંપા છોડ. ૨૬
વસુધાએ અડક્યો નહીં, બાણે વીંધાઈ રહ્યો અંતરિક્ષ;
શક્તિ ભાંગી શરીરની, ત્યારે જુએ ડગમગતે ચક્ષ. ૨૭
નિસાણ ગડગડ્યાં કૌરવનાં, બોલ્યો દુર્યોધન ધીશ :
‘જા, કાળકેતુ! કર પૂરો, છેદ એહનું શીશ.’ ૨૮
ત્રાહ્ય ત્રાહ્ય દેવતાએ કીધું, દ્રોણ લાગ્યા કહેવા :
‘અફણિયે એ મરશે રાજા, તું એને દે ને રહેવા.’ ૨૯
ભૂપ કહે : ‘કદાપિ એ જીવે તો, આપણથી નહીં જિવાય;
માટે કાળકેતુ! તું જાને વહેલો, ખડ્ગ ગ્રહી કરમાંય :’ ૩૦
મસ્તક છેદવા આવતો દીઠો પડ-પિતરાઈ;
પડ્યાં પડ્યાં અભિમન્યુને, ક્રોધ આવ્યો ભરાઈ. ૩૧
બકતો વાણી આવતો જાણી, સૂતાં ગદા નાખી સુજાણ;
કાળકેતુને આવી વાગી, ગયા નીસરી પ્રાણ! ૩૨
શાતા થઈ ત્યારે સુતને કાજે સમર્યા શ્રીભગવાન;
એહવે સ્વર્ગથી એક આવી અપ્સરા લેઈને વિમાન. ૩૩
પ્રાણ નીસર્યા અભિમનના, દેહ તો દેવતાનો ધરી;
વિમાને બેસી સ્વર્ગે ગયો, શ્રોતાજન બોલો શ્રીહરિ. ૩૪
વલણ
શ્રી હરિ મુખે કહો શ્રોતા! યુદ્ધે પડ્યો અભિમન્ય રે;
પછે પાંડવે શું કર્યું? આવ્યા કૃષ્ણ-અર્જુન રે. ૩૫