અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/ગ્રસ્ત છું...
Jump to navigation
Jump to search
ગ્રસ્ત છું...
નયના જાની
એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી!
એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી!
એમ જ ગમી ગયું અને કારણ કશું નથી,
એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી!
એનું બધું જ જેવું હો તેવું ગમે મને,
તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી!
કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું,
એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી!
અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો,
હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી!
સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં,
સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી!
આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે,
નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી!
લોકો સુગંધનું ય અરે, નામ શોધતા,
નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી!