અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/ગામની વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગામની વિદાય

પ્રહલાદ પારેખ

હે જી મારા નાનપણાના ગામ! મારા બાળપણાના ધામ!
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.

તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા!
         તારી આ ઝાડવાંની છાયા;
         એની લાગી છે મને માયાઃ
છોડવાં નો’તાં એને છોડવાં આજે:
         જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ. મારાo

ના રે કળાયા કદી, નેહના વેલા એવા
         ભોંયે આ તારી પથરાયા:
જાવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
         ડગલે ને પગલે એ અટવાયા:
         ક્યારે બાધી લીધો’તો મને આમ? મારાo

તારા ડુંગરને તારા વોંકળા, હે ગામ મારા!
         તારાં આંસુ ને તારાં હાસ:
હૈયાને મારા એણે બાંધી લીધી છે જાણે
         કોઈ અદીઠ એવી રાશ:
         ખેંચી ઊભાં છે આજ એ તમામ! મારાo



આસ્વાદ: લયની કેડીએ શૈશવના દેશમાં – હરીન્દ્ર દવે

આપણે પ્રવૃત્તિઓના ઝંઝાવાતમાં ફંગોળાતા હોઈએ ત્યારે પણ હૃદયના કોઈક અગોચર ખૂણે આપણું શૈશવ એનાં ભાંગ્યાતૂટ્યાં રમકડાં લઈને ખેલ્યા જ કરતું હોય છે; રેતીના મહેલ ઊભા કરતું હોય છે કે સાત સાગરને પાર કરવાની પવનપાવડી આપે એવી જંગલની પરીની ખોજમાં રત હોય છે.

પરંતુ આપણે ભાગ્યે જ આપણા શૈશવને જાણતા હોઈએ છીએ. ફુગ્ગા માટે રડતો બાળક, માતાની આંગળી ઝાલી નચિંતપણે આકાશ સામે જોઈ ગીચ રસ્તા પર ચાલતો બાળક, રાજકુંવરનાં પરાક્રમોની કથા સાંભળવા ઉત્સુક બાળક આ સૌને જોતાં આપણી ભીતર કોઈક સંવેદનાનો ગંધારસ્વર આંદોલિત થઈ ઊઠે છે. પણ એનો રણકો અલગ તારવીને સાંભળવાની સ્વસ્થતા આ કોલાહલ વચ્ચે આપણને હોતી નથી.

કવિ આ સાંભળી શકે છે અને એનો રણકાર આપણા અંતરમાં પ્રતિધ્વનિત કરે છે. જે નાનકડા ગામમાં શૈશવ મહોર્યું હતું એની વિદાયનું અહીં ચિત્ર છે. બીજી જ પંક્તિમાં આવતા લયના મનોહર વળાંક સાથે શૈશવનાં મૂળ ગામની ભૂમિમાં, કેટલાં ઊંડે ખોડાયાં છે તેની પ્રતીતિ થઈ જાય છે. ‘નાનપણના ગામ’ એ શબ્દઝૂમખા પછી ‘બાળપણના ધામ’ એ શબ્દો લય અને અર્થનો નાનકડો ચમત્કાર સાધે છે. આ ચમત્કાર ગેયતાને કેટલી સમૃદ્ધ કરે છે એનો ખ્યાલ આ બે પંક્તિઓને મનમાં ગુંજો કે તરત આવી જશે.

પ્રહ્લાદની કવિતાની ખૂબી એની સરળતામાં છે. એ અલંકારો વિના, માત્ર સરળ વિગતોના સૂક્ષ્મ નિરૂપણ દ્વારા જ ઘણું સિદ્ધ કરે છે. ગામની માટી, ગામનું પામી અને વૃક્ષોની છાયા—જેની કવિને માયા લાગી છે એનો સંવેદનશીલભાવક કોઈક પ્રતીકો તરીકે પણ આસ્વાદ લઈ શકે. આ માયા છોડીને જતા હૃદયની ત્વચા ઉતરડાતી હોય એવી લાગણી થાય છે.

આપણી લાગણીઓનાં મૂળ ક્યાં ક્યાં નખાયાં હોય છે, એની આપણને જાણ નથી હોતી. કોઈ વાર ઓચિંતાં જ ચાલવા જઈએ અને પેલા ખેંચાતા મૂળની વેદના આપણે અનુભવીએ ત્યારે એનો ખ્યાલ આવે છે. જ્યાં આપણું શૈશવ વીત્યું હોય એ ગામની વિદાય લેતાં પગ ભારે થઈ જતો હોય છે. ‘પગ ભારે થઈ જાય છે’ એ લોક-અભિવ્યક્તિ છે. કવિની અભિવ્યક્તિ એથી તદ્દન જુદી છેઃ નરી આંખે ન દેખાતા નેહના વેલા પર ભૂમિમાં ઊગ્યા છે—જેવો જવા માટે પગ ઉપાડ્યો, અને વેલાઓ ચરણોમાં અટવાવા લાગ્યા…

અને કવિ પૂછે છેઃ ‘ક્યારે બાંધી લીધો’તો મને આમ?’ સ્નેહનો આ દૃઢ સંબંધ ક્યારે બંધાઈ ગયો?

આપણાં મનમાં ગહ્વરોમાંથી પણ પ્રતિધ્વનિ આવે છેઃ ‘સ્નેહનો આ સંબંધ ક્યારે બંધાયો?’ કવિએ આ બધા કોલાહલો વચ્ચેથી પણ અલાયદા ખૂણામાં રચાતી શૈશવની લીલા તરફ અંગુલીનિર્દેશ કરી આપ્યો છે. લયના સમૃદ્ધ ગુંજાવરની કેડી પરથી શૈશવના અગોચર પ્રદેશ સુધી લઈ જતી આ કવિતાનો ચમત્કાર સાત સાગર પાર લઈ જતી પરીની પવનપાવડી જેવો જ નથી શું? (કવિ અને કવિતા)