અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/એકલું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકલું

પ્રહલાદ પારેખ

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ,
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
         શાને રે લાગે તોયે એકલું!

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર :
         તોયે રે લાગે આજે એકલું!

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી ર્‌હે મને, આખું વિશ્વ વિરાટ;
         નાના રે હૈયાને લાગે એકલું!

કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર :
         એવું રે લાગે આજે એકલું!

(બારી બહાર, પૃ. ૯૫)