અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/અંતઘડીએ અજામિલ
હસમુખ પાઠક
નારાયણ, ઓ નારાયણ, આમ આવ. આ અંધારામાં
દીવો કર. કોડિયું બુઝાયું છે. ભયાનક ઓળા યમરાજના દૂત જેમ
ઊતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે.
મને ભય છે, દીકરા, આ રાત હું નહીં કાઢું.
જ્યાં હોય ત્યાંથી આમ આવ, નારાયણ!
ન સંતાઈશ, નારાયણ, બારણા બહાર ન સંતાઈશ,
ખુલ્લા બારણામાં જોઉં છું અંધારાની પાળ બાંધતો
તારાઓનો પ્રકાશ, પાછળ તું છુપાયેલો. આવ
નારાયણ, કોડિયામાં તેલ પૂર, દીવો કર; સંતાઈશ
નહીં, નારાયણ, સંતાઈશ નહીં.
શું તું માને શોધે છે, નારાયણ, તારી માને શોધે છે?
એ તો દૂર દૂર તારાઓના પ્રકાશમાં ભળી ગઈ, તે હવે
આ ઓરડામાં પાછી કેમ કરી આવે? આ વસંતની
હવામાં મળી ગઈ, એ કેમ કરી માટીનું રૂપ ફરી ધરે?
શું તું માને શોધે છે, નારાયણ, તારી માને શોધે છે?
આજે ચંદ્ર નહિ ઊગે, નારાયણ, આજે ચંદ્ર નહિ ઊગે,
સૂર્યની સાથે ચાલ્યો ગયેલો ચંદ્ર કાલે પાછો ફરશે
ત્યારે સવારના તડકામાં એ ચંદ્રને કેમ કરી તારવીશ, નારાયણ?
તારાઓ જ્યાં અનંત અવકાશની સીમાઓ આંકી રહ્યા છે,
ત્યાં આજે ચંદ્ર નહિ ઊગે, નારાયણ, આજે ચંદ્ર નહિ ઊગે.
આજે પંખી સાવ સૂઈ ગયાં છે, નારાયણ, પંખી સાવ સૂઈ ગયાં છે,
ભય છે કે પ્રીત, થાક છે કે આનંદ,
શું છુપાયું છે આ શાંતિમાં તે નથી જાણતો હું,
નારાયણ! આજે પંખી સાવ સૂઈ ગયાં છે, નારાયણ,
પંખી સાવ સૂઈ ગયાં છે.
તું બહુ રાહ જોવરાવે છે, નારાયણ, બહુ રાહ જોવરાવે છે.
તોફાની તું, વૃદ્ધ બાપની વેદનાને વાચા આપી
રહ્યો છે તે હવે જલદી આવ, નારાયણ!
તું બહુ રાહ જોવરાવે છે, નારાયણ, બહુ રાહ જોવરાવે છે.
દોડતો દોડતો આવ, નારાયણ, દોડતો દોડતો આવ.
તારાં નાનાં નાનાં પગલાં સંભળાવ, કાળી કાળી તારી
આંખોનું તેજ પિવરાવ, કાલી કાલી તારી બોલીમાં
નવરાવ, નારાયણ! દોડતો દોડતો આવ, નારાયણ,
દોડતો દોડતો આવ.
તારા રૂપને ઓળખું છું, નરાયણ, તારા રૂપને ઓળખું છું.
નથી સમજતો તે તારામાં છુપાયલા અરૂપને, નારાયણ!
નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું, તેથી
સાદ કરું છું, નારાયણ! તારા રૂપને ઓળખું છું, નારાયણ,
તારા રૂપને ઓળખું છું.
આવ, આવ, નારાયણ, હજી આમ ઓરો આવ,
ઓરો આવ…
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૩૨-૩૩)