આંગણે ટહુકે કોયલ/આજ મેરી ચોલી
૫૨. આજ મેરી ચોલી
આજ મેરી ચોલી ભીંજાણી રંગ રેસમેં,
આજ મેરા પિયુ ગિયા પરદેશમેં.
કોરી તે હાંડીમેં દહીંડા જમાયા,
આજ મેરા જમનેવાલા પરદેશમેં.
આજ મેરી ચોલી...
કોરી તે હાંડીમેં ચાવલ પકાયા,
આજ મેરા ખાનેવાલા પરદેશમેં.
આજ મેરી ચોલી...
કોરે તે કુંજેમેં ઠંડા ઠંડા પાની,
આજ મેરા પીનેવાલા પરદેશમેં.
આજ મેરી ચોલી...
કોરે તે પત્તેમેં લવિંગ સોપારી,
આજ મેરે ચાવનેવાલા પરદેશમેં.
આજ મેરી ચોલી...
કોરે તે પલંગમેં સેજ બિછાઈ,
આજ મેરા સોનેવાલા પરદેશમેં.
આજ મેરી ચોલી...
ગુજરાત પહેલેથી જ આજુબાજુનાં રાજ્યોના લોકો માટે કોઈ ને કોઈરીતે આકર્ષક રહ્યું છે. કોઈ અહિ વ્યવસાય માટે આવીને વસતા તો કોઈ શાંત અને સમૃદ્ધ ગુજરાતને સુખચેનથી જીવન વ્યતિત કરવાનો ઉત્તમ પ્રદેશ માનતા એથી અલગ અલગ પ્રાંતના લોકો અગાઉ પણ અહિ આવીને સ્થાયી થતા હતા. કેટલાંય લોકગીતોમાં માળવાથી ગુજરાત વેપાર માટે લોકો આવ્યાના ચિત્રણો સાંપડે છે. મૂળ ગુજરાતી સિવાયના લોક અહિ આવીને વસે એટલે એમની ભાષા, બોલી, ખાનપાન, પોષાક, અસ્ત્રશસ્ત્ર, રીતરિવાજ સહિત સભ્યતા અને સંસ્કૃતિ આપણી પરંપરા અને સંસ્કૃતિને પ્રભાવિત કર્યા વિના ન રહે. આવું ઉભયપક્ષે થાય! આપણાં લોકગીતો પર દૂરબીન માંડીએ તો આ વાત વધુ સહજરીતે સમજી શકાય કેમકે કેટલાંક ગુજરાતી લોકગીતો પર આગંતુકોની ભાષા-બોલીની છાંટ ઉપસી આવી છે. ‘આજ મેરી ચોલી ભીંજાણી રંગ રેસમેં...’ ગુજરાતમાં એક સમયે ગવાતું તે કાળનું પ્રચલિત લોકગીત છે. એક પરિણીતાને એ વાતનો ખટકો છે કે પોતાનો પતિ પરદેશ વસે છે. એ વખતે વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર બહુ માર્યાદિત હતો એટલે પાંચસો-સાતસો કિલોમીટર દૂર વસતા સ્વજનો પણ વિદેશ વસે છે એવો ભાસ થતો હતો. લોકગીતની નાયિકા કહે છે કે મેં સાવ નવીનક્કોર હાંડીમાં દહીં મેળવ્યું, જામીને ઢેફું થઇ ગયું પણ ખાવાવાળો ક્યાં? એવી જ રીતે ચોખા રાંધ્યા, કુંજામાં ટાઢું પાણી ભર્યું, પાનનું બીડલું તૈયાર કર્યું ને નવા પલંગ પર પથારી પાથરી પણ ફરી પાછો એ જ સવાલ...! નાયિકા પતિ વિના દિવસ તો જેમ તેમ કરીને પસાર કરી લે કેમકે પુરૂષ સાથે હોય તોય આખો દિવસ થોડો ઘેર બેઠો રહે? એને કામધંધે જવું પડે પણ સ્ત્રીને એટલું આશ્વાસન જરૂર હોય કે રાત પડતાં તો એ ઘેર આવી જશે, અહિ તો રાતોની રાતો પતિથી દૂર રહેવું પડે છે એનો ભારોભાર રંજ લોકગીતમાં અનુભવાય છે. ગુજરાતમાં આવું હિન્દી બોલીથી સમૃદ્ધ લોકગીત ગવાતું હતું. આપણે જેને કંચવો કહીએ છીએ એ મહિલાઓનું ઉપરનું વસ્ત્ર એટલે કે ચોલીનો અહિ ઉલ્લેખ છે. નાયિકા શરૂઆત જ ત્યાંથી કરે છે, એની ચોલી ભીંજાઈ ગઈ છે. કારણ એણે જે બતાવ્યું હોય તે પણ સાવ સીધી વાત છે કે પતિ દૂર વસતો હોય ને નાયિકા નિશદિનની દરેક પ્રવૃત્તિ વખતે પતિનું સ્મરણ કરતી હોય તો ચોલી આંસુથી ભીજાઈ જવાની શક્યતા નકારી શકાય નહિ. મોટેભાગે શ્રમિક મહિલાએ આ ગીત ગાયું હોય એવી સંભાવના છે કેમકે બે પૈસા કમાવા પુરૂષને બહાર જવું પડતું. પોતાની પત્ની ગુજરાતમાં વસતી હોય તો એ સલામત રહેશે એવી પતિને ખાતરી હોય કેમકે પહેલેથી ગુજરાત શાંત, સૌમ્ય અને સલામત પ્રાંત છે. આપણે પહેલેથી જ અતિથિઓને આદર આપનારી પ્રજા છીએ.