આંગણે ટહુકે કોયલ/સૈયર મોરી ગરબા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૫૩. સૈયર મોરી ગરબા

સૈયર મોરી ગરબા કોર્યા ચાર જો,
ગરબડીએ રમે રે તેવતેવડી રે લોલ.
સૈયર મોરી શરદપૂનમની રાત જો,
અજવાળાં પડે રે માણેકચોકમાં રે લોલ.
હું ઉભી મારા ઓરડિયાને બાર જો,
સૈયરું આવે રે મુજને તેડવા રે લોલ.
સૈયર મોરી સસરાને જગાડો જો,
સસરાનાં મોકલિયાં રમવા આવશું રે લોલ.
સૈયર મોરી સાસુને જગાડો જો,
સાસુના મોકલિયાં રમવા આવશું રે લોલ,
સૈયર મોરી સાયબાને જગાડો જો,
સાયબાના મોકલિયાં રમવા આવશું રે લોલ.
ગોરી મોરી આછા સાળુ ઓઢો જો,
પરબતડી ભીડો તો લાગો પાતળાં રે લોલ.
ગોરી મોરી હળવે તાળી પાડો જો,
હાથડિયા ચમચમશે ખંભા દુઃખશે રે લોલ.
ગોરી મોરી હળવે ફૂદડી ફરજો જો,
ફેરડિયાં ચડશે ને થાશો આક્ળાં રે લોલ
ગોરી મોરી ઝીણે રાગે ગાજો જો,
જશોદાનો જીવણ જોવા આવશે રે લોલ.

સ્ત્રીઓનો સમૂહ અને સમૂહમાં સ્ત્રીઓ એટલે સિંહણોનું ટોળું! કોઈની ત્રેવડ નથી કે એને રંજાડી શકે. ગ્રામસંસ્કૃતિમાં નદી-તળાવે લૂગડાં ધોવા જવું હોય કે દળણું દળાવવા જવું હોય, મંદિરે પૂજવા જવું હોય કે ખેતરે ભાત લઈને જવું હોય-બેચાર સહિયારો સાથે જ હોય એટલે કે સ્ત્રી હંમેશા સલામત મોડમાં રહેતી. એકલદોકલ સાથે ગમે તે થઈ શકે, એકલજીવ મુશ્કેલીમાં નાહિંમત થઈ જાય છે પણ સમૂહ આપણને તાકાત આપે છે, હિંમત આપે છે. બાકી પુરૂષોના ચોક્કસ વર્ગની નબળાઈ અને નફ્ફટાઈથી વામાઓ વાકેફ છે જ, ભલે ત્યારે ‘મી ટૂ’ જેવી ઝુંબેશ ન્હોતી... ‘સૈયર મોરી ગરબા...’ શરદપૂનમની રાતે રાસ-ગરબા લેવા સહિયરોને ઈજન આપતી માનુનીના મનોભાવો પ્રગટાવતું લોકગીત છે. નાયિકા પોતાની સખીઓને કહે છે કે સરખે સરખી સહેલીઓ ગરબે રમે છે, આજે શરદપૂનમની રાત છે, માણેકચોકમાં ચાંદનીનો ઉજળો અજવાસ પથરાયો છે, ચાલો આપણે સૌ સાથે મળીને ત્યાં જઈએ. નાયિકા પોતાના ઘર પાસે ઊભી છે, સહિયારો તેડવા આવે એની રાહમાં છે પણ શરત એ છે કે સાસુ, સસરા અને પરણ્યાને જગાડવા, એ રજા આપે પછી હું રમવા આવું મતલબ એ કે રાત્રે મોડે સુધી ઘરની બહાર રહેવું છે એટલે પરિવારની મંજૂરી જરૂરી છે. આપણાં લોકગીતો આવા વિધવિધ સંદેશાઓના વાહક છે. ગોરીનો પતિ તો ખૂબ ખુશ થયો, એણે રાસે રમવા જવાની છૂટ તો આપી, સાથે ભલામણ પણ કરી કે અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરજો તો ખૂબ જ શોભી ઉઠશો. વળી હાથ અને ખભા ન દુઃખે, એ માટે હળવી તાળીઓ પાડીને રાસ લેજો, ફૂદરડી ફરવામાં પણ ધ્યાન રાખજો કેમકે તમને ચક્કર આવશે ને ધીમે ધીમે ગીત ગાજો કારણકે તમારી રાસલીલા જોવા શ્રીકૃષ્ણ ખુદ આવશે અર્થાત્ પોતે જઈને પત્નીના રાસડામાં રમમાણ બનવાની તમન્ના રાખે છે એવો ઈશારો પતિએ કર્યો છે.