આંગણે ટહુકે કોયલ/કાનુડાના બાગમાં ચંપો
૪૧. કાનુડાના બાગમાં ચંપો
કાનુડાના બાગમાં ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ
ફૂલથી રે સાહેલડીનો સાયબો તિયાં
માને નહીં કેમ? કેમ રે તારાં દલડાં ઉદાસીમાં છે?
આવો તો ઉતારા ઓરડા રે તમને મેડીના મોલ,
મોલથી રે સાહેલડીનો સાયબો તિયાં
માને નહીં કેમ? કેમ રે તારાં દલડાં ઉદાસીમાં છે?
કાનુડાના બાગમાં...
આવો તો દાતણ દાડમી રે તમને કણેરી કાંબ
કાંબથી રે સાહેલડીનો સાયબો તિયાં
માને નહીં કેમ? કેમ રે તારાં દલડાં ઉદાસીમાં છે?
કાનુડાના બાગમાં...
આવો તો નાવણ કુંડિયું રે તમને જમુનાનાં નીર
નીરથી રે સાહેલડીનો સાયબો તિયાં
માને નહીં કેમ? કેમ રે તારાં દલડાં ઉદાસીમાં છે?
કાનુડાના બાગમાં...
આવો તો ભોજન લાપશી રે તમને કાઢિયેલાં દૂધ
દૂધથી રે સાહેલડીનો સાયબો તિયાં
માને નહીં કેમ? કેમ રે તારાં દલડાં ઉદાસીમાં છે?
કાનુડાના બાગમાં...
આવો તો મુખવાસ એલચી રે તમને બીડલાં પાન
પાનથી રે સાહેલડીનો સાયબો તિયાં
માને નહીં કેમ? કેમ રે તારાં દલડાં ઉદાસીમાં છે?
કાનુડાના બાગમાં...
સૌરાષ્ટ્રમાં ગવાતાં લોકગીતોમાંથી કૃષ્ણગીતો બાકાત કરીએ તો ઝાઝું કાંઈ વધે નહીં અર્થાત્ કાઠિયાવાડી લોકગાણાંમાં કૃષ્ણકેન્દ્રી ગીતો બહુ છે; હોય જ, કેમકે મુરલીધર સૌરાષ્ટ્રમાં આવી વસ્યો હતો, દ્વારકાનો નાથ બન્યો ને ભાલકાતીર્થે નિર્વાણ પામ્યો. અહીં પુરૂષોત્તમનાં પદચિહ્ન પડ્યાં છે, ‘સુરાષ્ટ્ર’ કામણગારા કાનને કેમ ભૂલે? કાનુડાની કથાઓ-દંતકથાઓ વર્ષોથી ગવાઈ રહી છે. વિધવિધ વેશે કાનને ચિતરીને એનાં ગીતો પણ ગવાઈ રહ્યાં છે. ‘કાનુડાના બાગમાં ચંપો...’ બહુ જ પ્રચલિત લોકગીત છે. કાનગોપી એટલે કે કૃષ્ણલીલા, બહેનોના રાસડા વગેરેમાં આ ગીત અસલ લહેકાથી ન ગવાય એવું ભાગ્યે જ બનતું પણ લોકગીતોને પાઠાંતરનું ગ્રહણ લાગેલું છે એટલે શબ્દોમાં બદલાવ આવતો રહે છે. ક્યારેક વિસ્તાર બદલાય એમ શબ્દો પણ બદલાય છે. આમાં કોઈનો વાંક નથી. અગાઉ આ જ લોકગીત ‘માધુભાના બાગમાં ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ...’આમ પણ ગવાતું હતું! કાનુડાના બાગમાં ચંપાનું વૃક્ષ મ્હોરી ઉઠ્યું છે, એમાં શ્વેત શ્વેત પુષ્પો મઘમઘી રહ્યાં છે પણ ઉદાસ કનૈયો પ્રસન્ન થતો નથી; એનું મન, એનું દિલ કેમ ઉદાસીમાં છે એ સમજાતું નથી. કૃષ્ણને ઉતારા, દાતણ, નાવણ, ભોજન, મુખવાસ જેવી ઔપચારિક ઓફર કરવામાં આવી છે પણ એનાથી મધુસૂદનનું મુખ મલકાતું નથી, હવે શું કરવું? એને સીધો જ સવાલ પૂછવામાં આવ્યો છે કે તારું દિલ દુઃખી કેમ છે? પણ એ જવાબ નથી દેતો. આમ, આખું લોકગીત માત્ર પ્રશ્ન સાથે જ સમાપ્ત થઈ જાય છે. સામેથી ઉત્તર આવતો નથી! સંભવ છે એ વિરહાગ્નિમાં ઝૂરતો હોય! કેટલાંય લોકગીતો ખોટાં ગવાય છે એમ આ લોકગીત પણ એ જ શ્રેણીનું છે. મોટાભાગના લોકો ‘સાહેલડીનો સાયબો મારો...’ એમ જ ગાય છે. જો કાનુડો ‘સાહેલીનો સાયબો’ હોય તો ‘મારો’ કેમ હોય? ખરું ને? એટલે ‘મારો’ ને બદલે ‘તિયાં’ શબ્દ વાપરીને જૂની પેઢીના કેટલાક સમજુ લોકોએ ગાયું છે એ જ સાચું છે.