આંગણે ટહુકે કોયલ/દેરાણી જેઠાણી ખાંડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪૨. દેરાણી જેઠાણી ખાંડે

દેરાણી જેઠાણી ખાંડે ધાન,
મેં સાંભળ્યું’તું કાનોકાન.
મેરી પાડોશણ ચાવલ છડે,
ઓર મેરે હાથ ભંભોલા પડે.
મારા પિયુને પૂછું એમ,
જાર ખાંડે ઈ જીવે કેમ!
મેં ચૂંટી ચંપાની કળી.
દસ મહિના પેચૂટી ટળી.
મારા પિયુને પૂછું એમ,
ખડ વાઢે ઈ જીવે કેમ!
મારે માથે ફૂલનો દડો,
મેં જાણ્યું પાણીનો ઘડો.
મારા પિયુને પૂછું એમ,
પાણી ભરે ઈ જીવે કેમ!
હું સૂતી’તી કમળપથાર
કમળપથારથી લપસ્યો પગ
ભોંયે પડ્યાં ભંભોલો પડ્યો.
મારા પિયુને પૂછું એમ,
મોજડી પે’રે ઈ જીવે કેમ!
ખડી સાકરનો શિરો કર્યો,
સાત ફેરા મેં ઘીમાં તળ્યો
તોય મુજને ગળે રિયો.
મારા પિયુને પૂછું એમ,
ખીચડી ખાય ઈ જીવે કેમ!
મેં પેર્યાં’તાં હીર ને ચીર,
તોય મારાં છોલાણા ડિલ,
મારા પિયુને પૂછું એમ,
જાડાં પે’રે ઈ જીવે કેમ!
હાથમાં દોરડું દોડ્યા જાય,
ખંભે ધોંસરું તાણ્યા જાય.
મારા પિયુને પૂછું એમ,
ગાડાં હાંકે ઈ જીવે કેમ!

સ્ત્રી એટલે કોમલાંગી! ભલે અંગો કોમળ હોય છતાં એટલાં કોમળ પણ નહિ કે નાનામાં નાનું ઘરકામ પણ ન થઈ શકે. ભલે એ મૃદુ હોય છે પણ પુરૂષ કરતાંય અનેકગણી વધુ જવાબદારી નિભાવતી આવી છે. આજના યુગની વર્કિંગવૂમન તો કેટલો બોજ વહન કરે છે. ઓફિસમાં અવ્વલ અને ઘરમાં અનિવાર્ય...! ‘દેરાણી જેઠાણી ખાંડે ધાન ...’ હલકુંફૂલકું લોકગીત છે, હાસ્યગીત છે. ભવાઈનાં રમૂજી પાત્રો આ લોકગીત ગાતાં એટલે સ્વાભાવિક જ છે કે આ ઠઠ્ઠામશ્કરીનું ગીત છે. વાત એમ છે કે મેઘધનુષ જેવું નાજુક દેહલાલિત્ય ધરાવતી એક પરિણીતાને ઘરનું કોઈ જ કામ કરવું નથી, એને ઘરકામ સહેજેય ગમતું નથી એટલે પાડોશણ અનાજ ખાંડે અને કમોદ (ફોતરાંવાળા ચોખા) છડે તોય આ મખમલી નારના હાથમાં ફરફોલા પડી જાય છે, બોલો! એના પતિને સીધો જ સવાલ કરે છે કે જો હું જુવાર ખાંડું તો કેમ જીવું? મારી જ જાઉં...! એણે ચંપાની કળી ચૂંટી તો એની પેચૂટી ખસી ગઈ, હવે જો એ ઘાસ વાઢવા જેવું ભારેખમ કામ કરે તો તો જીવતી કેમ રહે? માથે મૂકેલો ફૂલનો દડો એને પાણીનો ઘડો લાગે છે એવી કોમળ નારીને પાણી ભરવું પડે તો એની શી વલે થાય? કમળ પથારીએ સૂતાં એનો પગ લપસ્યો ને ફોલ્લો પડ્યો! જો એને મોજડી પહેરવાની થાય તો પગની દશા શું થાય? ઘી-સાકરનો શિરો એને ગળે અટકે છે, એ બિચારી ખીચડી કેમ આરોગી શકે? હીરચીર પહેર્યાં તોય એનું શરીર છોલાઈ ગયું, જો એને જાડું કાપડ પહેરવું પડે તો? આવી કાચની પૂતળી જેવી નારી ખેતરમાં મહેનતનું કામ તો કરી જ ન શકે ને! શહેરો અને હવે તો ગામડાંઓમાં પણ સંજવાળી-પોતાં અને વાસણ સાફ કરવા માટે કામવાળાં બહેનોની સેવા ઉપલબ્ધ હોય છે, ઇલેક્ટ્રિક મશીન કપડાં ધોઈ નાખે છે. મોટાં શહેરોમાં રસોયણ બહેનોની સેવા લેવાય છે એવા યુગમાં કોઈ ‘લેડી’ આટલી આળસુ અને કોમળ હોય એ સમજી શકાય પણ સદી બે સદી પૂર્વેની વહુવારુ આવી ‘કોમલાંગી’ હોય એવું બને? આ તો ભાઈ લોકગીત છે ને એય વળી પાછું હાસ્યગીત...! પચાસ-પોણોસો વર્ષ પહેલા યંત્ર ન્હોતા, સુવિધા ન્હોતી એટલે મહિલાઓએ બધાં કામ જાતે કરવાં પડતાં હતાં ત્યારે તેમને જિમ કે ફિટનેસ સેન્ટરોમાં ન જવું પડતું એ વાત પણ એટલી જ સાચી છે.